એક્કારાઃ ઘાનાની રાજધાનીમાં ચાર દિવસની શિખર પરિષદના પગલે આફ્રિકન યુનિયન અને કેરેબિયન દેશોએ યુરોપિયન દેશો પાસેથી ગુલામીના સામૂહિક અપરાધો બદલ વળતર હાંસલ કરવા વૈશ્વિક આંદોલન ચલાવવા સંમતિ સાધી છે. 55 દેશોના આફ્રિકન યુનિયન અને 20 દેશોના કેરીકોમ (કેરેબિયન કોમ્યુનિટી) વચ્ચેની આ ભાગીદારી ગુલામી ફેલાવનારા પૂર્વ દેશો પર વળતર ચૂકવવાનું દબાણ લાવશે.
આ દેશોએ અભિયાનને આગળ વધારવા આફ્રિકામાં ભંડોળ સ્થાપવાની પણ જાહેરાત કરી હતી. કયા પ્રકારનું વળતર મંગાશે તેની સ્પષ્ટતા કરાઈ નથી પરંતુ, આફ્રિકન યુનિયન કાનૂની વિકલ્પો શોધશે અને આફ્રિકનોને ગુલામ બનાવવામાં માનવાધિકારના ગંભીર ઉલ્લંઘનો થયા છે કે કેમ તે સ્થાપિત કરવા યુએન સાથે મળીને કામગીરી હાથ ધરશે. બ્રિટિશ ફોરેન ઓફિસે જણાવ્યું હતું કે ધોરણસરના રાજદ્વારી કામગીરીના ભાગરુપે તેના અધિકારી કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા પરંતુ, યુકે સરકારનો વળતરના ખયાલનો વિરોધ યથાવત છે.
તાજેતરમાં કેન્યાની મુલાકાત દરમિયાન કિંગ ચાર્લ્સ તૃતીયે કેન્યાના સ્વાતંત્ર્ય આંદોલનમાં કેન્યનો સામે હિંસાના કાર્યોને ગેરવાજબી અને ઘૃણાસ્પદ ગણાવ્યા હતા પરંતુ, સત્તાવાર માફી માગવાનું નકાર્યું હતું. જર્મનીએ નામિબિયા અને ટાન્ઝાનિયામાં કબજો જમાવ્યો હતો તે ગાળામાં સંસ્થાનવાદી નરસંહારો માટે શરમ વ્યક્ત કરી 940 મિલિયન ડોલરથી વધુ નાણાકીય સહાયની જાહેરાત કરેલી છે. ડચ સરકારે પણ ગુલામીના વેપાર મુદ્દે ગયા વર્ષે સત્તાવાર માફી માગી હતી. ગ્લાસગો યુનિવર્સિટીએ ગુલામીના વેપાર સાથે તેની ઐતિહાસિક સંકળામણના પશ્ચાતાપ તરીકે 20 મિલિયન પાઉન્ડ ચૂકવવા ખાતરી આપી છે જ્યારે ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ દ્વારા ગુલામોના પરિવહનમાં તેની સંડોવણી બહાર આવ્યા પછી 100 મિલિયન પાઉન્ડ ચૂકવવા બાંયધરી આપી છે. યુનિવર્સિટી ઓફ વેસ્ટ ઈન્ડિઝના તાજેતરના બ્રેટલ રિપોર્ટ અનુસાર યુકે દ્વારા સેંકડો વર્ષના શોષણ બદલ કેરેબિયન ટાપુઓને 18.8 ટ્રિલિયન પાઉન્ડનું વળતર અપાવું જોઈએ.