પૂર્વ કેન્યન પાર્ટનર ડિક્સન એનડિએમા દ્વારા 1 સપ્ટેમ્બરે કેન્યામાં પેટ્રોલ છાંટી જીવતા જલાવી દેવાયેલી 33 વર્ષીય યુગાન્ડન ઓલિમ્પિક એથ્લીટ રેબેકા ચેપટેગેઈને મિલિટરી ફ્યુનરલ સાથે વિદાય આપવામાં આવી હતી. 14 સપ્ટેમ્બરે કેન્યાની સરહદે બુકવો ટાઉનમાં ફ્યુનરલ સર્વિસમાં હજારો લોકોએ હાજરી આપી શોક વ્યક્ત કર્યો હતો. રેબેકા ચેપટેગેઈએ પેરિસ ઓલિમ્પિક્સ 2024માં મહિલા મેરેથોનમાં સ્પર્ધા કરી હતી અને 44મો ક્રમ હાંસલ કર્યો હતો. ડિક્સન અને રેબેકા વચ્ચે જમીનવિવાદ ચાલી રહ્યો હતો.
• દારે-એસ-સલામ કન્ટેનર ટર્મિનલ અદાણી પોર્ટ હસ્તક
ટાન્ઝાનિયાના મુખ્ય પોર્ટ દારે-એસ-સલામ કન્ટેનર ટર્મિનલનું સંચાલન અદાણી પોર્ટ હસ્તક લેવાયું છે. ચાર બર્થનું ટર્મિનલ ટાન્ઝાનિયાના કુલ ટર્મિનલ વેપાર જથ્થાનો 83 ટકા હિસ્સો ધરાવે છે. અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડની ગૌણ કંપની અદાણી ઈન્ટરનેશનલ પોર્ટ્સ હોલ્ડિંગ્સ(AIPH)આ ટર્મિનલનું સંચાલન 30 વર્ષ સુધી કરી શકે તેવો કોન્ટ્રાક્ટ ટાન્ઝાનિયા પોર્ટ્સ ઓથોરિટી સાથે કરાયો છે.
• મંકીપોક્સની પ્રથમ વેક્સિનને WHOની મંજૂરી
આફ્રિકા સહિત વિશ્વના 120 દેશોમાં મંકીપોક્સ (Mpox) વાઈરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ તેની સારવાર માટે પ્રથમ વેક્સિન MVA-BNને મંજૂરી આપી છે. હાલ આ વેક્સિન 18 વર્ષથી ઓછી વયના લોકો માટે ઉપલબ્ધ નથી. આ રસીનો સિંગલ ડોઝ મંકીપોક્સથી બચાવમાં અંદાજે 76 ટકા અને ડબલ ડોઝ અંદાજે 82 ટકા અસરકારક છે. આફ્રિકાના કોંગોમાં 70 ટકા કેસીસ સાથે મંકીપોક્સનો સૌથી વધુ પ્રકોપ છે અને તેનો મૃત્યુદર 85 ટકા રહ્યો છે. આફ્રિકી નિષ્ણાતો મુજબ 10 મિલિયન વેક્સિનની જરૂરિયાત સામે કોંગોને માત્ર 250,000 ડોઝ મળ્યા છે. ટુંક સમયમાં બાળકો, સગર્ભાઓ અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે પણ આ પ્રકારની વેક્સિન તૈયાર કરી લેવાશે. MVA-BN વેક્સિનને સ્વિટ્ઝર્લેન્ડ, યુએસ, સિંગાપોર, કેનેડા, યુરોપના દેશો અને UKમાં મંજૂરી મળી છે.
• કેન્યામાં લૈંગિક હિંસાના કેસીસમાં ઉછાળો
તાજેતરના વર્ષોમાં કેન્યામાં લિંગ આધારિત હિંસાની ઘટનાઓમાં ભારે વધારો નોંધાયો છે. હાલમાં જ કેન્યન પાર્ટનર દ્વારા યુગાન્ડાની ઓલિમ્પિયન દોડવીર રેબેકાને પેટ્રોલ છાંટી જીવતી જલાવી દેવાઈ હતી. કેન્યાના લોકો કહે છે કે રેબેકાની હત્યા તો પુરુષો દ્વારા જંગલિયાત ભરેલા અત્યાચારનું એક ઉદાહરણ જ છે. ઓક્ટોબર 2021માં કેન્યન ઓલિમ્પિયન એગ્નેસ ટિરોપનો મૃતદેહ તેના ઘરમાં ચાકુના સંખ્યાબંધ ઘા સાથે મળી આવ્યો હતો.