• Time 100 યાદીમાં આફ્રિકાના ટોની એલુમેલુને સ્થાન
ટાઈમ મેગેઝિને વર્ષ વિશ્વની ૧૦૦ પ્રભાવશાળી વ્યક્તિઓની ૨૦૨૦ની Time 100 યાદીમાં આફ્રિકાના અગ્રણી ઈન્વેસ્ટર અને દાતા ટોની ઓ એલુમેલુને સ્થાન આપ્યું છે. આ યાદીમાં સ્થાન માટે વ્યક્તિઓની સક્રિયતા, ઈનોવેશન અને સિદ્ધિઓને ધ્યાને લેવાઈ હતી. સાતમા વર્ષની આ યાદીમાં સામેલ માત્ર ચાર આફ્રિકનોમાં એલુમેલુ એક છે. તેમની બિઝનેસ સિદ્ધિઓ તથા યુવા આફ્રિકનોના કરેલા આર્થિક સશક્તિકરણ બદલ આ સ્થાન અપાયું છે. તેઓ આફ્રિકા તથા યુકે અને ફ્રાન્સ ઉપરાંત અન્ય ૧૯ દેશમાં છેલ્લાં ૧૨ વર્ષથી કાર્યરત પાન-આફ્રિકન ફાઈનાન્સિયલ સર્વિસીસ ગ્રૂપની યુનાઈટેડ બેંક ફોર આફ્રિકાના ચેરમેન છે. એલુમેલુએ ૨૦૧૦માં ટોની એલુમેલુ ફાઉન્ડેશન (TEF)ની રચના કરી હતી. TEF આંત્રપ્રિન્યોરશિપ પ્રોગ્રામ દ્વારા યુગાન્ડાના ૬૦૦થી વધુ ઉદ્યોગ સાહસિકોને લાભ થયો હતો.
• યુગાન્ડામાં Shs ૮૦ ટ્રિલિયનના મોબાઈલ મની ટ્રાન્ઝેક્શનઃ
ગઈ ૩૦ જૂને પૂરા થયેલા વર્ષમાં યુગાન્ડામાં મોબાઈલ મની ટ્રાન્ઝેક્શન ૧૯.૩ ટકા વધીને Shs ૭૯.૮ ટ્રિલિયનના થયાં હતા. બેંક ઓફ યુગાન્ડા, એટિન્ગીના ડેપ્યૂટી ગવર્નર માઈકલ એટિન્ગી એગોએ ૨૨ સપ્ટેમ્બરે કમ્પાલામાં જણાવ્યું હતું કે ગયા વર્ષે કુલ ટ્રાન્ઝેક્શનમાંથી Shs ૪૦.૭ ટ્રિલિયનના ટ્રાન્ઝેક્શન કોરોના મહામારીમાં જાન્યુઆરીથી જૂન દરમિયાન થયા હતા. જૂન ૨૦૧૯માં એસ્ક્રો એકાઉન્ટ બેલેન્સ Shs ૬૩૨.૭ બિલિયન હતું જે જૂન ૨૦૨૦માં ૫૧.૮ ટકા વધીને Shs ૯૬૦.૨ બિલિયન થયું હતું. ક્રેડિટ કાર્ડ પેમેન્ટના મૂલ્યમાં ૧૯.૭ ટકા અને નંબર અને પોઈન્ટ સેલ ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા અને તેના મૂલ્યમાં અનુક્રમે ૨૭.૫ ટકા અને ૧૪.૫ ટકા તેમજ મોબાઈલ અને ઈન્ટરનેટ બેંકિંગ ટ્રાન્ઝેક્શનના મૂલ્યમાં અનુક્રમે ૧૫૭.૩ ટકા અને ૫૨.૯ ટકા વધારો થયો હતો.
