યુગાન્ડાના એનર્જી અને મિનરલ ડેવલપમેન્ટ મિનિસ્ટર રુથ નાનકાબિરવાએ મોરોટો-કાડામ બેઝિન અને ક્યોગા બેઝિનમાં કોમર્શિયલ ઓઈલ અને ગેસની સંભાવના હોવાના પગલે શોધખોળનો અભ્યાસ કરાઈ રહ્યો હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત, પશ્ચિમ યુગાન્ડાના હોઈમા બેઝિનમાં પણ હાઈડ્રોકાર્બન સંભાવનાનો અભ્યાસ કરાશે. યુગાન્ડાના વર્તમાન પેટ્રોલિયમ સ્રોતો 6.5 બિલિયન બેરલ હોવાનું જણાવાયું છે. ઓઈલ અને ગેસ સેક્ટરમાં ઉત્પાદન તબક્કા તરફ આગળ વધી રહેવા સાથે યુગાન્ડાના અર્થતંત્રને પ્રગતિના પંથે લઈ જવાશે.
ફ્રાન્સની ટોટલએનર્જીઝ કંપનીના ઈસ્ટ આફ્રિકન ક્રૂડ ઓઈલ પાઈપલાઈન પ્રોજેક્ટ (EACOP)માં પશ્ચિમ યુગાન્ડામાં 419 તેલકૂવાના ડ્રીલિંગ અને લેક આલ્બર્ટની ઓઈલ ડિપોઝીટ્સને ભારતીય મહાસાગરમાં ટાન્ઝાનિયન કાંઠાને સાંકળતી 1,443 કિલોમીટર હીટેડ પાઈપલાઈનના બાંધકામનો સમાવેશ થાય છે.
• આફ્રિકન દેશોને ક્લાઈમેટ ભંડોળની રાહ
આફ્રિકન દેશો ગ્લોબલ ક્લાઈમેટ ફાઈનાન્સિંગમાં મોટો હિસ્સો મેળવવા આ વર્ષની COP-29 સમિટની રાહ જોઈ રહ્યા છે. ક્લાઈમેટ ચેન્જના પડકારોનો સામનો કરવા આફ્રિકન દેશો વધુ ભંડોળની આશા રાખે છે. આગામી મહિને આઈવરી કોસ્ટ ખાતે મળનારી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝમાં રજૂ કરવા માટે વ્યહરચનાઓની યાદી ઘડી લેવાઈ છે. 54 દેશનો આફ્રિકા ખંડ ક્રાઈમેટ મિટિગેશન અને એડપ્શન પ્રોજેક્ટ માટે વધુ ભંડોળ આકર્ષી રહ્યા છે પરંતુ, આ ભંડોળ વાર્ષિક ધોરણના ગ્લોબલ ક્લાઈમેટ ફાઈનાન્સિંગના એક ટકાથી પણ ઓછું છે. આફ્રિકાને 1.3 ટ્રિલિયન ડોલરના રોકાણોની જરૂર છે પરંતુ, તેના માત્ર 100 બિલિયન ડોલરનું જ ભંડોળ મળ્યું છે.
• કોંગો બોટ અકસ્માતમાં 29ના મોત, સેંકડો લાપતા
પશ્ચિમ કોંગોની લુકેની નદીમાં 18 ઓગસ્ટ રવિવારની રાત્રે બોટનો અકસ્માત થતા ઓછામાં ઓછાં 29 લોકોના મોત નીપજ્યા હતા અને સેંકડો લોકો લાપતા છે. સેન્ટ્રલ આફ્રિકન દેશમાં બોટ અકસ્માતોમાં લોકોના મોત સામાન્ય બીના છે. મોટરાઈઝ્ડ વૂડન બોટમાં 300થી વધુ પ્રવાસી ભરેલા હતા. કુટુ ક્ષેત્રમાં લુકેની નદીના પાણીમાં લાકડાના થડ સાથે ટકરાવાથી બોટ ઊંધી વળી ગઈ હતી. 20 ઓગસ્ટ મંગળવાર સુધી શોધખોળ કામગીરીમાં 29 પ્રવાસીના મૃતદેહ મળવા ઉપરાંત, 128 લોકોને બચાવી લેવાયા હતા જ્યારે અસંખ્ય પ્રવાસી લાપતા હોવાનું જણાવાયું હતું. કોંગોમાં રાત્રે નદીની મુસાફરી અને વધુ પ્રવાસી ભરવા પર પ્રતિબંધ હોવાં છતાં તેનો અમલ કરાતો નથી.
