જોહાનિસબર્ગઃ ભારતીય અને ઝૂલુ સમુદાય વચ્ચે તાજેતરમાં ઊભી થયેલી તંગદિલીને દૂર કરવાના પ્રયાસના એક ભાગરૂપે પહેલી જ વાર ઝૂલુ કિંગ પોતાના મહેલમાં દિવાળી ઊજવણી કરશે. સાતમી ઓક્ટોબરની દિવાળીની ઊજવણીનું આયોજન ૬૯ વર્ષના ઝૂલુ રાજા ગુડવિન ઝવાલીથી દ્વારા કરાશે. દક્ષિણ આફ્રિકાના વેપારી ઈશ્વર રામલુલચમનના નેતૃત્વ હેઠળના શિવાનંદ વર્લ્ડ પીસ ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રીતે દિવાળીની ઉજવણી કરાશે. નોનમોગા જેવા ગ્રામીણ વિસ્તારમાં મહેલમાં યોજાનારા ચાર કલાકના કાર્યક્રમમાં હિન્દુ અને ઝૂલુ સમુદાયના સાંસ્કૃતિક ગીતો અને ડાન્સનો સમાવેશ થશે.
આ ઉજવણી અને દિવાળી વિશે ગુડવિન ઝવાલીથીએ કહ્યું હતું કે, દિવાળીમાં સ્વતંત્રતા, તહેવાર અને મૈત્રીભર્યા વાતાવરણની સુવાસ હોય છે. આ તહેવાર સૌના માટે આનંદ અને એકતા લઈને આવે છે. લોકોના દિલમાં પરોપકારી પ્રવૃત્તિઓ કરવાની પ્રેરણા ભરી દે છે. તેઓ એકબીજાને મળે છે અને પ્રેમથી ભેટે છે. દિવાળી લોકોને એક કરવાનો તહેવાર છે. ગુડવિન ઝવાલીથીએ લોકોને સાથે મળીને દિવાળી ઊજવવા હાકલ કરી હતી. તમામ સમુદાયો એકબીજની ધર્મ અને રાષ્ટ્રીયતાને સન્માન આપવું જોઈએ. આ ઉજવણી ઐતિહાસિક એટલા માટે છે કે શાહી મહેલમાં કરાશે એમ ઝૂલુના રાજાએ કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે ઝૂલુનાતાલના રાજા તરીકે મારા સામ્રાજ્યના લોકો સાથે દિવાળી મનાવતા મને આનંદ થશે. ખાસ કરીને મારા હિન્દુ ભાઈઓ અને બહેનો સાથે એમ તેમણે એક નિવેદનમાં કહ્યું હતું. રાજ્યમાં નોંધપાત્ર સંખ્યામાં રહેતા ભારતીય સમુદાયના લોકો દ્વારા મૂળ નાગરિકોનું શોષણ કરાય છે તેવા અશ્વેત સમુદાયમાં કેટલાક લોકો દ્વારા કરાતા આક્ષેપોને દૂર કરવા ઝવાલીથીએ આ ઉજવણીનું આયોજન કર્યું છે.