• નાઈજીરીયામાં ૧૩ વર્ષીય કિશોરને ધર્મનિંદા બદલ જેલથી રોષઃ
ઉત્તર નાઈજીરીયામાં ધર્મનિંદા કરવા બદલ ૧૩ વર્ષીય ઉમર ફારુકને કરાયેલી દસ વર્ષની જેલની સજાને બાળ અધિકાર એજન્સી UNICEFએ કડક શબ્દોમાં વખોડી કાઢી હતી. ઓમરને મિત્ર સાથેની દલીલમાં અલ્લાહ માટે અયોગ્ય ભાષાનો ઉપયોગ કરવા બદલ કાનો રાજ્યની શરિયા કોર્ટે ગુનેગાર ઠેરવ્યો હતો. આ કોર્ટે તાજેતરમાં મોહમ્મદ પયગમ્બરની નિંદા કરવા બદલ સ્ટુડિયો આસિસ્ટન્ટ યાહ્યા શરીફ – અમીનુને મૃત્યુ દંડની સજા ફરમાવી હતી. ફારુકના વકીલ કોલા અલાપિન્નીએ જણાવ્યું કે ફારુકને ફરમાવાયેલી સજા બાળ અધિકાર અને કલ્યાણના આફ્રિકન ચાર્ટર તથા નાઈજીરીયાના બંધારણના ભંગ સમાન છે. તેમણે ઉમેર્યું કે આ ચુકાદા સામે અપીલ કરાશે. ફારુક તરુણાવસ્થામાં પહોંચી ગયો હોવાથી તેને વયસ્ક ગણીને તેની સામે ટ્રાયલ ચલાવાઈ હતી.
• યુગાન્ડા સરકારનું પેન્શન બિલ Shs ૧૧ ટ્રિલિયનઃ
પેન્શનરોને ચૂકવવાની રકમમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી તેને પહોંચી વળવા અન્ય ઉપાયો હાથ નહિ ધરાય તો સરકાર હાલની પેન્શન સ્કીમ હેઠળ તમામ રિટાયર્ડ વ્યક્તિઓને પેન્શન ચૂકવી શકાશે નહિ તેવી ચિંતા મિનિસ્ટ્રી ઓફ પબ્લિક સર્વિસે વ્યક્ત કરી હતી. મિનિસ્ટ્રીમાં માનવ સંસાધનના ઈનચાર્જ કમિશનર વિક્ટર બુઆ લેકુએ જણાવ્યું કે ફંડિંગ વિનાની સ્કીમના વધતા જતા ખર્ચને પહોંચી વળવાનું અશક્ય છે. આજની તારીખે તમામ સરકારી કર્મચારીઓ છૂટા થાય તો તેમને પેન્શન અને ગ્રેજ્યુઈટી તરીકે Shs ૧૧.૬ ટ્રિલિયન ચૂકવવા પડે. નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં પેન્શનની જવાબદારી Shs ૩.૯ ટ્રિલિયન હતી તે ૨૦૧૯-૨૦માં પબ્લિક સર્વન્ટ્સના પગારમાં વધારાને લીધે વધીને Shs ૧૦.૨ ટ્રિલિયન થઈ હતી. તાજેતરમાં પગાર ઉપરાંત Shs ૧૧.૬ ટ્રિલિયન થઈ છે.
• કેન્યાટા હોદ્દો છોડશે ત્યારે અંદાજે Shs ૯.૨ ટ્રિલિયનનું દેવું મૂકી જશેઃ
કેન્યાના પ્રમુખ ઉહુરુ કેન્યાટા ૨૦૨૨માં હોદ્દો છોડે ત્યારે તે દેશના માથે Shs ૯.૨ ટ્રિલિયનનું દેવું મૂકી જશે તેવો પાર્લામેન્ટના બજેટ નિષ્ણાતોનો અંદાજ છે. આ રકમ કુલ વાર્ષિક બજેટ કરતાં ત્રણ ગણી છે. આગામી દસ મહિનામાં આ દેવું દરરોજ Shs ૨.૬ બિલિયન લેખે Shs ૭૫૦ બિલિયન વધી જશે. આગામી ત્રણ વર્ષમાં ધિરાણ લેવા માટે ખૂબ ઓછી જગ્યા રહેશે કારણ કે તેની કાયદેસરની મર્યાદા Shs ૯.૨ ટ્રિલિયન છે. આ બાબત ૨૦૨૨માં કેન્યાટાના અનુગામી માટે પહેલો પડકાર બનશે. પાર્લામેન્ટરી બજેટ ઓફિસના અહેવાલ મુજબ આવતા વર્ષે જૂન સુધી રાષ્ટ્રીય દેવું વધીને Shs ૭.૫ ટ્રિલિયન થશે જે આ જૂનમાં Shs ૬.૬. ટ્રિલિયન હતું.
