વર્ષ 2025માં આફ્રિકામાં સ્થાનિક ઉત્પાદન, સબસિડીઓ અને ઈમ્પોર્ટ્સના કારણે ફ્યૂલની કિંમત ઘણી સસ્તી થઈ છે. ફ્યૂલની કિંમત સસ્તી હોય તેવા આફ્રિકન દેશોમાં નાઈજિરિયા છઠ્ઠા ક્રમે છે. અંગોલા અને લિબિયા જેવા દેશો વિપુલ ઓઈલ અનામતોના પરિણામે ફ્યૂલની નીચી કિંમતો જાળવી શકે છે જ્યારે ઈથિયોપિયા અને લાઈબિરિયા જેવા દેશો આયાત પર આધાર રાખતા હોવાથી ફ્યૂલની ઊંચી કિંમતોનો સામનો કરવો પડે છે. આ વર્ષના આરંભે સૌથી સસ્તું ફ્યુલ હોય તેવા પ્રથમ 10 દેશોમાં લિબિયા,અંગોલા, ઈજિપ્ત, અલ્જિરિયા, સુદાન, નાઈજિરિયા, ટ્યુનિશિયા, ઈથિયોપિયા, લાઈબિરિયા અને ગેબોનનો સમાવેશ થાય છે.
• બંદૂકધારીઓએ 46ના અપહરણ કર્યા
નાઈજિરિયાના ઝામ્ફારા રાજ્યનાં ગોના ટાઉનમાં હુમલો કરી બંદૂકધારીઓએ મહિલાઓ અને બાળકો સહિત 46 લોકોના અપહરણ કર્યા હતા. આ હુમલો રવિવાર 5 જાન્યુઆરીએ કરાયો હતો. મોટરબાઈક્સ પર આવેલા સંખ્યાબંધ બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર સાથે હુમલો કર્યો હતો તેમજ ઘણા ઘર અને દુકાનોને આગ ચાંપી હતી. ઘણા લોકો જીવ બચાવવા ઝાડીઓમાં છુપાઈ ગયા પછી હુમલાખોરોએ ઘરઘરમાં તપાસ શરૂ કરી હતી અને નાસી નહિ શકેલી સ્ત્રીઓ અને બાળકોનું અપહરણ કર્યું હતું. એક મહિના અગાઉ પણ ઝામ્ફારા રાજ્યનાં ગિડાન ગોગા જિલ્લાના કાકિડાવા ખાતે હુમલામાં 43 લોકોના અપહરણ કર્યા હતા. દરમિયાન, ગયા મહિને જ આર્મીએ ઘણા આતંકવાદી સ્થાનોને લક્ષ્ય બનાવી ઘણા ત્રાસવાદીઓને ખતમ કર્યા હતા.
• ચાડમાં શાસક પાર્ટીનો વિજય
ચાડમાં 29 ડિસેમ્બરે યોજાએલી નેશનલ એસેમ્બલી ચૂંટણીના પ્રાથમિક પરિણામો જાહેર કરાયા છે જેમાં શાસક પાર્ટી પેટ્રિઓટિક સાલ્વેશન મૂવમેન્ટને 188માંથી 124 બેઠકમાં વિજય સાથે ભારે બહુમતી હાંસલ થઈ છે. મતદાનની ટકાવારી 51.56 ટકા રહી હતી. ચાડના નેતા ઈદરીસ ડેબી ઈટનોનું અચાનક મોત થયા પછી તેના પુત્ર ડેબીએ સત્તા કબજે કર્યાના ત્રણ કરતાં વધુ વર્ષ પછી બંધારણીય શાસન માટે ચૂંટણી યોજાઈ હતી. જોકે, ગેરરીતી અને પારદર્શિતા અભાવના આક્ષેપો સાથે વિપક્ષી નેતા સુક્સેસ માસારાની ટ્રાન્સફોર્મેટર્સ પાર્ટીએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. લગભગ એક દાયકા પછી ચાડમાં મ્યુનિસિપલ અને પ્રાદેશિક ચૂંટણીઓ માટે પણ મતદાન યોજાયું હતું.
• કેન્યામાં અપહરણોમાં 44 ટકાનો વધારો
કેન્યામાં સપ્ટેમ્બર 2023થી ઓગસ્ટ 2024ના ગાળામાં અપહરણોની 52ઘટનાઓ સાથે તેની ટકાવારીમાં 44 ટકાનો વધારો થયો હોવાનું સ્ટેટ ઓફ નેશનલ સિક્યુરિટી રિપાર્ટમાં જણાવાયું છે. કેન્યાના નાઈરોબી, રિફ્ટ વેલી, કોસ્ટ, ઈસ્ટર્ન, વેસ્ટર્ન, ન્યાન્ઝા, સેન્ટ્રલ અને નોર્થ ઈસ્ટર્ન, એમ આઠ વિસ્તારોમાં અપહરણોની ઘટનાઓ નોંધાઈ હતી. કોસ્ટ વિસ્તારમાં સૌથી વધુ અપહરણના 14 કેસ નોંધાયા હતા.