માપુટોઃ મોઝામ્બિકની રાજધાની માપુટોની જેલમાં ક્રિસમસનાં દિવસે જ કેદીઓ વચ્ચે હિંસા ભડકી ઉઠતા 33 લોકોનાં મોત થવા સાથે 15થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. સુપ્રીમ કોર્ટનાં શાસક પાર્ટીના ચૂંટણીમાં વિજય સંબંધિત ચુકાદાના પગલે દેશભરમાં વિરોધ પ્રદર્શનો થયા હતાં. રસ્તાઓ પરનાં દેખાવો અને વિરોધ જેલ સુધી પહોંચતા કેદીઓ વચ્ચે રમખાણ થતા 1534 કેદી જેલ તોડીને ભાગી ગયા હતા જેમાંથી 150 કેદીને ફરી પકડી લેવાયા હતા. મોઝામ્બિકની અન્ય બે જેલને તોડવાનાં પ્રયાસ અને હિંસા ફાટી નીકળ્યાનાં અહેવાલ છે. આ હિંસામાં ભારતીય અને ગુજરાતી મૂળના વેપારીઓ તેમજ ભારતીય સમુદાયના લોકો પર પણ ટોળાં દ્વારા હુમલા કરાયાના અહેવાલો હતા. જેના પરિણામે કરોડો રૂપિયાના નુકસાનની આશંકા છે.
• LRA વોર ક્રાઈમના પીડિતોને વળતરનો આદેશ
કમ્પાલાઃ યુગાન્ડાની કોર્ટે LRA કમાન્ડર થોમસ ક્વોયેલોના યુદ્ધઅપરાધોના દરેક પીડિતોને 10 મિલિયન યુગાન્ડન શિલિંગ્સ (2,740 ડોલર) સુધીનું વળતર ચૂકવવા સરકારને આદેશ કર્યો છે. ક્વાયેલો યુગાન્ડાના ન્યાયતંત્ર દ્વારા સજા કરાયેલો બળવાખોર જૂથનો પ્રથમ સીનિયર સભ્ય છે. ક્વાયેલોને ઓક્ટોબર મહિનામાં હત્યા, બળાત્કાર, ગુલામી, અત્યાચાર અને અપહરણ સહિતના ગુનાઓ બદલ 40 વર્ષની જેલની સજા ફરમાવાઈ હતી. કોર્ટના ચુકાદા અનુસાર ક્વાયેલો ગરીબ હોવાથી પીડિતોને વળતર ચૂકવી શકે તેમ ન હોઈ સરકારે આ ખર્ચ ભોગવવો પડશે.
• કેન્યામાં લૈંગિક હિંસાનો સામનો કરાશે
કેન્યામાં ચાર મહિનામાં જ 100 મહિલાની હત્યા કરાયાના પગલે સરકારે લૈંગિક હિંસાનો સામનો કરવા સ્પેશિયલ યુનિટ રચવાની યોજના જાહેર કરી હતી. આ ઉપરાંત, સમસ્યાનો સામનો કરવાના પગલાંની ભલામણ કરવા પ્રેસિડેન્સિયલ વર્કિંગ ગ્રૂપ રચાયું છે. મોટા ભાગની મહિલાની હત્યા તેમના અંગત પાર્ટનર્સ અને પરિચિત પુરુષો દ્વારા જ કરાઈ હતી. દેશમાં સપ્ટેમ્બર 2023થી સેક્સ્યુઅલ અને લૈંગિક હિંસાનાં 7,107 કેસીસ નોંધાયા છે. પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ જણાવ્યું હતું કે કેન્યામાં હત્યા કરાયેલી પાંચમાંથી ચાર મહિલા અંગત પાર્ટનર દ્વારા હિંસાનો શિકાર બને છે.
• દાર એસ-સલામ પોર્ટને પાવરહાઉસ બનાવાશે
દાર એસ-સલામ પોર્ટને ઈસ્ટ આફ્રિકન પાવરહાઉસ બનાવવા ટાન્ઝાનિયા સરકાર અને ડીપી વર્લ્ડ કંપની વચ્ચે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની જાહેરાત કરાઈ છે. ડીપી વર્લ્ડ દ્વારા શરૂઆતમાં 250 મિલિયન ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ કરાયું હતું જે વધારીને 1 બિલિયન ડોલર સુધી લઈ જવાશે. પ્રારંભિક રોકાણથી શિપ ટર્નઅરાઉન્ડ ટાઈમ્સ સાત દિવસથી ઘટીને ત્રણ દિવસનો થયો છે અને કાર્ગો હેન્ડલિંગ ઓપરેશન્સ પણ વ્યવસ્થિત બન્યા છે. આ પાર્ટનરશિપથી ટાન્ઝાનિયા સરકારને Tsh325.3 બિલિયનની રેવન્યુ પ્રાપ્ત થઈ છે, 30,000થી વધુ પ્રત્યક્ષ નોકરીઓ અને 150,000 પરોક્ષ નોકરીઓનું સર્જન થયું છે.
• નાઇજિરિયાની સ્કૂલમાં ફન-ફેરમાં ધક્કામુક્કીઃ 30 બાળકોનાં મોત
લાગોસઃ દક્ષિણ પશ્ચિમ નાઈજિરિયાનાં ઓયો રાજ્યના બાસોરૂન શહેરસ્થિત ઈસ્લામિક હાઈસ્કૂલમાં યોજાયેલા ફનફેરમાં ધક્કામુક્કી થતાં ૩૦ બાળકોનાં ચગદાઈ જવાથી મૃત્યુ થયા હતા અને અનેકને ઇજાઓ થઇ હતી. પોલીસે આયોજકોની ધરપકડ કરી હતી અને નેશનલ ઈમર્જન્સી સર્વિસને કામે લગાવાઈ હતી. સ્થાનિક મીડિયા અનુસાર વિમાન-ઇન-નીડ-ઓફ-ગાઈડન્સ એન્ડ સપોર્ટ ફાઉન્ડેશન દ્વારા ફનફેરનું આયોજન કરાયું હતું.
• કોંગોની નદીમાં બોટ ડૂબતાં 38ના મોત, 100 લાપતા
કીન્હાશા: ડેમોક્રેટિક રીપબ્લિક ઓફ કોંગોમાં ઉત્તરપૂર્વની બુસિરા નદીમાં એક મોટર બોટ ડૂબી જતાં ઓછામાં ઓછાં 38નાં મોત થયા હતા. 100થી વધુ પ્રવાસીઓ લાપતા હોવાનું જણાવાય છે ત્યારે મૃત્યુઆંક વધવાની આશંકા છે. મોટાભાગના લોકો વેપારી હતા જેઓ ક્રિસમસ ઉજવવા પોતાનાં ગામે પાછા ફરી રહ્યા હતા. આ બોટમાં 400થી વધુ પ્રવાસી હતા જે તેની ક્ષમતા કરતાં ઘણા વધુ હતા. ચાર દિવસ અગાઉ જ બોટ ડૂબવાની અન્ય ઘટનામાં 25 પ્રવાસી ડૂબી ગયા હતા. ઓક્ટોબરની અન્ય દુર્ઘટનામાં 78 પ્રવાસીએ જાન ગુમાવ્યો હતો.