• સીરિયલ કિલર સહિત 13 કેદી જેલમાંથી ભાગ્યા
પત્ની સહિત 42 મહિલાની હત્યા કરવાની કબૂલાત કરનારા સીરિયલ કિલર કોલીન જુમાઈસી ખાલુશા સહિત 13 અપરાધી નાઈરોબી જેલ તોડીને નાસી છૂટ્યા હોવાનું બહાર આવતા તેમને મદદ કરવાના આરોપસર જેલના પાંચ કેન્યન અધિકારીઓને કોર્ટ સમક્ષ હાજર કરાયા હતા. ગત મહિને ક્વોરી ડમ્પસાઈટમાં પ્લાસ્ટિક બેગ્સમાં છ મહિલાના મૃતદેહ મળી આવ્યા પછી જુમાઈસીની ધરપકડ કરાઈ હતી. જોકે, 42 મહિલાની હત્યાની કબૂલાત ટોર્ચર થકી કરાવાઈ હોવાનું જુમાઈસીના વકીલે જણાવ્યું છે. જુમાઈસી ખાલુશા ઉપરાંત, દેશમાં ગેરકાયદે ઘૂસણખોરી કરેલા 12 ફરાર એરિટ્રિયન અપરાધી નાગરિકોને પકડવા પોલીસે ભારે શોધખોળ આદરી છે.
• રવાન્ડા સરકારે 5600થી વધુ ચર્ચ બંધ કરાવ્યા
રવાન્ડા સરકારે સભ્યોના આરોગ્ય અને સલામતી પર ધ્યાન નહિ અપાવા તેમજ ગેરકાયદે સંચાલન સહિત વિવિધ કારણોસર ગુફામાં આવેલા 100 ચર્ચ સહિત5600થી વધુ ચર્ચ બંધ કરાવ્યા છે. રવાન્ડા ગવર્નન્સ બોર્ડ દ્વારા આ કામગીરી 29 જુલાઈથી શરૂ કરાઈ હતી. મોટા ભાગના આફ્રિકન દેશો અવિકસિત છે અને આફ્રિકાની સંસ્કૃતિમાં ધર્મનું વિશેષ સ્થાન છે. લોકો અનેક ઉત્તરો અને મદદ મેળવવા ચર્ચમાં જાય છે. જોકે, મોટા ભાગના ચર્ચ આધ્યાત્મિક રહ્યા નથી તેમજ લોકોના આરોગ્ય અને સલામતી પર ધ્યાન અપાતું નથી. રવાન્ડામાં 45 ટકા વસ્તી કેથોલિક અને 35 ટકા વસ્તી પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયની છે.
• લાખો ઈથિયોપિઅન્સ વૃક્ષારોપણ માટે ઉમટ્યા
સમગ્ર ઈથિયોપિયામાં લાખો નાગરિકો 23 ઓગસ્ટની વહેલી સવારથી 600 મિલિયન છોડ રોપી નવો વિક્રમ સ્થાપવા માટે ઉમટી પડ્યા હતા. ઈથિયોપિયામાં નેશનલ ગ્રીન લેગસી ઈનિશિયેટિવના ભાગરૂપે 2019થી સામૂહિક વૃક્ષારોપણો થતાં રહ્યા છે તેમજ 2019માં 17.2 ટકાના વન્ય આવરણની સામે 2023 સુધીના પાંચ વર્ષમાં 23.6 ટકાનો વધારો નોંધાયો છે. આ ગાળામાં દેશમાં 32.5 બિલિયન છોડ રોપવામાં આવ્યા છે. આ ઈનિશિયેટિવના પરિણામે દેશમાં કૃષિ ઉપજમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ચોમાસાની ઋતુમાં વધારાના 7.5 બિલિયન છોડ રોપવામાં આવશે. દેશમાં રોપાઈ રહેલા પ્લાન્ટ્સમાંથી 56 ટકા છોડ ફળ અને અન્ય બહુપયોગી પ્લાન્ટ્સના છે. 2026 સુધીમાં સમગ્ર દેશમાં 50 બિલિયન પ્લાન્ટ્સ રોપવાનું લક્ષ્ય છે.
