કેન્યાના પીઢ રાજકારણી અને વિપક્ષી નેતા રાઈલા ઓડિન્ગાએ આફ્રિકન યુનિયન કમિશનના ચેરમેનપદ માટે આફ્રિકન યુનિયનના સભ્ય દેશો તેમની તરફેણમાં મતદાન કરે તે માટે સત્તાવાર પ્રચાર શરૂ કરી દીધો છે. કમિશનના પાંચમા ચેરમેન બનવા માટે ઓડિન્ગાને બે તૃતીઆંશ બહુમતી મત જોઈશે. જો તેઓ ફેબ્રુઆરી 2025માં થનારી ચૂંટણીમાં વિજય મેળવશે તો વર્તમાન ચેરપર્સન મોઉસ્સા ફાકી મહામટનું સ્થાન લેશે.
ઓડિન્ગાને ઈસ્ટ આફ્રિકન કોમ્યુનિટી દેશોના વડા તેમજ અલ્જિરિયા, અંગોલા, સાઉથ આફ્રિકા અને નાઈજિરિયા સહિતના ઘણા દેશોનું સમર્થન પ્રાપ્ત છે. ઓડિન્ગા સામે દિબૂટીના ફોરેન મિનિસ્ટર મહમૂદ અલી યોસોફ, માડાગાસ્કરના પૂર્વ ફોરેન મિનિસ્ટર રિચાર્ડ જેમ્સ તેમજ મોરેસિયસના પૂર્વ ફોરેન મિનિસ્ટર અનિલ કુમારસિંઘ ગાયાન ઉમેદવારો છે. આફ્રિકન યુનિયનનો આગામી ટોપ એક્ઝિક્યુટિવ ઈસ્ટ આફ્રિકન ક્ષેત્રમાંથી જ આવશે કારણકે 2002માં બ્લોકની પુનઃરચના પછી ઈસ્ટ આફ્રિકાને કોઈ પ્રતિનિધિત્વ મળ્યું નથી.
• ટાન્ઝાનિયામાંથી આફ્રિકન રેલવે પ્રોજેક્ટ પસાર કરાશે
યુએસએ દ્વારા આફ્રિકન રેલવે પ્રોજેક્ટ લોબિટો કોરીડોરને ટાન્ઝાનિયા થઈ આગળ લઈ જવાની તૈયારી દર્શાવાઈ છે. લોબિટો કોરીડોર અંગોલાથી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો થઈને ઝામ્બીઆ સુધી પહોંચે છે હવે તેને ટાન્ઝાનિયા થઈને ભારતીય મહાસાગરના કાંઠે પહોંચાડાશે. આ રેલવે પ્રોજેક્ટ આફ્રિકન દેશોને ગ્લોબલ માર્કેટ સાથે સાંકળશે અને પ્રાદેશિક વેપાર અને આર્થિક વૃદ્ધિને ઉત્તેજન આપશે. યુએસ સરકાર યુરોપિયન યુનિયન, આફ્રિકન નાણાસંસ્થાઓ તેમજ અંગોલા, DRC અને ઝામ્બીઆની સરકારોના સપોર્ટ સાથે બેન્ગુએલા રેલવે લાઈનનું પુનઃનિર્માણ કરશે, જેનો ઉપયોગ આઝાદી પહેલાથી માલસામાન અને મિનરલ્સની નિકાસ માટે કરાતો હતો. આ પ્રોજેક્ટને યુએસ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન દ્વારા 250 મિલિયન ડોલરનું ફાઈનાન્સ મળી રહ્યું છે.
