નવી દિલ્હી: દિલ્હીમાં ગયા અઠવાડિયે એક કોંગો નાગરિકની હત્યાના મુદ્દાએ આંતરરાષ્ટ્રીય સ્વરૂપ લીધું છે. સામાન્ય મુદ્દે થયેલી હત્યા બાદ આફ્રિકી દેશોના રાજદૂતોએ આ ઘટના સામે સખત વિરોધ કર્યો છે. આફ્રિકાના દેશોએ માગ કરી છે કે આવા જાતિવાદ અને આફ્રો ફોબિયા સામે ભારત દ્વારા કડક પગલાં લેવામાં આવે. હત્યાના વિરોધરૂપે તમામ આફ્રિકી દેશોના રાજદૂતોએ જણાવ્યું કે, તેઓ ૨૬મીએ ભારતમાં ઊજવવામાં આવનારા આફ્રિકા દિવસની ઉજવણીમાં ભાગ લેવા આવશે નહીં. આ દરમિયાન ભારતીય વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ દ્વારા તમામ દેશોને સુરક્ષાની ખાતરી અપાઈ છે. આફ્રિકી દેશોના રાજદૂતોએ જણાવ્યું હતું કે, તેઓ આફ્રિકા દિવસની ઉજવણીમાં ભાગ લેશે નહીં. ભારતે પહેલાં આફ્રિકી નાગરિકોની સુરક્ષા અંગે ખાતરી આપવી પડશે.
સરકારે રાજ્ય સરકારોને એલર્ટ કરી
સુષમા સ્વરાજે આફ્રિકી રાજદૂતોની આવી પ્રતિક્રિયા બાદ તરત જણાવ્યું હતું કે, આફ્રિકન નાગરિકની હત્યામાં સંડવાયેલા લોકોને શોધવા અને તેમની સામે સખત પગલાં લેવા સંબંધિત અધિકારીઓને આદેશ આપી દેવાયા છે. દિલ્હીમાં આવી ઘટના બને તે દુર્ભાગ્યપૂર્ણ છે. હું તમામ આફ્રિકન વિદ્યાર્થીઓ અને નાગરિકોને વિશ્વાસ અપાવું છું કે આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓનો અંત આવશે. વિદેશ બાબતોના રાજ્યકક્ષાના પ્રધાન વી. કે. સિંહને આફ્રિકન મિશન્સ અને રાજદૂતો સાથે ચર્ચા કરીને તેમને સુરક્ષા મુદ્દે વિશ્વાસ અપાવવા આદેશ અપાયા છે. તેઓ મેટ્રોમાં ફરીથી આફ્રિકન નાગરિકોને સુરક્ષા મુદ્દે સમજાવશે અને તેમની સુરક્ષા થશે તેની ખાતરી આપશે. રાજ્ય સરકારોને આ મુદ્દે સતર્ક રહેવા જણાવવામાં આવશે.
૪૨ દેશોના પ્રતિનિધિઓનો નિર્ણય
આફ્રિકન ગ્રૂપ હેડ ઓફ મિશન્સના વડા અને રાજદૂત અલેમ ત્સેહાએ વાલ્ડેમરિયમે જણાવ્યું કે, આફ્રિકી દેશના નાગરિક પર થયેલા હુમલા અંગે ૪૨ આફ્રિકી દેશોના પ્રતિનિધિઓ અને રાજદૂતો દ્વારા બેઠક યોજવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, અમારા જૂથ દ્વારા અને તમામ પ્રતિનિધિઓ દ્વારા આફ્રિકા દિવસમાં ભાગ નહીં લેવાનો નિર્ણય કરાયો છે. હત્યાને કારણે તમામ દેશો શોકમાં છે.