કેન્યામાં બ્રિટિશ લશ્કરી થાણાના દળો દ્વારા ગેરવર્તન, હત્યા અને યોનશોષણ-બળાત્કાર સહિતના આક્ષેપોની તપાસ બ્રિટિશ આર્મી કરશે. સૈનિક દ્વારા કથિત હત્યા કરાયેલી મહિલાના પરિવારજનોને ડિફેન્સ સેક્રેટરી જ્હોન હિલી મળશે તેવા પણ અહેવાલ છે. બ્રિટિસ આર્મી ટ્રેનિંગ યુનિટ કેન્યા (BATUK)માં પોસ્ટિંગ ધરાવતા લશ્કરી કર્મચારીઓના વર્તન સામે આક્ષેપોની ભરમાર છે. બ્રિટિસ સૈનિકો દ્વારા 13 વર્ષની વયની કુમળી બાળાઓ ઉપરાંત, અનેક મહિલાઓ પર બળાત્કાર કરાયાના પણ આક્ષેપો થયા છે.
બ્રિટિશ ડિફેન્સ સેક્રેટરીએ આ મુદ્દે ચીફ ઓફ જનરલ સ્ટાફ સાથે પણ ચર્ચા કરી હતી. અગાઉની બ્રિટિશ સરકારે લશ્કરી સૈનિકો પર વિદેશમાં નાણા ખર્ચી સેક્સ માણવા સામે પ્રતિબંધ લાદ્યો હતો અને તેનો ભંગ કરાય તો સેવામાંથી બરતરફીનો પણ હુકમ હતો પરંતુ, તેનો સતત ભંગ થઈ રહ્યો હોવાના અહેવાલો છે.
• સાઉથ આફ્રિકામાં માસ શૂટઆઉટઃ 17ના મોત
દક્ષિણપૂર્વ સાઉથ આફ્રિકાના ઇસ્ટર્ન કેપ પ્રાંતના ગ્રામીણ વિસ્તાર લ્યુસિકિસિકી ખાતે માસ શૂટઆઉટની બે ઘટનામાં 15 મહિલા અને બે પુરુષ સહિત 17ના મોત થયા છે. એક ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસે જણાવ્યા મુજબ પડોશમાં બે ઘર વચ્ચે ગોળીબારની ઘટના બની હતી. એક મકાનમાં 12 મહિલા અને એક વ્યક્તિ તથા બીજા ઘરમાં ત્રણ મહિલા અને એક વ્યક્તિ માર્યાં ગયાં હતાં. પોલીસે આરોપીના ઇરાદા અંગેની વિગત જાહેર કરી નથી અને શકમંદોની તલાશ જારી છે. વિશ્વમાં ઊંચા ગુનાખોરી દર માટે સાઉથ આફ્રિકા જાણીતું છે.
• યુગાન્ડામાં ગર્ભપાત કાયદાઓનો વિરોધ
યુગાન્ડામાં ગર્ભપાત ગેરકાયદે છે. કાયદાનો ભંગ કરવા બદલ જેલની સજા હોવાના પરિણામે, ઘણા લોકો અસુરક્ષિત પદ્ધતિઓ અપનાવે છે. કાયદા હેઠળ ગર્ભપાત કરાવનારી સગર્ભા અને ડોક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે છે. કમ્પાલાસ્થિત નોનપ્રોફિટ કાનૂની સંસ્થા વિમેન્સ પ્રોબોનો ઈનિશિયેટિવના લોયર્સની ટીમ યુગાન્ડાના એબોર્શન કાયદાને પડકારવા અને હેલ્થકેર સેવાની પહોંચને વિસ્તૃત બનાવવા જંગ ખેલી રહ્યા છે. યુગાન્ડાના કેમ્પેઈનરોએ 28 સપ્ટેમ્બરે ઈન્ટરનેશનલ સેફ એબોર્શન ડેની ઊજવણી કરી હતી. યુગાન્ડા નેટવર્ક ઓફ સેક્સવર્કર -લેડ ઓર્ગેનાઈઝેશન્સ દ્વારા 27 સપ્ટેમ્બરે અસુરક્ષિત ગર્ભપાતોથી મોતને ભેટેલી સ્ત્રીઓની યાદમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.
• રવાન્ડાની સશસ્ત્ર જૂથોને સહાયઃ કોંગોનો આક્ષેપ
ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોએ ઈસ્ટ આફ્રિકન કોર્ટ ઓફ જસ્ટિસ સમક્ષ કેસમાં રવાન્ડા સશસ્ત્ર જૂથોને સહાય કરતું હોવાનો આક્ષેપ લગાવ્યો છે. કોંગોના પૂર્વ વિસ્તારમાં બળવાકોરોને મદદ કરવા રવાન્ડા સૈનિકો મોકલતું હોવાની રજૂઆત પણ કોંગોએ કરી હતી. પૂર્વ DRCમાં સૌથી શક્તિશાળી M23 જૂથ સહિત120થી વધુ સશસ્ત્ર જૂથો સત્તા, જમીન અને બહુમૂલ્ય ખનિજપ્રદેશો પર કબજો જમાવવા લડતા હોવાતી અસ્થિરતા અને અરાજકતા વ્યાપી છે. યુએન નિષ્ણાતો અનુસાર રવાન્ડા સરકારના 3000થી 4000 સૈનિકો પૂર્વ DRCમાં ગોઠવાયેલા છે.