• એમપોક્સ રોગચાળો અટકાવવા યુગાન્ડાની કવાયત
યુગાન્ડામાં આ સપ્તાહમાં એમપોક્સના વધુ બે કેસ નોંધાવા સાથે નિશ્ચિત કેસની સંખ્યા 4 થઈ છે. 24 જુલાઈએ સૌથી પહેલો કેસ નોંધાયો હતો. આફ્રિકામાં ફેલાઈ રહેલા એમપોક્સ અથવા મંકીપોક્સ રોગચાળાને અટકાવવા યુગાન્ડાએ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો સાથેની સરહદ પર નજર રાખવાનું શરૂ કર્યું છે જેથી ઘૂસણખોરી રોકી શકાય. હાલ યુગાન્ડામાં મંકીપોક્સના એક્ટિવ કેસ નથી. જુલાઈમાં વિદેશથી આવેલા બે કેસની સારવાર કરી દેવાઈ છે. કોંગો સાથેની યુગાન્ડા સરહદે 20થી વધુ જિલ્લાને એમપોક્સના ચેપ માટે જોખમી ગણાવાયા છે. વાઈરલ રોગ સામે લડવાના પગલા તરીકે યુગાન્ડાએ સંભવિત જીવનરક્ષક વેક્સિન મેળવવા WHO સાથે સંપર્ક કર્યો છે.
• કોંગોમાં એક સપ્તાહમાં એમપોક્સના 1000થી વધુ કેસ
કોંગોમાં ગત મંગળવાર સુધીના સપ્તાહમાં એમપોક્સના 1000થી વધુ નવા કેસ નોંધાયા હતા. આફ્રિકન હેલ્થ ઓથોરિટીઝ આફ્રિકા ખંડ માટે વધી રહેલા જોખમનો સામનો કરવા વેક્સિન્સની તાતી જરૂરિયાત અનુભવી રહેલ છે. આફ્રિકાના 54માંથી 12 દેશમાં મન્કીપોક્સ રોગચાળો ઝડપથી ફેલાયો છે. 2024માં નોંધાયેલા 18,910 કેસીસમાંથી 94 ટકા એટલે કે 17,794 કેસ માત્ર ડેમોક્રપેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં જ નોંધાયા છે. આફ્રિકન દેશોમાં વેક્સિન્સની જરૂરિયાત સંદર્ભે યુરોપિયન યુનિયન દ્વારા 215,000 વેક્સિન ડોઝની ખાતરી અપાઈ છે જ્યારે યુએસએ દ્વારા 50,000 ડોઝનું દાન અપાયું છે. જોકે, એકલા કોંગોને જ 3 મિલિયન ડોઝની જરૂરિયાત છે.
• કેન્યા એરવેઝનો દાયકા પછી નફો નોંધાયો
કેન્યા એરવેઝ દ્વારા જાન્યુઆરીથી જૂન 2024 સુધીના પ્રથમ છ માસિક ગાળામાં એક દાયકા પછી નફો થયાની જાહેરાત થઈ છે. ટેક્સને બાદ કર્યા પછીનો નફો 513 મિલિયન કેન્યન શિલિંગ્સ (4 મિલિયન ડોલર)નો છે. ગત વર્ષે આ જ સમયગાળામાં 21.7 બિલિયન શિલિંગ્સની ખોટ ગઈ હતી. નફો થવા માટે પ્રવાસીઓની વધેલી સંખ્યા કારણભૂત હોવાનું કેન્યા એરવેઝે જણાવ્યું હતું. એક સમયે આફ્રિકામાં ટોચની ત્રણ એરલાઈન્સમાં સ્થાન ધરાવતી કેન્યા એરવેઝ 2018માં નાદારીમાં સપડાઈ હતી.