કેપ ટાઉનઃ સાઉથ આફ્રિકાના સત્તાવાર પ્રવાસે આવેલા યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેની અને યજમાન પ્રમુખ સીરિલ રામફોસાએ આફ્રિકાના દેશો વચ્ચે મજબૂત વેપારી સંબંધોની હાકલ કરી હતી. તેમણે આફ્રિકા ખંડની બહાર ઉત્પાદનો અને સેવાઓની ખરીદીમાં ચૂકવવી પડતી ઊંચી કિંમતો બાબતે અફસોસ વ્યક્ત કર્યો હતો. યુગાન્ડા અને આફ્રિકાના સૌથી વિકસિત દેશ સાઉથ આફ્રિકા વચ્ચે બહેતર આર્થિક સંબંધોને ઉત્તેજન આપવા મુસેવેની આ પ્રવાસે આવ્યા છે.
યુગાન્ડા અને સાઉથ આફ્રિકા વચ્ચે ટુરિઝમ, ટ્રાન્સપોર્ટ અને એગ્રિકલ્ચર સહિત વિવિધ વેપારી અને દ્વિપક્ષી કરારો પર સહીઓ થઈ હતી. યુગાન્ડાના હાઈ ગ્રેડ લોખંડને સ્ટીલમાં ફેરવવા સાઉથ આફ્રિકા પાસેથી કોલસો મેળવવો મુસેવેનીની પ્રાથમિકતા હતી.
પ્રમુખ મુસેવેનીએ કહ્યું હતું કે ‘ચીન, ભારત અને યુક્રેન પાસેથી સ્ટીલના ઉત્પાદનો ખરીદવા ઘણા ખર્ચાળ પડે છે અને પરિવહન ખર્ચ જ ઉત્પાદનની કિંમત કરતાં વધી જાય છે. આથી, યુગાન્ડા અને આસપાસના પ્રદેશોમાં જ સ્ટીલ ઈન્ડસ્ટ્રીને વિકસાવવી મહત્ત્વપૂર્ણ છે. અમારે સાઉથ આફ્રિકા પાસેથી કોલસો જોઈએ છે.’ તેમણે કહ્યું હતું કે આંતરખંડીય વેપાસને સફળ બનાવવા ખંડમાં શાંતિ જળવાઈ રહે તે જરૂરી છે. જો વિસ્તારોમાં શાંતિ રહે તો જ ફ્રી ટ્રેડ એરિયા થઈ શકે પરંતુ, હાલ તો સમગ્ર ખંડમાં અરાજકતા વ્યાપી છે. સાઉથ આફ્રિકા યુગાન્ડાને ઈસ્ટ આફ્રિકામાં મહત્ત્વના ભાગીદાર તરીકે નિહાળે છે તેમ જણાવી સાઉથ આફ્રિકાના પ્રમુખ સીરિલ રામફોસાએ પ્રાદેશિક આર્થિક અને રાજકીય એકીકરણ તેમજ પ્રાદેશિક શાંતિ અને સ્થિરતામાં તેના યોગદાનને બિરદાવ્યું હતું.
યુગાન્ડા સાઉથ આફ્રિકાનું 15મું સૌથી મોટું અને ઈસ્ટ આફ્રિકામાં સૌથી મોટા બીજા ક્રમનું વેપારી ભાગીદાર છે. બંને દેશ વચ્ચેનો વેપાર 2017-2021ના ગાળામાં 162 મિલિયન ડોલરની ઉચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. સાઉથ આફ્રિકાની 2018માં યુગાન્ડા ખાતેની નિકાસ 169 મિલિયન ડોલર હતી જ્યારે યુગાન્ડાથી તેની આયાત 2017માં 6.8 મિલિયન ડોલર હતી જે 2020માં વધીને 17.5 મિલિયન ડોલર થઈ હતી.