જ્હોનિસબર્ગ
આફ્રિકાની મુખ્ય આરોગ્ય સંસ્થા આફ્રિકા સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (આફ્રિકા સીડીસી)ને વિશ્વ બેન્ક તરફથી 100 મિલિયન ડોલરની સહાય અપાઇ છે જેથી આફ્રિકાના દેશોને રોગચાળા અને મહામારીઓના મૂળને શોધી કાઢવા, તેમની સામે લડવા અને તૈયાર રહેવાની તૈયારી કરી શકે. કોરોના મહામારી દરમિયાન આફ્રિકા સીડીસીએ આફ્રિકાના દેશોને સલાહ આપવામાં મુખ્ય ભુમિકા ભજવી હતી. વર્લ્ડ બેન્કે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ સહાય આફ્રિકા સીડીસીની ટેકનિકલ ક્ષમતા વધારવામાં મદદ કરશે. તે ઉપરાંત રોગચાળાના નિષ્ણાતો તથા મહામારીઓમાં જરૂરી મેડિકલ સ્ટાફ પણ તૈયાર કરી શકાશે.
વર્લ્ડ બેન્કે જણાવ્યું હતું કે, મહામારીઓ સામે લડવા માટે આ પ્રોજેક્ટથી પ્રાદેશિક ક્ષમતાઓમાં વધારો થશે અને આફ્રિકા ખંડને મહામારીઓનો પડકાર ઝિલવા તૈયાર કરી શકાશે. આ સહાયના માધ્યમથી આફ્રિકાના દેશોમાં જાહેર આરોગ્ય ક્ષેત્રે મોટી સંખ્યામાં કર્મચારીઓ તૈયાર કરી શકાશે.
આફ્રિકા સીડીસીના કાર્યકારી ડિરેક્ટર એહમદ ઓગવેલ ઔમાએ જણાવ્યું હતું કે, અમને અત્યંત કટોકટીના સમયમાં આ આર્થિક સહાય ઉપબ્ધ થઇ છે, અમે આફ્રિકાના દેશોને સહાય વધારવાનો લક્ષ્યાંક ધરાવીએ છીએ.