• કેન્યાનો ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફ્રેન્ચ કન્સોર્શિયમ
લોન મેળવવા કરારઃ કેન્યાના પ્રમુખ ઉહુહરુ કેન્યાટાએ ૧૯૦ કિ.મી.ના રિરોની - નકુરુ - મઉ સમિટ રોડના નવીનીકરણ માટે ફ્રેન્ચ કન્સોર્શિયમ સાથે U.S.$ ૧.૭ બિલિયનના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર થતાં દેશને નાઈરોબી બહાર પ્રથમ ટોલ હાઈવેની સુવિધા મળશે અને નોર્ધર્ન કોરિડોર માટે તે મહત્ત્વનું પૂરવાર થશે. તેનાથી મુસાફરો તથા માલસામાનના પરિવહનનો સમય ઘટશે અને બિઝનેસનો ખર્ચ પણ ઘટશે. તે નૈવાશા અને મલાબા બોર્ડર વચ્ચેની રેલસેવાને પણ મદદરૂપ થશે.
• ફીના નાણાં ન હોવાથી પેરન્ટસ બાળકોને સ્કૂલે નહિ મોકલે
યુગાન્ડામાં સ્કૂલો કેન્ડીડેટ ક્લાસીસ અને ફાઈનલ યરના વિદ્યાર્થીઓ માટે ફરી શરૂ થવાની તૈયારી ચાલી રહી છે ત્યારે દેશભરના પેરન્ટસે કોવિડ-૧૯ના સુરક્ષા પગલાં અમલી બનાવવાની સંસ્થાઓની તૈયારી વિશે ચિંતા વ્યક્ત કરી હતી. કેટલાંક પેરન્ટ્સે કોવિડ-૧૯ના નિયંત્રણોને લીધે કામકાજથી વંચિત રહ્યા હોવાનો દાવો કરીને જણાવ્યું કે તેમની પાસે ફીના નાણાં ન હોવાથી તેઓ ૧૫મી ઓક્ટોબરથી ફરી બાળકોને સ્કૂલોમાં મોકલી શકશે નહિ. સ્કૂલોએ કોવિડ-૧૯ના શંકાસ્પદ દર્દીઓ માટે આઈસોલેશન સેન્ટરની વ્યવસ્થા, હેલ્થ આસિસ્ટન્ટ તથા તાપમાન માપવા સ્ટાફને ફરજિયાતપણે રાખવાનો રહેશે.
• ચૂંટણી પંચે મેયર, કાઉન્સિલરોની ઉમેદવારી માટે મુદત લંબાવી
સ્થાનિક સરકારી કાઉન્સિલોની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે યુગાન્ડાના ચૂંટણીપંચે આખરી મુદત ૧ ઓક્ટોબરથી ચાર દિવસ લંબાવીને પાંચમી ઓક્ટોબર કરી હતી. ચૂંટણીપંચના પ્રવક્તા પોલ બુકેન્યાએ જણાવ્યું કે નોમિનેશન સેન્ટરો પર આશાસ્પદ ઉમેદવારોની સંખ્યા ખૂબ વધારે હોવાથી આ નિર્ણય લેવાયો હતો. દેશના ૧૪૬ જિલ્લા- શહેરોના કાઉન્સિલરો, ડિવિઝન મેયરો અને લોર્ડ મેયરો સહિત લોકલ ગવર્નમેન્ટના ઉમેદવારોની નોમિનેશનની પ્રક્રિયા ૨૧ સપ્ટેમ્બરે શરૂ થઈ હતી.
• મ્બાલેના સૌથી વયોવૃદ્ધ મહિલાનું ૧૨૧ વર્ષની વયે મૃત્યુ
મ્બાલે જિલ્લાના બુસાનો સબ-કાઉન્ટીના બુવાન્યાન્ગાના સૌથી વયોવૃદ્ધ મહિલા ૧૨૧ વર્ષીય યુનિઆ મુટુવા મસેલાનું તેમનાં નિવાસસ્થાને મૃત્યુ થતાં ત્યાંના રહીશોમાં શોકનું મોજૂં ફરી વળ્યું હતું. તેઓ ૧૮૮૮માં જન્મ્યાં હોવાનું મનાય છે. દુનિયામાં ઈન્ટરનેશનલ ડે ઓફ ઓલ્ડ પેન્શનર્સ ૩૦મા વર્ષની ઉજવણીના થોડાક કલાક પહેલા મસેલાનું મૃત્યુ થયું હતું. ૭૬વર્ષીય મિસ પેન્નિઆહ મુગીડે તેમના છેલ્લા જન્મેલા અને એકમાત્ર જીવિત સંતાન છે. નિકટના પારિવારિક મિત્ર એરિક મુકવાનાએ જણાવ્યું કે ટૂંકી માંદગી બાદ મસેલાનું મૃત્યુ થયું હતું. એલ્ગોન ટુરિઝમ નેટવર્કના ચેરમેન સ્ટીફન મુગોમાએ જણાવ્યું કે મસેલાનું મૃત્યુ ટુરિઝમ ક્ષેત્ર માટે મોટા આંચકા સમાન છે કારણ કે કોઈ વ્યક્તિ કેટલું લાંબુ જીવી શકે તેના માટે તેમનો ઉલ્લેખ કરાતો હતો.
