ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે યોજાયેલા આફ્રિકા ડે સંમેલનનું ઉદઘાટન કરતાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે આફ્રિકા સાથેના વધુ સુદૃઢ થતા સંબંધોને અનુલક્ષીને ભારતે આગામી વર્ષોમાં આફ્રિકાના દેશોમાં વધુ ૧૮ નવા દૂતાવાસો ખોલવાનો નિર્ણય કર્યો છે. આ સાથે ૪૭ નવી એલચી કચેરીઓ પણ શરૂ કરાશે.
તેમણે ઉમેર્યું કે, અલ્પવિકસિત રાષ્ટ્રો માટે ભારતે જાહેર કરેલી ડ્યુટી ફ્રી ટેરિફ પ્રેફરન્સ નીતિનો હાલમાં આફ્રિકાના ૩૮ દેશો લાભ લઈ રહ્યા છે. ભારતની લાઇન્સ ઓફ ક્રેડિટના પરિણામે ૪૨ આફ્રિકન દેશોમાં ૧૧.૪ બિલિયન ડોલરના મૂડીરોકાણ ધરાવતા ૧૮૯ પ્રોજેક્ટ કાર્યરત થયા છે.
મૂડીરોકાણની આકર્ષક તક
વાઈબ્રન્ટ ગુજરાતના ઉપક્રમે રાજ્યના મહેમાન બનેલા યુગાન્ડાના વિદેશ મંત્રાલયના પ્રધાન ઓકેલોએ શાયોના ગ્રૂપની કોર્પોરેટ ઓફિસ ખાતે વેપારીઓ અને ઉદ્યોગસાહસિકોને સંબોધન કરતા કહ્યું હતું કે યુગાન્ડામાં મૂડીરોકાણ કરવા ઉપરાંત વેપાર-ધંધો વિકસાવવાની શ્રેષ્ઠ તક છે. વિશ્વના અનેક દેશો ખાસ કરીને ચીન, બ્રિટન અને યુરોપ યુગાન્ડા અને ઇસ્ટ આફ્રિકામાં મૂડીરોકાણ વધારી રહ્યાં છે ત્યારે ગુજરાતી વેપારીઓએ આ અણમોલ તક ઝડપી લેવાની જરૂર છે. ઓકેલોએ કહ્યું હતું કે યુગાન્ડામાં કપાસ, કોકો, કોફી, કઠોળ, વિભિન્ન પ્રકારની દાળનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. યુગાન્ડા પાસે લાખો હેક્ટર જમીન ખેતી માટે ઉપલબ્ધ છે ત્યારે કૃષિ ઉપરાંત, ખેતીપેદાશોમાં વેલ્યુ એડિશન થાય એવી ટેક્નોલોજીની યુગાન્ડાને તાતી જરૂરિયાત છે.
સંબંધો મજબૂત કરવા સમજૂતી કરાર
વાઇબ્રન્ટ સમિટમાં વિવિધ સેકટરમાં સમજૂતી કરાર થયા હતા, જેમાં આફ્રિકન દેશોના એકમો સાથે પણ વિવિધ હેતુ માટે સમજૂતી કરાઇ હતી.
• રિપબ્લીક ઓફ કોંગોમાં એમોનિયા-યુરિયા પ્રોજેક્ટની સ્થાપનાની શકયતા ચકાસવા જીએસએફસી, ભારતનો વિદેશ વિભાગ અને કોંગો સરકાર વચ્ચે સમજૂતી કરાર.
• એવિએશન સેકટરના ત્રણ સમજૂતી કરારોમાં ગુજરાતના સિવિલ એવિએશન વિભાગ દ્વારા ઇથોપિયન એરલાઇન્સની ફ્લાઇટ સર્વિસને અમદાવાદ સુધી લંબાવવાની સમજૂતીનો સમાવેશ થાય છે.
• રાજય સરકારના કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ વિભાગ અને કોંગોના માઇનીંગ મિનરલ રિસોર્સિસ દ્વારા દહેજમાં કેમિકલ મેન્યુફેક્ચરિંગ યુનિટની સ્થાપના.
• હોપ્સ હેલ્થકેર દ્વારા મોરોક્કોની યુનિવર્સિટી હોસ્પિટલ સાથે મોરોક્કોમાં ૨૫૦ ટેલીમેડીસીન સેન્ટરની સ્થાપના. મોરોક્કોની તમામ હોસ્પિટલોમાં ડિજિટલ હેલ્થ નેટવર્ક અને ઇલેક્ટ્રોનિક મેડીકલ સિસ્ટમ તથા મેડીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સેટીંગ માટે સમજૂતી.
• એશિયા-આફ્રિકા ચેમ્બર ઓફ કોમર્સના અબુજા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને કેન્યા નેશનલ ચેમ્બર સાથે ઔદ્યોગિક સંબંધો મજબૂત બનાવવા સમજૂતી કરાર.
• એશિયા પેસિફિક ચેમ્બર ઓફ કોમર્સના સીયેરા લીયોન ચેમ્બર ઓફ કોમર્સ સાથે ઔદ્યોગિક સંબંધો મજબૂત બનાવવા કરાર.