નાઈરોબી, લંડનઃ યુકેમાં પીજી ટિપ્સ, લિપ્ટન અને સેઈન્સબરીની રેડ લેબલ સહિત કેટલીક સૌથી લોકપ્રિય ચા બ્રાન્ડનો સપ્લાય જ્યાંથી આવે છે તે કેન્યાના ચાના બગીચાઓમાં સ્ત્રી મજૂરોનાં યૌનશોષણનો ઘટસ્ફોટ બીબીસી આફ્રિકા આઈ અને પેનોરેમાની સંયુક્ત તપાસમાં થતાં સનસનાટી મચી ગઈ છે. આ રિપોર્ટના પગલે ત્રણ મેનેજરને સસ્પેન્ડ કરી દેવાયા છે.
કેન્યામાં વર્ષોથી બે બ્રિટિશ કંપનીઓની માલિકીના ચાહના બગીચાઓમાં કામ કરતી 70થી વધુ મહિલાએ બીબીસીને જણાવ્યું હતું કે તેમના સુપરવાઈઝર્સ દ્વારા તેમનું જાતીય શોષણ થતું રહ્યું છે. યુનિલીવર તેમજ જેમ્સ ફિન્લે એન્ડ કંપનીની માલિકીના ટી પ્લાન્ટેશન્સમાં સ્થાનિક અધિકારીઓ દ્વારા અંડરકવર રીપોર્ટરને સેક્સ માટે દબાણ કરાવાતું હોવાનું સીક્રેટ ફિલ્મમાં જોવાં મળે છે. યુનિલીવર સામે 10 વર્ષ અગાઉ પણ આ પ્રકારના આક્ષેપો થયા હતા અને તેણે જાતીય હેરાનગતિ સામે ઝીરો ટોલરન્સનું વલણ લોન્ચ કરવા સાથે રિપોર્ટિંગ સિસ્ટમ સહિતના અન્ય પગલાં પણ જાહેર કર્યા હતા. જોકે, બીબીસી આફ્રિકા આઈ અને પેનોરેમા દ્વારા સંયુક્ત તપાસ મુજબ યૌનશોષણનો અંત લાવવાના જાહેર કરાયેલા પગલાંમાં કોઈ દમ ન હતો.
શ્રમિકોની મજબૂરીનો લાભ ઉઠાવતા બોસીસ
બીબીસીના ટોમ ઓડુલાએ આ બે કંપનીઓ દ્વારા સંચાલિત ટી પ્લાન્ટેશન્સમાં કામ કરતી મહિલાઓ સાથે વાતચીત કરી હતી. ઘણી મહિલાએ જણાવ્યું હતું કે કામ મળવાનું મુશ્કેલ હોવાથી તેમના બોસીસની સેક્સ્યુઅલ માગણીઓને તાબે થવા અથવા આવક જતી કરવા સિવાયનો કોઈ માર્ગ તેમની પાસે રહ્યો ન હતો. એક મહિલાએ કહ્યું હતું કે તેને બાળકો હોવાંથી નોકરી છોડવાનું પોસાય તેમ નથી. અન્ય મહિલાએ જણાવ્યું હતું કે ‘ડિવિઝનલ મેનેજરે તેની સાથે સેક્સ ન કરાય ત્યાં સુધી નોકરીએ આવવાનું બંધ કરાવી દીધું હતું. આ મોટો અત્યાચાર જ છે. તે તમારી સાથે સૂવા ઈચ્છે છે અને તે પછી જ તમને નોકરી મળે છે.’ એક મહિલાએ બીબીસીને જણાવ્યું હતું કે તેના સુપરવાઈઝરના દબાણથી સેક્સ કરવા થકી તેને HIV નો ચેપ લાગ્યો હતો.
જાતીય શોષણના આક્ષેપો મુદ્દે વધુ પુરાવા હાંસલ કરવા બીબીસીએ અંડરકવર રીપોર્ટરને ટી પ્લાન્ટેશન્સમાં કામે લગાવી હતી. જેમ્સ ફિન્લે એન્ડ કંપનીના 30 કરતાં વધુ વર્ષથી કામ કરતા અને અનેક મહિલાઓ દ્વારા શોષણખોર તરીકે ઓળખાયેલા રીક્રુટર જ્હોન ચેબોચોકે તેને નોકરીના ઈન્ટરવ્યૂ માટે બોલાવી હતી. આ ઈન્ટરવ્યૂ હોટેલના રૂમમાં યોજાવાનો હતો. ચેબોચોકે નોકરીના બદલામાં સેક્સની માગણી કરી હતી પરંતુ, અંડરકવર રીપોર્ટરે તે માટે સંમતિ દર્શાવી ન હતી અને ફોનના બહાના હેઠળ નાસી છૂટી હતી. બીબીસીએ સંપર્ક કર્યા પછી જેમ્સ ફિન્લે એન્ડ કંપનીએ ચેબોચોકને તત્કાળ સસ્પેન્ડ કર્યો હતો.
બીબીસીના અંડરકવર રીપોર્ટરને યુનિલીવરના ચાના બગીચામાં પણ આવો અનુભવ થયો હતો. તેણે હળવાં કામની માગણી કરી ત્યારે ત્યાંના સુપરવાઈઝરે પણ સેક્સની માગણી કરી હતી. રીપોર્ટરે કંપનીના સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફિસર્સ સમક્ષ રજૂઆત કરી હતી પરંતુ, કોઈ પગલાં લેવાયા ન હતા. બીબીસી દ્વારા ગુપ્તપણે ફિલ્મિંગ કરાયા પછી યુનિલીવરે તેનું કેન્યાનું ઓપરેશન નવા માલિક લિપ્ટન ટીઝ એન્ડ ઈન્ફ્યુઝન્સને વેચી દીધું હતું હતું જેણે બે મેનેજરને તત્કાળ સસ્પેન્ડ કરી સ્વતંત્ર તપાસની જાહેરાત કરી હતી.
જેમ્સ ફિન્લે એન્ડ કંપની તેમના કેન્યાના બગીચાઓની ચા સેઈન્સબરી‘ઝ, ટેસ્કો સુપરમાર્કેટ્સ અને સ્ટારબક્સને પૂરી પાડે છે.
કેન્યન સ્ત્રીમજૂરોના જાતીય શોષણની ઘટનાઓ બહાર આવ્યા પછી સ્ટારબક્સે કેન્યાની જેમ્સ ફિન્લે એન્ડ કંપની પાસેથી ચાની ખરીદી હાલ પૂરતી બંધ કરી દીધી છે. બીજી તરફ, ટેસ્કો, સેઈન્સબરી‘ઝ અને ફિન્લેએ સખત પગલાં લેવાઈ રહ્યાં હોવાની જાહેરાત કરી છે.