ઉત્તર-પશ્ચિમ નાઇજિરિયાના જીગાવા સ્ટેટ એક્સપ્રેસવે પર એક ટેન્કરમાંથી પેટ્રોલ લૂંટવાના પ્રયાસમાં પ્રચંડ વિસ્ફોટ થતા બાળકો સહિત અંદાજેત 140થી વધુ લોકોના મોત થયાં હતાં તેમજ 50થી વધુ લોકો ગંભીરપણે ઈજાગ્રસ્ત થયાં હતાં. પોલીસે જણાવ્યા મુજબ મૃતકો અને ઘાયલોની સંખ્યા વધવાની આશંકા છે. પેટ્રોલ ટેન્કરની સામે અચાનક ટ્રક આવી જવાથી ડ્રાઈવરે ટેન્કર પરનો કાબુ ગુમાવતા ટેન્કર પલટી ખાઈ ગયું હતું. ટેન્કરમાંથી ઢોળાયેલાં પેટ્રોલને લઈ જવલાં લોકો એકત્ર થયા હતા ત્યારે જ ટેન્કરમાં તોતિંગ વિસ્ફોટ થયો હતો.
• કેન્યામાં હાથીઓને નવા અભયારણ્યમાં ખસેડાયા
કેન્યાના મ્વેઆ નેશનલ રિઝર્વમાં હાથીઓની સંખ્યા વધી જવાથી 50 હાથીને વધુ વિશાળ એબરડારે નેશનલ રિઝર્વમાં ખસેડાયા હતા. હાથીઓની સંખ્યા વધી જતા તેઓ નજીકના ગામોની માનવ વસાહતોમાં ઘૂસી સ્થાનિક ઈકોસિસ્ટમને નુકસાન પહોંચાડતા હતા. 42 સ્ક્વેર કિલોમીટરના એરિયાના મ્વેઆ નેશનલ રિઝર્વમાં હાથીઓની સંખ્યા 156 થઈ હતી જે ક્ષમતા કરતાં ત્રણ ગણાથી વધુ હતી. હાથીઓનું દબાણ ઓછું થવાથી અન્ય પ્રાણીઓની વૃદ્ધિ થઈ શકશે.
• ઝામ્બીઆમાં દુકાળથી વીજળીના ધાંધિયા
ઝામ્બીઆમાં દુકાળના કારણે કારિબા ડેમમાં પાણી ઘટી જવા સાથે હાઈડ્રોઈલેક્ટ્રિક ટર્બાઈન્સ બંધ થતાં વીજળીનું ઉત્પાદન લગભગ બંધ થઈ ગયું છે અને લાખો લોકોને રાંધવા તકલીફ તેમજ બાળકોને મીણબત્તીના સહારે અભ્યાસ કરવાની નોબત આવી ગઈ છે. આબોહવા સંબંધિત કટોકટી સર્જાયા પછી દક્ષિણ આફ્રિકન દેશમાં વીજ કટોકટી સર્જાઈ છે. કેટલાક ઝામ્બીઅન્સ ઓફિસના કામકાજ માટે હાર્ડ ડ્રાઈવ, મોનિટર સહિત સમગ્ર ડેસ્કટોપ કોમ્પ્યુટર્સ સ્થાનિક કાફેમાં પહોંચી જાય છે. ઝામ્બીઆ અને ઝિમ્બાબ્વે વચ્ચેની સરહદ પર લુસાકાથી દક્ષિણે 200 કિલોમીટરના અંતરે વિશ્વમાં સૌથી મોટો માનવસર્જિત કારિબા ડેમ છે જે ઝામ્બેઝી નદીની જળરાશિ પર સરોવર બનાવે છે.
• કેન્યામાં ન્યુક્લીઅર પાવર પ્લાન્ટ સામે ભારે વિરોધ
કેન્યાની કિલિફી કાઉન્ટીમાં દેશના સૌપ્રથમ ન્યૂક્લીઅર પાવર પ્લાન્ટના નિર્માણ માટે જગા ફાળવાયેલી છે તે ગામોના લોકોએ પ્લાન્ટ સામે વિરોધ દર્શાવ્યો છે. હિન્દ મહાસાગરના તટક્ષેત્રમાં 500 બિલિયન કેન્યન શિલિંગ્સ (3.9 બિલિયન ડોલર)ના ખર્ચે નિર્માણ કરાનારો આ પ્લાન્ટ 1000 મેગાવોટ વીજ ઉત્પાદન કરશે અને 2034માં કાર્યાન્વિત થવાની યોજના છે. શુક્રવાર 11 ઓક્ટોબરે સ્થાનિક લોકો,પર્યાવરણવાદીઓ અને એક્ટિવિસ્ટોનું જૂથ શેરીઓમાં ઉતરી આવ્યા હતા. તેમના કહેવા મુજબ પાવર પ્લાન્ટથી ઘણી નકારાત્મક અસરો સર્જાશે. વિકૃત બાળકો જન્મશે અને તેમને પૂરતું પોષણ નહિ મળે, વનપ્રદેશનો નાશ થશે તેમજ માછલીઓ મરી જશે.
• ટાન્ઝાનિયામાં મીડિયા કંપનીના ઓનલાઈન પ્લેટફોર્મ્સ સસ્પેન્ડ
ટાન્ઝાનિયાના કોમ્યુનિકેશન્સ રેગ્યુલેટર (TCRA) દ્વારા સ્થાનિક મીડિયા કંપની મ્વાનાન્ચી કોમ્યુનુકેશન્સ લિમિટેડના ઓનલાઈન કન્ટેન્ટ લાયન્સીસને 30 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવાયા છે. પ્રતિબંધિત કે નિયંત્રિત વિષયોના પ્રકાશનથી દેશની છબી ખરડાઈ હોવાના કારણે આ પગલું લેવાયું હોવાનું જણાવાયું છે. જોકે, વિરોધપક્ષોએ આ પગલાંને સરકારના ટીકાકાર મીડિયાને રુંધવા સમાન ગણાવ્યું છે. દરમિયાન, મ્વાનાન્ચી કંપનીએ જણાવ્યું હતું કે તેઓ આ સસ્પેન્શન ઓર્ડનો અમલ કરશે.
• ટાન્ઝાનિયાના વિપક્ષી પદાધિકારીનું અપહરણ
ટાન્ઝાનિયાના મુખ્ય વિરોધ પક્ષ ચાડેમાના વરિષ્ઠ પદાધિકારી અને મહિલા શાખાના પબ્લિસિટી સેક્રેટરી આઈશા માચાનોનું કિબિટી ટાઉનમાંથી અપહરણ કરાયા પછી તેમને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં જંગલમાં ફેંકી દેવાયાં હતાં. તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયાં હતાં. આ ઘટનાથી પ્રેસિડેન્ટ સામીઆ સુલુહુ હાસનની સુધારાવાદી ઈમેજને ભારે ધક્કો પહોંચ્યો છે. ચાડેમા પાર્ટીએ આક્ષેપ કર્યો હતો કે મહિના અગાઉ પણ તેમના અન્ય પાર્ટી નેતાનું અપહરણ અને હત્યા કરાયા હતા. પ્રેસિડેન્ટ ડિસેમ્બરની સ્થાનિક અને 2025ની રાષ્ટ્રીય ચૂંટણીઓ પહેલા વિપક્ષી નેતાઓને નિશાન બનાવી રહ્યાં હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.