નવી દિલ્હીઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ G20 સમિટના પ્રથમ સત્રમાં જ આફ્રિકાના 55 દેશના જૂથ આફ્રિકન યુનિયન (AU)ને વિશ્વના સૌથી ધનિક અને શક્તિશાળી દેશોના જૂથ G20ના કાયમી સભ્ય બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેને ગ્રૂપના તમામ સભ્યોએ બહાલી આપી હતી. G20ના વર્તમાન અધ્યક્ષ તરીકે વડા પ્રધાન મોદીએ આફ્રિકન યુનિયનના ચેરપર્સન અને કોમોરોસ ટાપુસમૂહના પ્રેસિડેન્ટ અઝાલી અસોમાનીને ટેબલ પર સ્થાન ગ્રહણ કરવા આમંત્રણ આપ્યું હતું. અઝાલી અસોમાની વડા પ્રધાન મોદીને ભેટી પડ્યા હતા.
ભારતના વિદેશમંત્રી સુબ્રમણ્યમ જયશંકર AUના વડા અઝાલી અસોમાનીને તેમના સ્થાને દોરી ગયા હતા. આ ઘટનાને સહુ સભ્યોએ વધાવી લીધી હતી.આફ્રિકન યુનિયનને G20ના કાયમી સભ્ય તરીકે સામેલ કરવાના ભારતના પ્રસ્તાવને યુરોપિયન યુનિયન અને ચીન દ્વારા પણ સમર્થન અપાયું હતું. ભારતના અધ્યક્ષપદે G20 સંગઠનમાં આફ્રિકન યુનિયનના સામેલ થવાની ઘટના સમિટ માટે સીમાચિહ્નરૂપ બની રહી છે. વર્ષ 1999 પછી પ્રભાવશાળી સંગઠનનું આ પ્રથમ વિસ્તરણ છે.
મોદી અને AUના અધ્યક્ષ અઝાલી વચ્ચે બેઠક
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કોમોરોસ સંઘના પ્રમુખ અને આફ્રિકન યુનિયનના અધ્યક્ષ અઝાલી અસોમાની સાથે બેઠક યોજી હતી જેમાં, વેપાર સહિત અન્ય ક્ષેત્રમાં પરસ્પર સહયોગ વધારવાને મુદ્દે ચર્ચા થઇ હતી. આ બેઠક પછી વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘કોમોરોસ ટાપુસમૂહના પ્રેસિડેન્ટ અને આફ્રિકન યુનિયનના અધ્યક્ષ અજાલી અસૌમાની સાથેની બેઠક સાર્થક રહી. આફ્રિકન યુનિયન G20માં સામેલ થયું તે બદલ તેમને ફરી અભિનંદન આપ્યા. કોમોરોસ ભારતના સાગર વિઝન માટે મહત્ત્વનું છે .અમારા વિચારવિમર્શમાં શિપિંગ, વેપાર સહિતના મહત્ત્વના ક્ષેત્રે સહયોગ વધારવાના ઉપાયો પર ચર્ચા થઇ.’
વડાપ્રધાન મોદીએ રવિવારે જણાવ્યું હતું કે આફ્રિકન યુનિયનG20 સંગઠનમાં સામેલ થયું તે ઘટના વધુ સમાવેશી વૈશ્વિક સંવાદની દિશામાં એક મહત્ત્વનું પગલું છે. તેમણે સમગ્ર વિશ્વના હિતોને ધ્યાનમાં લઇને સામૂહિક પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આફ્રિકન યુનિયનG20 માં સામેલ કરવાને મુદ્દે કેન્યાના પ્રમુખ વિલિયમ સામોઇ રુટોની પોસ્ટનો જવાબ આપતાં વડા પ્રધાન મોદીએ એક્સ પરની પોસ્ટમાં લખ્યું હતું કે, ‘અમે સામૂહિક પ્રયાસો માટે આશાવાન છીએ. આ બાબત અમારા દેશના હિતમાં જ નહિ પરંતુ, સમગ્ર વિશ્વના હિતમાં રહેશે’
આફ્રિકન યુનિયન ગ્લોબલ સાઉથનું અગ્રણી ગ્રુપ
ગ્લોબલ સાઉથના અગ્રણી ગ્રુપ આફ્રિકન યુનિયનને G20નું કાયમી સભ્યપદ મળવાથી આફ્રિકાના 55 દેશને ફાયદો થશે. ગ્લોબલ સાઉથ શબ્દનો ઉપયોગ આફ્રિકી, લેટિન અમેરિકા અને વિકાસશીલ દેશો માટે થાય છે. છેક 1999 માં સ્થપાયેલા ગ્રૂપ G20માં 19 દેશ અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે જેમાં અત્યાર સુધી કાયમી નિમંત્રિત આફ્રિકન યુનિયન હવે 21મું કાયમી સભ્ય બન્યું છે. અત્યાર સુધી આફ્રિકા ખંડમાંથી માત્ર સાઉથ આફ્રિકાનો જ આ ગ્રૂપમાં સમાવેશ થયો હતો. કુલ 55 દેશની આશરે 1.4 બિલિયનની વસ્તી અને કુલ ત્રણ ટ્રિલિયન ડોલરના GDP સાથે વિશ્વના અર્થતંત્રમાં આશરે 10 ટકાનો હિસ્સો ધરાવતા તેમજ ઈથિયોપિયાની રાજધાની એડિસ અબાબામાં વડુ મથક ધરાવતા આફ્રિકન યુનિયનનું સત્તાવાર લોન્ચિંગ 2002માં કરાયું હતું.