લંડન
દક્ષિણ આફ્રિકામાં સત્તાધારી આફ્રિકન નેશનલ કોંગ્રેસના પ્રમુખપદની રેસમાં દેશના પ્રમુખ સિરિલ રામાફોસા સૌથી આગળ રહ્યાં છે. હાલ આફ્રિકન નેશનલ કોંગ્રેસના આગામી પાંચ વર્ષ માટે નવા પ્રમુખની ચૂંટણી ચાલી રહી છે. તાજેતરમાં પાર્ટીના ટોચના 6 હોદ્દાઓ માટે જાહેર કરાયેલા ઉમેદવારોના પરિણામમાં રામાફોસાને પ્રમુખપદના હોદ્દા માટે તેમના નજીકના હરીફ કરતાં બમણા મત મળ્યાં છે.
પાર્ટીના પ્રમુખપદની બીજી મુદત માટે ઝઁપલાવી રહેલા રામાફોસાને ઝ્વેલી મ્ખિઝે દ્વારા પડકાર અપાયો છે. પૂર્વ આરોગ્ય મંત્રી એવા ઝ્વેલીને કોરોના મહામારી દરમિયાન ભ્રષ્ટાચાર આચરવાના આરોપસર રાજીનામુ આપવાની ફરજ પડી હતી. રામાફોસાને 2037 જ્યારે ઝ્વેલીને 916 મત પ્રાપ્ત થયા હતા.
ઉમેદવારો નક્કી થઇ જતાં હવે ડિસેમ્બરમાં યોજાનારા પાર્ટીના પંચાવનમા રાષ્ટ્રીય અધિવેશનમાં પાર્ટીના ટોચના 6 હોદ્દાઓ માટે મતદાન યોજાશે.