કેપ ટાઉનઃ નવેમ્બર 13, 2010માં કેપ ટાઉન નજીક અપહરણ કરાયેલી 28 વર્ષીય અની દેવાણીની હત્યામાં મદદના સબબે જેલ ભોગવી રહેલા ટેક્સી ડ્રાઈવર ઝોલા ટોન્ગોને પેરોલ પર જેલમુક્ત કરાયો છે. અની દેવાણીના પરિવારે હત્યારાને મુક્ત કરવાના નિર્ણયની ભારે નિંદા કરી હતી. ટેક્સી ડ્રાઈવર ટોન્ગોએ દાવો કર્યો હતો કે અની દેવાણીના ભારતીય મૂળના બિઝનેસમેન પતિ શ્રીયેન દેવાણીએ પત્નીની હત્યા કરવા કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જોકે, કોર્ટે ટોન્ગોને 18 વર્ષની જેલની સજા ફરમાવી શ્રીયેન વિરુદ્ધના આરોપો ડિસેમ્બર 2014માં ફગાવી દીધા હતા..
અની દેવાણીના પરિવારે નિરાશા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હત્યારો હવે મુક્ત થયો છે અને તે અનીની હત્યા કેવી રીતે થઈ તેનું સત્ય છુપાવી રહ્યો છે. સ્વીડનના મેરીસ્ટાડથી અનીના કાકા અશોક હિન્ડોચાએ કહ્યું હતું કે,‘ સંપૂર્ણ– સજા ભોગવ્યા વિના ટોન્ગોને મુક્ત કરવાથી અપરાધીઓને ખતરનાક સંદેશો જાય છે. મારી સુંદર ભત્રીજીનો જીવ લેવાઈ ગયો અને આ ટોન્ગો મુક્ત કરી દેવાયો છે. અમને લાગે છે કે અની સાથે શું કરાયું તે પોલીસને જણાવ્યું તેના કરતાં પણ તે વધુ જાણે છે. અમે ગયા વર્ષે તેની પેરોલ અટકાવી હતી. તે શું છુપાવી રહ્યો છે અને કોને બચાવી રહ્યો છે તે કહેવાની તક આપી હતી પરંતુ, તેણે કશું કહેવાનો ઈનકાર કર્યો હતો. તેણે વધુ 12 મહિના જેલ ભોગવી છે પરંતુ, આ પુરતું નથી. અમે સાંભળ્યું છે કે જેલમાં ટોન્ગોની તબિયત સારી રહેતી ન હતી, હું તેનું સારું ઈચ્છતો નથી.’
અનીના પિતા વિનોદ હિન્ડોચાએ ઉમેર્યું હતું કે,‘મારી પુત્રીની હત્યા કેવી રીતે અને શા માટે થઈ તેનું સંપૂર્ણ સત્ય બહાર ન આવે ત્યાં સુધી અમને શાંતિ મળશે નહિ. અને કેપ ટાઉનમાં અડધી જ ટ્રાયલ મળી છે આથી, અડધુ સત્ય જ બહાર આવ્યું છે.’
ટેક્સી ડ્રાઈવર ટોન્ગોએ અની દેવાણીની હત્યા માટે બે હત્યારાને ભાડે લીધા હોવાની કબૂલાતના પગલે 18 વર્ષની જેલની સજા કરાઈ હતી. સાઉથ આફ્રિકાના કાયદા અનુસાર 25 વર્ષ કે તેથી ઓછી સજા થઈ હોય તે અપરાધી અડધી સજા પછી પેરોલ મેળવી શકે છે. ઝોલા ટોન્ગોને 2020માં જ માલ્મ્સબરી જેલમાંથી પેરોલ પર છોડાવાનો હતો પરંતુ, અનીના પરિવારે ભારે વિરોધ કર્યો હતો. આખરે તેના વકીલોએ મંગળવાર, 21 જૂને તેને છોડાવવામાં સફળતા મેળવી હતી. ટોન્ગોને ઘરમાં અટકાયત, કોમ્યુનિટી સર્વિસ ઓર્ડર, આલ્કોહોલ અને ડ્રગ્સના સેવન પર પ્રતિબંધ સહિત કેટલીક શરતોને આધીન પેરોલ આપવામાં આવેલ છે. છ વર્ષની પેરોલના પ્રથમ વર્ષ માટે તેને ઘરમાં નજરકેદ રખાશે. ટેક્સી ડ્રાઈવર ટોન્ગો ઉપરાંત, હત્યારા મ્ઝિવામાડોડા ક્વાબેએ હત્યાની કબૂલાત કરી હતી અને તે હાલ 25 વર્ષની સજા ભોગવી રહ્યો છે. અની દેવાણીને ગોળી મારનાર ઝોલિલે મન્જેનીનું જેલમાં કેન્સરથી મૃત્યુ થયું હતું.
સ્વીડનમાં જન્મેલી અનીના લગ્ન બ્રિટિશ મિલિયોનેર અને નર્સિંગ હોમના માલિક શ્રીયેન દેવાણી સાથે 2010માં થયાં હતાં અને થોડા સપ્તાહમાં જ હનીમૂન પર ગયેલા દંપતીનું કેપ ટાઉનમાં અપહરણ કરાયું હતું. શ્રીયેન દેવાણીને બંદૂકની અણીએ વાહનમાંથી ફેંકી દેવાયો હતો જ્યારે અનીનો મૃતદેહ પાછળથી મળી આવ્યો હતો. એવો આરોપ લગાવાયો હતો કે લગ્નમાંથી છૂટી જવા ઈચ્છતા શ્રીયેને એન્જિનીઅર પત્ની અનીની હત્યા કરાવવા બે ભાડૂતી હત્યારા માટે ટેક્સી ડ્રાઈવર ઝોલા ટોન્ગોને 15000 રેન્ડ (700 પાઉન્ડ) ચૂકવ્યા હતા.
શ્રીયેન દેવાણીની બ્રિટનમાં ધરપકડ થઈ હતી પરંતુ, હત્યાના ષડયંત્રની શંકાના આરોપોનો સામનો કરવા સાઉથ આફ્રિકા જવું ન પડે તે માટે પ્રત્યર્પણનો ભારે વિરોધ કર્યો હતો. શ્રીયેન બ્રિટનની સાઈકિયાટ્રિક હોસ્પિટલમાં રહેવા સાથે લાંબો કાનૂની સંઘર્ષ ચાલ્યો હતો. આખરે 2014માં તેને ટ્રાયલનો સામનો કરવા સાઉથ આફ્રિકા મોકલી અપાયો હતો. ટ્રાયલ દરમિયા શ્રીયેને તે સમલૈંગિક હોવાની કબૂલાત પણ કરી હતી. નિર્દોષ જાહેર કરાયા પછી શ્રીયેનના સંબંધ તેના બોયફ્રેન્ડ અને બ્રાઝિલિયન ફોટોગ્રાફર ગ્લેડિસન લોપેઝ માર્ટિન્સ સાથે બંધાયા હતા.