ડચેસ ઓફ એડિનબરા સોફીએ ટાન્ઝાનિયાની મુલાકાત દરમિયાન કિંગનો સંદેશો પાઠવ્યો હતો. સોફી ઈન્ટરનેશનલ એજન્સી ફોર ધ પ્રીવેન્શન ઓફ બ્લાઈન્ડનેસના ગ્લોબલ એમ્બેસેડર છે. યુકે અને આફ્રિકન દેશો વચ્ચે હેલ્થ, એગ્રિકલ્ચર અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રોમાં સહકારની ઊજવણીમાં ભાગ લેવા ટાન્ઝાનિયાની મુલાકાતે આવ્યા હતા. અહીંથી તેઓ ઝાંઝીબાર અને આરુષાની મુલાકાતે ગયાં હતાં. તેમણે ટાન્ઝાનિયાના પ્રેસિડેન્ટ સામીઆ સુલુહુ હાસન અને ઝાંઝીબારના પ્રેસિડેન્ટ ડો. હુસૈન અલી મ્વિન્યી સાથે મુલાકાત કરી હતી.
• ઝિમ્બાબ્વેમાં લોકોનું પેટ ભરવા 200 હાથીની કત્લ કરાશે
આફ્રિકન દેશોમાં દુષ્કાળના કારણે ખોરાકની ભારે અછત વર્તાય છે ત્યારે ઝિમ્બાબ્વેની સરકારે તેના નાગરિકોનું પેટ ભરવા માટે 200 હાથીઓને મારી નાખવાનું ફરમાન જાહેર કર્યું છે. હાથીઓની વસ્તી વધારે હોય તેવા વિસ્તારોમાં હાથીઓનો શિકાર કરાશે. હાથીઓનો શિકાર કરવા માટે જરૂરિયાતમંદ સમુદાયોને પરમિટ આપવામાં આવશે. હવાન્ગે નેશનલ પાર્કમાં 15,000ની ક્ષમતા સામે 45,000 હાથીની વસ્તી છે. સમગ્ર ઝિમ્બાબ્વેમાં એક લાખ હાથી છે, જે નેશનલ પાર્ક્સની ક્ષમતા કરતા બમણા છે. અગાઉ, નામિબિયામાં પણ 83 હાથી સહિત 723 જંગલી પ્રાણીની હત્યા કરવાનો નિર્ણય અમલી બનાવાયો છે.
• ટાન્ઝાનિયામાં 3 વિપક્ષી નેતાની ધરપકડ
ટાન્ઝાનિયાની પોલીસે દાર-એસ-સલામમાં સરકારવિરોધી દેખાવોને અટકાવવા સોમવાર 23 સપ્ટેમ્બરે ત્રણ વિપક્ષી નેતાની ધરપકડ કરી હતી. પોલીસે વિરોધદેખાવોને આવરી લેનારા ત્રણ જર્નાલિસ્ટ્ને પણ કસ્ટડીમાં લઈ પછી છોડી દીધા હતા. મુખ્ય વિરોધપક્ષ CHADEMA ના ચેરમેન ફ્રીમેન એમબોવેની રસ્તામાં જ અટકાયત કરાઈ હતી જ્યારે તેમના ડેપ્યુટી ટુન્ડુ લિસ્સુને ઘરમાંથી પકડી લેવાયા હતા. એમબોવે, લિસ્સુ અને પાર્ટીના અન્ય નેતાઓને પાછળથી જામીન પર મુક્ત કરાયા હતા
• લાખો સુદાનીઝ માટે ખોરાક અને રાહત પહોંચાડાઈ
યુએસની મધ્યસ્થી સાથે સુદાન શાંતિમંત્રણામાં મળેલી આંશિક સફળતાના પરિણામે લાખો ભૂખ્યા સુદાની નાગરિકોને માનવતાવાદી રાહત સુલભ બની શકશે. યુદ્ધ કરી રહેલા સુદાનીઝ આર્મ્ડ ફોર્સીસ અને રેપિડ સપોર્ટ ફોર્સીસ વચ્ચે લડાઈ ચાલુ રહેશે પરંતુ, ચાડથી સુદાન જતી આડ્રે બોર્ડર ખોલવા સહમતિ સધાઈ હતી. આના પરિણામે 20 મિલિયન સુદાની નાગરિકોને જીનનરક્ષક ખોરાક, દવાઓ તથા અન્ય મહત્ત્વની સહાય પહોંચાડી શકાશે. આડ્રે બોર્ડરથી લગભગ 55,000 લોકોને પૂરતો થઈ રહે તેટલો 630 મેટ્રિક ટનથી વધુ ખોરાક સાથેની ટ્રક્સ રવાના થઈ છે.