• કેન્યા 2034 સુધીમાં પ્રથમ ન્યૂક્લીઅર પાવર પ્લાન્ટ સ્થાપશે
યુએસ-આફ્રિકા ન્યૂક્લીઅર એનર્જી સમિટ આગામી સપ્તાહે યોજાનાર છે ત્યારે કેન્યાએ ભારતીય મહાસાગરના કાંઠે 2034માં તેના પ્રથમ ન્યૂક્લીઅર પાવર પ્લાન્ટના નિર્માણની જાહેરાત કરી છે. આશરે 500 બિલિયન કેન્યન શિલિંગ્સ (અંદાજે 3.5 બિલિયન યુરો)ના ખર્ચે 1000 મેગાવોટ પ્લાન્ટનું બાંધકામ 2027થી શરૂ કરાશે. કેન્યા હાલ તેની જરૂરિયાતના 90 ટકા ઊર્જાનું ઉત્પાદન જીઓથર્મલ, હાઈડ્રો-ઈલેક્ટ્રિક, વિન્ડ અને સોલાર પાવર જેવાં રિન્યુએબલ સ્રોતોમાંથી કરે છે.
• યુગાન્ડા કિંગફિશર ઓઈલ ફિલ્ડમાં ભયનું સામ્રાજ્ય
બિનનફાકારી સંસ્થા ક્લાઈમેટ રાઈટ્સ ઈન્ટરનેશનલ (CRI)ના રિપોર્ટમાં પૂર્વીય યુગાન્ડાના કિંગફિશર તેલક્ષેત્ર ખાતે વ્યાપક માનવાધિકાર ભંગ, પર્યાવરણીય નુકસાનનું વર્ણન કરવામાં આવ્યું છે. સંસ્થાએ જણાવ્યું છે કે તેલક્ષેત્ર ખાતે ભયનું સામ્રાજ્ય છવાયેલું છે. સંસ્થાએ કિંગફિશર ઓઈલ પ્રોજેક્ટને વધુ સપોર્ટ નહિ કરવા બેન્ક્સ, ફાઈનાન્સિયલ સંસ્થાઓ અને ઈન્સ્યુરર્સને અનુરોધ કર્યો છે. CRI અનુસાર કિંગફિશર પ્રોજેક્ટ એરિયામાં સૈનિકો દ્વારા ધાકધમકી, બળજબરીથી જાતીય હિંસા કરાઈ હોવાનું સંખ્યાબંધ સ્ત્રીઓએ જણાવ્યું છે. ટોટલએનર્જીની યુગાન્ડન સબસિડિયરી અને તેના કોન્ટ્રાક્ટર્સ દ્વારા ઓછાં વળતર માટે સંમત થવા ભારે દબાણ કરાઈ રહ્યું છે. કિંગફિશર પ્રોજેક્ટ ઈસ્ટ આફ્રિકા ક્રુડ ઓઈલ પાઈપલાઈન (EACOP) પ્રોજેક્ટનો હિસ્સો છે.
• સુદાનમાં બંધ તૂટી પડતા સેંકડોના મોતની ભીતિ
પોર્ટ ઓફ સુદાનની ઉત્તરે આવેલો અર્બાટ ડેમ ગત સોમવારે તૂટી પડવાથી સેંકડો લોકોના મોતની આશંકા છે. 20થી વધુ ગામ, શાળાઓ, હેલ્થ સેન્ટર્સ અને જાહેર સેવાઓ બંધના પાણીમાં વહી ગયા હતા. મહિનાઓ સુધીના ભારે વરસાદ અને પૂરના કારણે બંધ તૂટી પડ્યો હોવાનું સત્તાવાળાઓએ જણાવ્યું હતું. અત્યાર સુધી 130થી વધુ લોકોના શબ મળી આવ્યા હતા. લોકો સલામતી માટે પહાડોમાં નાસી છૂટ્યા હતા પરંતુ, ત્યાં ફસાઈ ગયા હતા. પૂરથી આશરે 27,000 ઘર નાશ પામ્યા છે અને 31,240 ઘરને નુકસાન પહોંચ્યું છે. સમગ્ર સુદાનમાં પૂર અને વરસાદના લીધે 317,000 થી વધુ લોકો વિસ્થાપિત થયા હતા.