આફ્રિકા ખંડના બે ભાગ થશે અને વચ્ચે મહાસાગર ઘૂઘવશે

5થી 10 મિલિયન વર્ષમાં ઈસ્ટ આફ્રિકન રિફ્ટ સિસ્ટમની ફાટના કારણે ઈસ્ટ આફ્રિકા ટાપુસમૂહમાં ફેરવાશે

Monday 13th March 2023 10:37 EDT
 
 

નાઈરોબીઃ ભૂસ્તરવિજ્ઞાનીઓના માનવા અનુસાર આફ્રિકા ખંડ ધીરે ધીરે બે હિસ્સામાં વહેંચાઈ રહ્યો છે. જીઓલોજી એટલે કે ભૂસ્તરશાસ્ત્રની વાત થતી હોય ત્યારે ધીરે ધીરેનો અર્થ લાખો વર્ષની લાંબી પ્રક્રિયાનો થાય છે પરંતુ, આશરે 5થી 10 મિલિયન વર્ષોની મધ્યે ઈસ્ટ આફ્રિકાનો હિસ્સો બાકીના આફ્રિકા ખંડથી અલગ પડી જશે અને આફ્રિકા ભૂમિખંડના બે હિસ્સાની વચ્ચે નવો મહાસાગર ઘૂઘવતો થઈ જશે.

IFLScience મેગેઝિનનાં રિપોર્ટ મુજબ આ વિશાળ વિભાજન વિશ્વમાં સૌથી મોટી ફાટ કે ચીરામાં એક ઈસ્ટ આફ્રિકન રિફ્ટ સિસ્ટમ (EARS) તરીકે ઓળખાતી ફાટના કારણે થશે જે આફ્રિકાના અનેક દેશોના પેટાળમાંથી પસાર થતી હજારો કિલોમીટર શુધી ફેલાયેલી છે. આ દેશોમાં ઈથિયોપિયા, કેન્યા, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોન્ગો, યુગાન્ડા, રવાન્ડા, બુરુન્ડી, ઝામ્બિયા, ટાન્ઝાનિયા, માલાવી અને મોઝામ્બિકનો સમાવેશ થાય છે. આ ફાટ કે રિફ્ટ સિસ્ટમનો અર્થ એ છે કે આફ્રિકન પ્લેટ બે પ્લેટમાં -નાની સોમાલિયન પ્લેટ અને મોટી નુબિઆન પ્લેટમાં વહેંચાઈ રહી છે. 2004ના અભ્યાસ અનુસાર આ બંને પ્લેટ ગોકળગાયની અતિ ધીમી ચાલ- દર વર્ષે થોડાંક મિલિમિટર્સના ધોરણે એકબીજાથી દૂર ફંટાઈ રહી છે.

જોકે, એપ્રિલ 2018માં કેન્યામાં દેખાયલી વિશાળ ફાટના સમાચાર પવનવેગે ફેલાઈ ગયા હતા જેને આપણી હયાતીમાં જ આફ્રિકા ખંડના બે ટુકડા થઈ જશે તેવા પુરાવા તરીકે ગણવામાં આવ્યા હતા. કેટલાક સ્થળોએ આ તિરાડ 50 ફૂટ ઊંડી અને 65 ફૂટ પહોળી હતી. આ સમાચાર અને દૃશ્ય EARSને સંબંધિત હોવાં છતાં, થોડાં વર્ષોમાં આફ્રિકા ખંડના બે ટુકડા થઈ જવાના પુરાવા તરીકે તેને ખોટી રીતે રજૂ કરાયા હતા. ત્યારે IFLScience દ્વારા જણાવાયું હતું કે 3700 માઈલ લાંબી કેન્યન રિફ્ટ વેલીની નિયમિત રિફ્ટિંગ એક્ટિવિટીનું આ સ્થાનીય પ્રદર્શન છે. EARS પ્રક્રિયા આશરે 25 મિલિયન વર્ષથી સતત ચાલી રહી છે અને કેન્યન રિફ્ટ વેલીમાં પડેલી વિશાળ ફાટ આફ્રિકા ખંડમાં શું થઈ રહ્યું છે તેની ઝાંખી કે ઝલક માત્ર હતી.

આમ છતાં, આગામી પાંચથી 10 મિલિયન વર્ષો દરમિયાન EARSમાં ભારે ફેરફારોના પરિણામે વિશ્વમાં તોફાની બદલાવ જોવા મળી શકે છે. આ સમયગાળામાં આપણી હાજરી તો નહિ જ હોય છતાં, સોમાલિયન પ્લેટ અને નુબિઆન પ્લેટની વચ્ચે નવો મહાસાગર સર્જાશે. આફ્ક્રાના વિશાળ ખંડમાંથી તેનો પૂર્વીય હિસ્સો કપાઈ જશે અને વિશાળ મહાસાગર મોટા ભાગના ઈસ્ટ આફ્રિકાને ગળી જશે અને નાના ટીપુઓનો સમૂહ સર્જાશે. જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળની આ હકીકતો આ કદાચ વિચિત્ર લાગશે પરંતુ, એ યાદ રાખવું જરૂરી છે કે પૃથ્વીની સપાટીનું પરિવર્તન સતત થતું રહે છે પરંતુ, તેની ગતિ એટલી ધીમી હોય છે કે માનવોની નરી આંખે નજરે પડતું નથી. આપણે જે પૃથ્વીને જાણીએ છીએ તે પણ પ્રમાણમાં નવીન છે. યુરેશિયા, અમેરિકાઝ, આફ્રિકા, એન્ટાર્ટિકા અને ઓશનિયા ખંડો અને સમુદ્રો- મહાસાગરો લાખો વર્ષોના કાલખંડમાં કોયડાની માફક એકબીજા સાથે અથડાતી અને સરકી રહેલી વિશાળ ટેક્નોનિક પ્લેટ્સની હિલચાલનું જ પરિણામ છે. આજે અને ભૂતકાળમાં જોવાં મળેલાં વિનાશક ધરતીકંપો પણ આવી જ હિલચાલનું પરિણામ છે.

પૃથ્વીના અન્ય એક વિભાજનની વાત કરીએ તો આશરે 138 મિલિયન વર્ષ અગાઉ સાઉથ અમેરિકા અને આફ્રિકા અલગ પડ્યા હતા. જો તમે આફ્રિકાના પશ્ચિમ કિનારા અને સાઉથ અમેરિકાના પૂર્વ કિનારાને ધ્યાનથી નિહાળશો તો જિગ્સો કોયડાના બે હિસ્સાની માફક એકબીજા સાથે ફીટ થઈ જતા દેખાશે અને એક સમયે આ બે વિશાળ ખંડ એક ખંડ તરીકે જોડાયેલા હતા તે સમજી શકાશે.

આફ્રિકા ખંડના એક હિસ્સારૂપ ઈસ્ટ આફ્રિકાની વિદાય અને નવા બે ખંડો અને મહાસાગરનું નવસર્જન તો પૃથ્વીની ભૂસ્તરશાસ્ત્રીય મહાકથાનું એક પ્રકરણ માત્ર હશે. કોણ જાણે છે કે આ પરિવર્તનો નિહાળવા માનવજાતનું અસ્તિત્વ હશે કે નહિ. હાલ જે પ્રમાણે ક્લાઈમેટ ચેન્જીસના પડકારો ઉભા થઈ રહ્યા છે તેને લક્ષમાં રાખતા ખાસ આશા જણાતી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter