યુગાન્ડાના પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીએ ઈસ્ટ આફ્રિકાના લોકો માટે સંપત્તિના સર્જન અને પ્રાદેશિક એકતા માટે અસરકારક ઈસ્ટ આફ્રિકન કોમન માર્કેટની હિમાયત કરી છે. તેમણે નાગરિકો સરળતાથી હેરફેર કરી શકે તેમજ માલસામાન અને સર્વિસીસનો વેપાર કરી શકે અને મજબૂત અર્થતંત્રનું નિર્માણ કરી શકાય તે માટે ઈસ્ટ આફ્રિકા કોમ્યુનિટી (EAC)ની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. EACમાં સંપત્તિનું સર્જન કરી શકાય તે હેતુસર એગ્રિકલ્ચર, મેન્યુફેક્ચરિંગ, ICT અને સ્પોર્ટ્સ સેક્ટરોને મહત્ત્વપૂર્ણ ગણાવ્યા હતા. મુસેવેનીએ ઈસ્ટ આફ્રિકામાં વેપાર અવરોધો દૂર કરવાની હાકલનો પુનરુચ્ચાર કર્યો હતો.
• કેન્યાના ડેપ્યુટી પ્રેસિડેન્ટ કિથુરે કિન્ડિકી વિશે અટકળો
કેન્યાના ડેપ્યુટી પ્રેસિડેન્ટ કિથુરે કિન્ડિકી ઘણા વખતથી રાષ્ટ્રીય કાર્યક્રમોમાં અદૃશ્ય રહેવાથી લોકોમાં ભારે કુતૂહળ અને અટકળો સર્જાયા છે. મોટા ભાગે પ્રેસિડેન્ટ વિલિયમ રુટોની આસપાસ જ દેખાતા કિન્ડિકીની 20 ડિસેમ્બર 2024થી સતત ગેરહાજરી અટકળોનો વિષય બની છે કારણકે તેમણે હોદ્દો ધારણ કરે બે મહિના જ થયા છે. કિન્ડિકી નેશનલ એસેમ્બલીના સ્પીકર વેટાન્ગુલાની માતાની દફનવિધિમાં પણ હાજર રહ્યા ન હતા. જોકે, તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સક્રિય છે. બીજી તરફ, પ્રેસિડેન્ટ રુટો આ તહેવારોની મૌસમમાં સતત કાર્યક્રમોમાં એકલા જ હાજરી આપી રહ્યા છે.કિન્ડિકીની ગેરહાજરીએ પ્રેસિડેન્સીમાં સંભવિત તણાવની અફવાઓને જન્મ આપ્યો છે. પ્રેસિડેન્ટ રુટોએ પૂર્વ ડેપ્યુટી પ્રેસિડેન્ટ રિગાથી ગાચાગુઆની હકાલપટ્ટી કર્યા પછી તેઓ વહીવટીતંત્રના વાચાળ ટીકાકાર બની ગયા છે.