કમ્પાલાઃ અફઘાનિસ્તાનથી પ્રથમ ફ્લાઈટમાં યુગાન્ડા પહોંચેલા શરણાર્થીઓને દેશમાં આવકાર અપાયો હતો. પરંતુ, તેમાં રાજકારણ રમાઈ રહ્યું છે. તાલિબાને કાબુલ તરફ કૂચ શરૂ કરી ત્યારે તેનાથી ૫,૦૦૦ કિ.મી દૂર આવેલા યુગાન્ડામાં રાજકારણીઓ અફઘાનિસ્તાનથી શરણાર્થીઓના આગમન માટે તૈયાર થઈ ગયા હતા. એક કેબિનેટ પ્રધાને જણાવ્યું કે ભરોસાપાત્ર સાથીદાર તરીકે દુનિયાની નજર યુગાન્ડા પર હશે. બીજા પ્રધાને જણાવ્યું કે આ શરણાર્થીઓ સ્થાનિક હોટલો માટે બિઝનેસ લાવશે.
૫૧ શરણાર્થીઓ સાથેના પહેલા વિમાને ૨૫ ઓગસ્ટે એન્ટેબી એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું. કુલ ૨,૦૦૦ શરણાર્થી આવવાની શક્યતા છે. અમેરિકન અધિકારીઓ અમેરિકા અને અન્ય દેશમાં વસવાટ માટેની તેમની અરજી પર કાર્યવાહી કરશે તે દરમિયાન તેઓ હોટેલમાં રહેશે. આ પ્રક્રિયામાં થોડાં મહિના થઈ શકે. અફઘાનીઓને હંમામી ધોરણે આશ્રય આપવાની તૈયારી દર્શાવનારા કોસોવોથી કોસ્ટા રિકા સુધીના ૨૪ દેશ પૈકી યુગાન્ડા એક છે. રવાન્ડા અફઘાનિસ્તાનની માત્ર છોકરીઓ માટેની બોર્ડિંગ સ્કૂલના સ્ટાફ અને સ્ટુડન્ટ્ બોડીને આશ્રય આપવા તૈયારી કરી રહ્યું છે. તેમણે જે આવકાર દર્શાવ્યો છે તેનાથી ધનવાન દેશો શરમજનક સ્થિતિમાં મૂકાયા છે. પંરતુ, તેમનો ઈરાદો સંપૂર્ણપણે પરોપકારનો નથી.
અફઘાનીઓનું આગમન મહામારીને લીધે ખાલી પડેલી હોટલો માટે આશીર્વાદ પૂરવાર થઈ રહ્યું છે. તેમનું બિલ અમેરિકા ચૂકવશે.
યોવેરી મુસેવેનીની સરકાર સિવિલ – સોસાયટી ગ્રૂપ્સ બંધ કરવામાં વ્યસ્ત છે ત્યારે આ કટોકટીએ પશ્ચિમ સાથેના કથળતા સંબંધોને સુધારવાની તક પૂરી પાડી છે.
અફઘાન શરણાર્થીઓની પુનઃવસવાટની પ્રક્રિયા માટે આફ્રિકન દેશોનો ઉપયોગ ધનવાન દેશો પોતાની જવાબદારીથી દૂર થઈ જવાની વિકસતી પેટર્ન છે તેમ ઈન્ટરનેશનલ રેફ્યુજી રાઈટ્સ ઈનિશિએટિવના એચીએંગ અકેનાએ જણાવ્યું હતું.