નાઈરોબીઃ માનવ વપરાશ માટે અયોગ્ય જાહેર કરાયેલી આશરે 1000 ટન ખાંડની ઉચાપત કરાયાની શંકાએ કેન્યાના 27 સિવિલ સર્વન્ટ્સને સસ્પેન્ડ કરાયાની જાહેરાત ડાયરેક્ટર ઓફ પબ્લિક સર્વિસ દ્વારા કરાઈ હતી. ખાંડનું શિપમેન્ટ 2018માંઆયાત કરાયું હતું તેના ઉપયોગની તારીખ વીતી ગયા પછી માનવ નપરાશ માટે અયોગ્ય જાહેર કરાયું હતું. આ 160 મિલિયન શિલિંગ્સ (1.08 મિલિયન યુરો)ના મૂલ્યની 20,000 બોરી ખાંડમાંથી ઈન્ડસ્ટ્રીઅલ ઈથેનોલનું ઉત્પાદન કરવાનું હતું. જોકે, અધિકારીઓએ આ ખાંડ એક વેપારીને વેચી દીધી હતી જેણે રીપેકેજ કરી તેનું વેચાણ કર્યું હતું. આ કૌભાંડમાં સ્ટાન્ડર્ડ બ્યૂરો, ટેક્સ ઓથોરિટી, પોલીસ તેમજ ફૂડ અને એગ્રીકલ્ચર વિભાગના અધિકારીઓ સામેલ હતા.
સુદાનને $3 બિલિયનથી વધુ સહાયની જરૂર
ખાર્ટુમઃ આંતરિક યુદ્ધમાં સપડાયેલા સુદાનને માનવતાવાદી અને રેફ્યુજી સહાય માટે 3 બિલિયન ડોલરથી વધુ રકમની જરૂર પડશે તેમ યુનાઈટેડ નેશન્સના પ્રાથમિક અંદાજોમાં જણાવાયું છે. માત્ર માનવતાવાદી સહાય માટે જ 2.6 બિલિયન ડોલર જોઈશે. ડિસેમ્બરમાં આ સહાય માટે 1.75 બિલિયન ડોલરનો અંદાજ મૂકાયો હતો. સુદાનની વસ્તીના અડધાથી વધુ એટલે કે 25 મિલિયન લોકોને માનવીય સહાય અને સુરક્ષાની જરૂર છે. દેશના સૌથી નિર્બળ 18 મિલિયન લોકોની સારવાર કરવા માટે માનવીય સહાય એજન્સીઓ આટલા ફંડમાં કામ કરી શકશે. આંતરિક યુદ્ધથી ભાગી છૂટેલા નિર્વાસિતો માટે યુએન 470.4 મિલિયન ડોલરનું ફંડ માગી રહ્યું છે. આ વર્ષે 1.1 મિલિયન લોકો સુદાનથી નાસી છૂટે તેવી ધારણા છે. સુદાનના આશરે 220,000 લોકોએ સામૂહિક હિજરત કરી પડોશી દેશોમાં આશરો લીધો છે. આશરે 700,000થી વધુ લોકો સુદાનમાં જ યુદ્ધના કારણે રઝળી પડ્યા છે.
કોંગોના પ્રોજેક્ટ્સને વિશ્વ બેન્કનું ભંડોળ સસ્પેન્ડ
કિન્હાસાઃ વિશ્વ બેન્કે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)માં માનવતાવાદી અને વિકાસકીય પ્રોજેક્ટસને ભંડોળ આપવાનું હાલ બંધ કર્યું છે. DRC સરકારે કોઈ પણ ચેતવણી આપ્યા વિના એક બિલિયન ડોલરથી વધુ મૂલ્યના ફંડનું વિસર્જન કરી દીધા પછી વર્લ્ડ બેન્કે નાણા મંત્રાલયને પત્ર પાઠવી આ જાહેરાત કરી હતી. ભંડોળ સસ્પેન્ડ કરવાથી જાતીય હિંસાના શિકાર સહિત 600,000થી વધુ લાભાર્થીઓને અસર થશે. બેન્ક દ્વારા પ્રોજેક્ટ્સ માટે કુલ 1.04 બિલિયન ડોલરના મંજૂર ફંડમાંથી ધીરેલી 91 મિલિયન ડોલરની રકમનાં સ્ટેટસ વિશે માહિતી માગવામાં આવી છે. કોંગોના પ્રેસિડેન્ટ ચોથી મે એ ‘સોશિયલ ફંડ ઓફ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો’ વિસર્જિત કરી નવાં જાહેર ફંડની રચના કરી હતી. પ્રમુખની પ્રવક્તાએ ફંડ સસ્પેન્ડ કરાયોનો ઈનકાર કર્યો હતો પરંતુ, 91 મિલિયન ડોલરના ધીરાણ મુદ્દે કશું જણાવવાનું ટાળ્યું હતું.