નામિબિયામાં ગત સદીમાં સૌથી ભયાનક દુકાળ છે ત્યારે સરકારે ભૂખમરાગ્રસ્ત દેશવાસીઓના પેટ ભરવા હાથી, હિપોપોટેમસ, હરણ, સાબર અને ઝીબ્રા સહિત 700થી વધુ વન્ય પશુની કતલ કરવાનો નિર્ણય લીધો છે. આ પશુઓનું માંસ ભૂખમરાગ્રસ્ત લોકોમાં વહેંચવામાં આવશે. નામિબિયાના 1.4 મિલિયન લોકો અન્ન કટોકટી અનુભવી રહ્યા છે. સરકાર નેશનલ પાર્કસ તથા કોમ્યુનલ એરિયામાંથી 300 ઝીબ્રા, 100 બ્લૂ વાઇલ્ડર બિસ્ટ, 100 સાબર, 83 હાથી, 60 ભેંસ, 50 ઈમ્પાલા હરણ અને 30 હિપોપોટેમસ સહિત 723 વન્ય પશુની કતલ કરાવશે.
• કોંગોમાં જેલ તોડી નાસતાં 129 કેદી ઠાર
કોંગોની મકાલા સેન્ટ્રલ જેલમાં થોડાં કેદીઓએ જેલ તોડીને નાસવાનો પ્રયાસ કરતાં તેમને અટકાવવા કરાયેલા ગોળીબારમાં 129 કેદીના મોત થયા હતા. જોકે, સરકારે આ ઘટનામાં 24ને જીવલેણ ઈજા અને 59ને સામાન્ય ઈજા ઉપરાંત, કેટલીક મહિલા કેદી પર બળાત્કાર કરાયાનું જણાવ્યું હતું. કોંગોના પ્રમુખ ફેલિક્સ શિસેકડીના પેલેસથી પાંચ કિલોમીટરના અંતરે આવેલી મકાલા જેલમાં 1500ની ક્ષમતા સામે 12,000થી વધુ કેદી રખાયેલા છે.
• આફ્રિકામાં ચીન દ્વારા ધીરાણમાં ઉછાળો
ચીનના ધીરાણકારોએ ગયા વર્ષે આફ્રિકાને 4.61 બિલિયન ડોલરના મૂલ્યની લોન્સ મંજૂર કરી હતી જે 2016 પછી પ્રથમ વાર્ષિક વધારો સૂચવે છે. પ્રેસિડેન્ટ શી જિનપિંગના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવના પ્રતાપે આફ્રિકાને 2012-2018ના ગાળામાં ચીન પાસેથી 10 બિલિયન ડોલરથી વધુ લોન્સ મળી હતી. જોકે, 2020માં કોવિડ મહામારીના કારણે ધીરાણ નોંધપાત્રપણે ધીમું પડી ગયું હતું. ગયા વર્ષે આઠ આફ્રિકન દેશ અને બે આફ્રિકન મલ્ટિલેટરલ લેન્ડર્સને સાંકળતા 13 લોન સોદા થયા હતા. ગયા વર્ષે સૌથી મોટું આશરે એક બિલિયન ડોલરનું ધીરાણ કાડુનાથી કોનો રેલવે માટે નાઈજિરિયાને ચાઈના ડેવલપમેન્ટ બેન્ક મારફત અપાયું હતું.
• યુએસના હત્યારાનું કેન્યા દ્વારા પ્રત્યર્પણ
યુએસના મેસેચ્યુસેટ્સમાં ગર્લફ્રેન્ડ માર્ગારેટ એમબિટુની હત્યાના આરોપી કેન્યન કેવિન આદમ કિન્યાન્જુઈ કાંગેથેનું કેન્યા દ્વારા પ્રત્યર્પણ કરવામાં આવ્યું છે. કોર્ટે જુલાઈ મહિનામાં જ તેનો દેશનિકાલ-પ્રત્યર્પણ આદેશ પસાર કર્યો હતો. કાંગેથેને પહેલી સપ્ટેમ્બર રવિવારે નાઈરોબી એરપોર્ટથી યુએસ મોકલી દેવાયો હતો. બોસ્ટનમાં સફોક સુપિરિયર કોર્ટમાં તેના વિરુદ્ધ ખટલો ચલાવાશે. કાંગેથે તેની અમેરિકી નાગરિકતા છોડી એક વર્ષ પહેલા કેન્યા નાસી આવ્યો હતો. ગત 31 ઓક્ટોબરે બોસ્ટનના લોગાન ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે એક કારમાં માર્ગારેટ એમબિટુનો મૃતદેહ મળી આવ્યો હતો. કાંગેથે પાસેથી માર્ગારેટની અંગત ચીજવસ્તુઓ પણ મળી આવી હતી.
• ઘાનામાં કોકો ખેડૂતોને વધુ ભાવ મળશે
ઘાના સરકાર કોકોના ખેડૂતોને 2024-25ની પાકની સીઝન માટે સરકારી ખાતરીના ભાવ લગભગ 45 ટકા વધારવાની યોજના ધરાવે છે. જો ભાવ વધારાશે તો ખેડૂતોને સતત બીજો ભાવવધારો મળશે. ઘાનાએ વર્ષની શરૂઆતમાં ખેડૂતો માટે કોકોના ભાવમાં 25 ટકાનો વધારો કરી આપ્યો હતો જેનાથી તેઓને પ્રતિ ટન 33120 ઘાના સેડિશ (આશરે 2,499 યુએસ ડોલર)નો ભાવ મળ્યો હતો. આ પગલું ખેડૂતોને ઉત્પાદન વધારવાને પ્રોત્સાહન તેમજ કોકો બીજની દેશમાંથી સ્મગલિંગ અટકાવવામાં મદદરૂપ થશે તેમ મનાય છે. ઘાના સિવિલ સોસાયટીએ દેશના કોકો રેગ્યુલેટરને લઘુતમ ફાર્મ-ગેટ પ્રાઈસ પ્રતિ ટન 3662 યુએસ ડોલર સુધી વધારવા હાકલ કરી હતી.