નાઈરોબીઃ કેન્યામાં અદાણી ગ્રૂપને એર પોર્ટ નવીનીકરણ પ્રોજેક્ટ ગુમાવ્યા પછી બીજો ફટકો પડ્યો છે. કેન્યાની હાઈ કોર્ટે શુક્રવાર 25 ઓક્ટોબરે સરકારી માલિકીની કેન્યા ઈલેક્ટ્રિકલ ટ્રાન્સમિશન કંપની અને ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ગ્રૂપની કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ વચ્ચે ટ્રાન્સમિશન લાઈન્સ સાથે પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ અને સંચાલન વિશે પાવરલાઈન કરાર સસ્પેન્ડ કર્યો છે. લો સોસાયટી ઓફ કેન્યાએ આ વ્યવસ્થા ભારે ગુપ્ત રખાઈ છે તેમજ બંધારણીય ઉલ્લંઘન છે તેવા આરોપ સાથે તેને હાઈ કોર્ટમાં પડકાર આપ્યો હતો.
બે કંપનીઓ વચ્ચે આ 30 વર્ષનો કરાર ઓક્ટોબરની શરૂઆતમાં જ કરાયો હતો. હાઈ કોર્ટે જણાવ્યું હતું કે કરારને પડકારતા કેસ પર કોર્ટ નિર્ણય ના લે ત્યાં સુધી 736 મિલિયન ડોલરની નઆ સમજૂતી પર કેન્યાની સરકાર આગળ વધી શકશે નહિ. લો સોસાયટી ઓફ કેન્યાએ એવો પણં આરોપ લગાવ્યો છે કે સરકારી કંપની અને અદાણી એનર્જી સેલ્યશન્સે દેશના 2021ના પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ એક્ટ દ્વારા ફરજિયાત પબ્લિકની અર્થપૂર્ણ ભાગીદારીને ધ્યાનમાં લીધી નથી. આ કાયદા હેઠળ પ્રાઈવેટ કંપનીઓને કેન્યામાં પબ્લિક સેક્ટર પ્રોજેક્ટ્સને વિકસાવવાની છૂટ અપાય છે.
ઉલ્લેખનીય છે કે લો સોસાયટી ઓફ કેન્યા અને અન્ય જૂથોએ કેન્યા સરકાર અને અદાણીની અન્ય કંપની વચ્ચે નાઈરોબી એરપોર્ટના વિકાસ અને સંચાલન માટે 30 વર્ષના ગાળાની સૂચિત સમજૂતીને પણ પડકારી હતી. સોસાયટીએ દાવો કર્યો હતો કે આ સોદો પોસાય તેવો નથી અને નોકરીઓ ગુમાવવાની થશે. સપ્ટેોમ્બરમાં કેન્યાની કોર્ટે આ મુદ્દે તે નિર્ણય ન લે ત્યાં સુધી એરપોર્ટ સમજૂતી પણ સસ્પેન્ડ કરી હતી.