પેરિસ/નાઈરોબીઃ કોવિડ – ૧૯ મહામારીને લીધે વૈશ્વિક અર્થતંત્રમાં મંદી વચ્ચે સંઘર્ષ કરી રહેલા આફ્રિકન અર્થતંત્રને મદદ કરવા માટેના ઉપાય શોધવાના હેતુસર ફ્રાન્સના પ્રમુખ ઈમાનુએલ મેક્રોં શિખર બેઠક યોજી રહ્યા છે. નાઈજીરીયા, કોંગો અને ઈથિયોપિયા સહિત ડઝનથી વધુ આફ્રિકન દેશો તેમની સરકારના વડાઓને આ બેઠકમાં ભાગ લેવા મોકલશે.
આફ્રિકન સંઘ અને યુરોપિયન સંઘના અધિકારીઓ પણ તેમાં ભાગ લેવા વિચારી રહ્યા છે અને દુનિયાના અન્ય વડાઓ તેમાં વર્ચ્યુઅલી જોડાશે તેમ મેક્રોંએ જણાવ્યું હતું.
કેટલાંક નિરીક્ષકો આ બેઠકને આફ્રિકન અર્થતંત્રો માટે નવું ડીલ તૈયાર કરવાના પ્રયાસ તરીકે ગણાવે છે. ફ્રાન્સે આમાં શું ભૂમિકા ભજવવી જોઈએ તે અંગે કેટલાંક લોકો પ્રશ્ર ઉઠાવી રહ્યા છે. આઝાદીના ૬૦ કરતાં વધુ વર્ષ પછી ઘણાં વેસ્ટ અને સેન્ટ્રલ આફ્રિકન અર્થતંત્રોમાં ફ્રાન્સનું જંગી મૂડીરોકાણ છે.
સેનેગલ સ્થિત અર્થશાસ્ત્રી ખાદીમ બામ્બા ડાયેન યુનિવર્સિટી લેક્ચરર છે અને ફાઈનાન્સિયલ માર્કેટ કન્સલ્ટન્ટ છે. તેમનો દાવો છે કે ફ્રાન્સ આફ્રિકન અર્થતંત્ર પર પોતાનો અંકુશ પાછો મેળવવા માગે છે અને ફ્રાન્સ જે લોન આપશે તે આ ભૂમિકા જાળવી રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવશે.
તેઓ માને છે કે આફ્રિકન દેશોએ ફ્રાન્સ દ્વારા વર્ષોથી મૂકવામાં આવતી લોનની શરતો સ્વીકારવા કરતાં ફંડ માટે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસે જવું જોઈએ. ફ્રાન્સની શરતો દેશના પોતાના ખાનગી ક્ષેત્રના વિકાસની અવગણના કરીને ફ્રેન્ચ કંપનીઓની શરતોની તરફેણ કરનારી હોય છે...