કોનાક્રીઃ આફ્રિકન દેશ ગિનીમાં ૫ સપ્ટેમ્બરે સૈન્યના વિદ્રોહી જૂથે સરકારને પદભ્રષ્ટ કરીને સત્તા કબજે કરવાનો પ્રયાસ કર્યો હતો. ગિનીની સેનાના બળવાખોર કર્નલે સરકારી ટેલિવિઝન પર જાહેરાત કરી હતી કે રાષ્ટ્રપતિભવન નજીક ગોળીબાર બાદ પ્રમુખ અલ્ફા કોન્ડેની સરકાર ભંગ કરી દેવાઈ છે. તે સાથે જ દેશની જમીની સરહદો પણ સીલ કરાઈ છે. જો કે ગિનીની સંરક્ષણ મંત્રાલયે બળવાખોર સેનાના હુમલાને નિષ્ફળ બનાવ્યાનો દાવો કર્યો હતો. ગિનીના પ્રમુખ કોન્ડા હાલ કયાં છે એ વિશે કોઇ સમાચાર નથી.
પમીએ સવારે કોનાક્રીમાં પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન નજીક થયેલા ભારે ગોળીબારમાં ફ્રાન્સના પૂર્વ સેનાપતિ મામાડી ડોંબોયોના નેતૃત્વ હેઠળ ગિનીના સૈન્યના એલિટ કમાન્ડો સામેલ હતા. ૮૩ વર્ષીય કોન્ડા સામે ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો થઇ હતી. બળવાખોર કમાન્ડોએ દાવો કર્યો હતો કે ભ્રષ્ટાચાર તથા ગરીબીને અંકુશમાં લેવામાં નિષ્ફળતા બદલ કોન્ડેની સરકારને પદભ્રષ્ટ કરવામાં આવી છે. કોન્ડેનો આ ત્રીજો કાર્યકાળ હતો.તેઓ ૨૦૧૦માં પ્રમુખપદે ચૂંટાયા હતા. આફ્રિકી દેશ ગિની વિપુલ ખનીજ સંપત્તિ ધરાવે છે.