કમ્પાલાઃ તાજેતરમાં ૭ જુલાઈએ આફ્રિકન ઈન્ટિગ્રેશન ડેએ યુગાન્ડાના પ્રમુખ મુસેવેનીએ તેમના ભાષણમાં આફ્રિકા ખંડને સંગઠિત કરવા માટે સ્વાહિલીના ઉાપયોગ માટે આફ્રિકનોને અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે સ્વાહિલી તટસ્થ ભાષા છે. તે બિન વંશીય છે અને કોઈ એકની પણ નથી.
આફ્રિકા ખંડના વિકાસના મહત્ત્વ પર વારંવાર ભાર મૂકતા યુગાન્ડાના શાસકે એમ પણ જણાવ્યું કે ૧.૪ બિલિયન આફ્રિકનોએ સમૃદ્ધ થવા માટે બજારોને એકસૂત્ર કરવા પર ભાર મૂકવો જોઈએ. આપણે આફ્રિકા તરીકે જે વસ્તુઓનું ઉત્પાદન કરીએ છીએ તેનો ઉપયોગ આ બજારો કરશે.
તેમણે ઉમેર્યું કે આપણા પૂર્વજો નબળા ન હતા પરંતુ, સંગઠિત ન હતા તેથી તેમને ગુલામી વેઠવી પડી. આપણે સાથે મળીને કામ કરીએ તો આપણી ક્ષમતા વધે અને તેથી જ આફ્રિકા માટે વ્યૂહાત્મક સલામતી ઉભી કરવાની જરૂર છે.
મુસેવેનીએ કહ્યું કે આફ્રિકનો લગભગ સમાન અથવા એકબીજા સાથે સંકળાયેલા છે તો આપણે સંગઠિત ન થવા માટે કોઈ કારણ નથી. યુરોપિયનો કરતાં આફ્રિકનોને સંગઠિત થવાનું સહેલું છે. પરંતુ, આશ્ચર્યની બાબત છે કે આપણે તે દિશામાં આગળ વધતા નથી.