નાઈરોબીઃ ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ્સ લિમિટેડે નાઈરોબીમાં જોમો કેન્યાટા ઈન્ટરનેશનલ એરપોર્ટમાં નવા પેસેન્જર ટર્મિનલ અને બીજા રનવેના નિર્માણ તેમજ વર્તમાન સુવિધાઓના નવીનીકરણમાં મદદ કરવાની દરખાસ્ત મૂકી છે.
કેન્યા એરપોર્ટ્સ ઓથોરિટીના કાર્યકારી મેનેજિંગ ડાયરેક્ટર હેન્રી ઓગોયેના જણાવ્યા મુજબ આ દરખાસ્ત દેશના જાહેર-ખાનગી ભાગીદારી કાયદાઓને સુસંગત છે કે નહિ તેની ચોકસાઈ કરવા ટેક્નિકલ, ફાઈનાન્સિયલ અને કાનૂની સમીક્ષાને પાત્ર રહેશે. કેન્યાટા ઈન્ટરનેશનલ એરપોર્ટ પાછળ 1.85 બિલિયન ડોલરના ખર્ચનો અંદાજ છે. સૂચિત અપગ્રેડેશન પ્રોજેક્ટના પ્રથમ પાંચ વર્ષમાં 830 મિલિયન ડોલરની જરૂર રહેશે. આવશ્યક ઈન્વેસ્ટમેન્ટ ગણનાપાત્ર છે અને પ્રાઈવેટ ભંડોળ મેળવ્યા વિના તે થઈ શકે તેમ ન હોવાનું અદાણીની દરખાસ્તમાં જણાવાયું છે.
એશિયાના બીજા ક્રમના સૌથી ધનવાન ગૌતમ અદાણીની કંપની આઠ એરપોર્ટ્સનો પોર્ટફોલીઓ ધરાવે છે જેનું ભારતના 10 મોટા ડોમેસ્ટિક રૂટ્સના 50 ટકાથી વધુ વર્ચસ્વ છે. તેમના એરપોર્ટ્સ ભારતના એર ટ્રાફિકમાં 23 ટકાના હિસ્સા સાથે કુલ પેસેન્જર્સના 20 ટકાને સેવા આપે છે.