જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકાના સેંકડો શ્વેત આફ્રિકનો તેમની જ સરકાર દ્વારા વંશીય ભેદભાવનો શિકાર બની રહ્યા હોવાના દાવા સાથે પ્રીટોરીઆમાં યુએસ એમ્બેસી સમક્ષ એકઠાં થયા હતા. તેમણે યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માનતા પોસ્ટરો લહેરાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાની સરકાર શ્વેત લઘુમતી સામે ભેદભાવ આચરતા કાયદા સ્થાપી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
તાજેતરમાં જ પ્રમુખ ટ્રમ્પે સાઉથ આફ્રિકાની અશ્વેત નેતાગીરીની સરકારને મદદ અને સહાયમાં કાપ જાહેર કર્યો હતો. સરકારને ખાનગી જમીનો પર કબજો મેળવવાની સત્તા આપતા નવા કાયદાથી મુળ ડચ સંસ્થાનવાદી વસાહતીઓના વંશજોને લક્ષ્ય બનાવાઈ રહ્યા હોવાનું ટ્રમ્પના આદેશમાં જણાવાયું હતું. આ કાયદાથી શ્વેત ખેડૂતો પાસેથી જમીનો છીનવાઈ રહી હોવાના આક્ષેપો સાથે ટ્રમ્પે શ્વેત લઘુમતી આફ્રિકનોને યુએસમાં રેફ્યુજી સ્ટેટસ ઓફર કરવાની યોજના હોવાની પણ જાહેરાત કરી હતી.
દરમિયાન સાઉથ આફ્રિકન પ્રેસિડેન્ટ સીરિલ રામફોસાએ નવો કાયદો કોઈ જાતિ કે વંશ સાથે સંકળાયેલો હોવાનું નકારી ટ્રમ્પના દાવાને બેબુનિયાદ અને ગેરમાહિતી ધરાવતો કહ્યો હતો. સાઉથ આફ્રિકાની વસ્તીમાં માત્ર 7 ટકા હિસ્સો ધરાવતા શ્વેત આફ્રિકનો ખેતીની બહુમતી જમીનો પર કબજો ધરાવે છે.