• કોવિડ-૧૯ સામેના જંગમાં યુગાન્ડાની શ્રેષ્ઠ કામગીરીઃ
લેન્સેટ કોવિડ-૧૯ કમિશનની માહિતી મુજબ ઓગસ્ટમાં કોવિડ-૧૯ મહામારીને ડામવામાં આફ્રિકામાં યુગાન્ડા સૌથી શ્રેષ્ઠ દેશ રહ્યો હતો. વિશ્વમાં ૯૧ દેશની કામગીરીના વિશ્લેષણમાં યુગાન્ડા ૧૦મા અને આફ્રિકામાં પહેલા ક્રમે રહ્યો હતો. તે પછી ટોગો, રવાન્ડા, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને નાઈજીરીયા રહ્યા હતા. હેલ્થ મિનિસ્ટ્રીમાં ક્યુરેટિવ સર્વિસીસના ડિરેક્ટર ડો. ચાર્લ્સ ઓલારોએ કહ્યું હતું કે અમે માત્ર કોવિડ-૧૯ નહિ, સામાજિક પાસાને પણ ધ્યાને લીધું હતું. મહામારીની આ માહિતી ઓગસ્ટમાં સરેરાશ એક મિલિયન વસ્તી દીઠ દૈનિક નવા કેસની સંખ્યા, તે ગાળામાં સરેરાશ એક મિલિયન વસ્તી દીઠ દૈનિક મૃત્યુદર, નવા કેસની સરખામણીમાં થયેલા કોવિડ-૧૯ના ટેસ્ટની સંખ્યા જેવા માપદંડ પર આધારિત હતી.
• રંગભેદની પ્રોત્સાહક પ્રતિમાઓ દૂર કરવાને રામાફોસાનું સમર્થનઃ
દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સીરિલ રામાફોસાએ ભૂતકાળની રંગભેદને પ્રોત્સાહન આપતી પ્રતિમાઓ દૂર કરવાના અભિયાનને સમર્થન આપ્યું હતું. દેશના હેરિટેજ ડે નિમિત્તે વર્ચ્યુઅલ સંબોધનમાં તેમણે જણાવ્યું કે આપણા વિભાજનના ભૂતકાળને ઉજાગર કરતી પ્રતિમાઓને દૂર કરીને અન્યત્ર ખસેડવી જોઈએ. આફ્રિકાનો ઈતિહાસ પૂર્વગ્રહ અને બહિષ્કાર ધરાવે છે અને ૧૯૯૪માં લોકશાહીની સ્થાપના પછી દેશે તેની વિરાસતની છાપના રૂપાંતરણ માટે કાર્ય કર્યું છે. તેના ભાગરૂપે શહેરોનું નામકરણ તથા નવી પ્રતિમાઓ અને સ્મારકો સ્થપાય છે. આ અભિયાનને મોટાભાગે અશ્વેતો સમર્થન આપી રહ્યા છે જ્યારે શ્વેત લોકો તેનો વિરોધ કરે છે.
• કેન્યામાં કોવિડ-૧૯ના મૃતકોને દફનાવવાના નિયમો હળવા બનાવાયાઃ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ ગાઈડલાઈન્સમાં કરેલા ફેરફારને પગલે કેન્યાની હેલ્થ મિનિસ્ટ્રીએ કોવિડ-૧૯ના મૃતકને દફનાવવાના પ્રોટોકોલમાં છૂટછાટ આપી હતી. તે મુજબ મૃતદેહોને દફનાવવાનું કે અન્ય કામ કરતાં પબ્લિક હેલ્થના અધિકારીઓએ હવે લાંબા સફેદ હેઝમટ (હેઝાર્ડસ મટિરિયલ) સુટ્સ પહેરવાના રહેશે નહિ. પરિવારજનો તેમના રીતરિવાજ મુજબ મૃતકના અંતિમ સંસ્કાર કરી શકશે. તેનાથી મહિનાઓથી મૃતકના પરિવારજનોને થતી વેદના અને ક્ષોભનો અંત આવશે. હેલ્થ એડમિનિસ્ટ્રેટિવ સેક્રેટરી મર્સી મ્વાન્ગન્ગીએ જણાવ્યું હતું કે કોવિડ-૧૯ના મૃતકના શરીરથી સંક્રમણ થતું ન હોવાના નવા પૂરાવાને પગલે આ ફેરફાર કરાયો હતો. કોવિડ-૧૯ના દર્દીનો મૃતદેહ ચેપી હોય છે તેવું અગાઉ મનાતું હતું.