• યુગાન્ડામાં કોવિડ -૧૯ ના મૃતકોમાં ૮૦ ટકા ડાયાબિટીસથી પીડિત
યુગાન્ડાની મિનિસ્ટ્રી ઓફ હેલ્થ દ્વારા જણાવાયું હતું કે કોવિડ -૧૯થી મૃત્યુ પામેલા લોકો પૈકી ૮૦ ટકા ડાયાબિટીસથી પીડાતા હતા. યુગાન્ડામાં ૨૮ સપ્ટેમ્બર સુધીમાં કોવિડ-૧૯થી ૭૫ લોકોનું મૃત્યુ થયું હતું. મંત્રાલયમાં નોન-કોમ્યુનિકેબલ ડિસીઝ (NCDs)નું નેતૃત્વ સંભાળતા ડો. જેરાલ્ડ મુટુંગીએ જણાવ્યું કે લોકડાઉન દરમિયાન ઘણાં લોકોની હાઈપરટેન્શનની દવા ખૂટી જતાં અને પહેલેથી નબળી થયેલી રોગપ્રતિકારક શક્તિ વચ્ચે કોમ્યુનિટી ટ્રાન્સમીશન શરૂ થવાને લીધે મોટાભાગના મૃત્યુ થયાં હતા. તેમણે ઉમેર્યું કે ત્રણ મહિનાની દવાનો સંગ્રહ કરવા માટે કરાયેલી અપીલની ઘણાં લોકોએ નોંધ લીધી ન હતી.આના પરિણામે, દર્દીઓની સંખ્યા ઘટવાને લીધે વધી રહી છે.
• આફ્રિકન દેશો સાથે સાઉથ આફ્રિકાની સરહદો ખોલાઈ
સાઉથ આફ્રિકાએ ૧લી ઓક્ટોબરથી તમામ આફ્રિકન દેશો સાથેની તેની સરહદો ખોલી દીધી હતી. જોકે, જે દેશોમાં કોરોના વાઈરસ સંક્રમણનો દર વધુ છે તેવા બ્રિટન, અમેરિકા, ભારત, રશિયા અને ફ્રાન્સ સહિત લગભગ ૫૦ દેશોના પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હોવાનું સરકારે જણાવ્યું હતું. વાઈરસને ફેલાતો અટકાવવા ૨૭મી માર્ચથી અમલી બનાવાયેલા લોકડાઉનમાં સાઉથ આફ્રિકાએ તેની સરહદો બંધ કરી હતી. ગયા જૂનથી અવરજવર અને બિઝનેસ પરના નિયંત્રણો ધીમે ધીમે હળવા બનાવાયા હતા. પરંતુ સરહદો બંધ રખાઈ હતી. વિદેશ પ્રધાન નાલેદી પેન્ડોરે જણાવ્યું કે દેશની સરહદો તબક્કાવાર ખોલાશે. જોકે, તમામ આફ્રિકન દેશોના પ્રવાસીઓને પ્રવેશવાની પરવાનગી અપાઈ છે. દરેક પ્રવાસીઓએ તેમના પ્રસ્થાનના ૭૨ કલાક પહેલાનું ન હોય તેવું કોરોના નેગેટિવ ટેસ્ટનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે.
• મ્બાલે શહેર માટે વધુ ૧,૦૦૦ સોલાર લાઈટ્સ
યુગાન્ડા સપોર્ટ ટુ મ્યુનિસિપલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોગ્રામ USIMD હેઠળ શહેરના ચાર મુખ્ય માર્ગો પર લગાવવા માટે મ્બાલેને એક બિલિયન શિલીંગ્સની કિંમતનો નવો ૧,૦૦૦ સોલાર સિક્યુરિટી લાઈટ્સનો જથ્થો મળ્યો હતો. મ્બાલે શહેરના પબ્લિક રિલેશન ઓફિસર જેમ્સ કુટોસીએ જણાવ્યું હતું કે પ્રથમ જથ્થામાં આવેલી ૫૦૦ સોલાર સ્ટ્રીટ લાઈટ્સ નવા બનેલા પાલિસા રોડ, કુમી રોડ, રિપબ્લિક સ્ટ્રીટ, નાબુયોંગા રાઈઝ અને મુગિસુ હિલ લેન પર લગાવાઈ હતી પરંતુ, તે જોઈતા અંતરને આવરી લેવા પૂરતી ન હતી. બીજા જથ્થાની ૧,૦૦૦ સોલાર લાઈટ્સ કેથેડ્રલ એવન્યુ અને ન્બોઆ રોડ તથા અન્ય સ્ટ્રીટ્સ પર લગાવાશે. આ સ્ટ્રીટ લાઈટ્સથી અસુરક્ષા અને ચોરીના કેસ ડામી શકાશે.