નાઈરોબીઃ કેન્યાની હાઈ કોર્ટે તમામ 50 ચીફ એડમિનિસ્ટ્રેટિવ સેક્રેટરીઝ (CSAs)ની નિયુક્તિને ગેરબંધારણીય ઠેરવતા પ્રેસિડેન્ટ વિલિયમ રુટોને બીજો આંચકો લાગ્યો છે. અગાઉ હાઈ કોર્ટે ફાઈનાન્સ બિલ 2023ના અમલને અટકાવી દીધો હતો. ત્રણ જજની બેન્ચની બહુમતીએ જણાવ્યું હતું કે પ્રજાની પૂરતી હિસ્સેદારી નથી. બંધારણના ઘડવૈયાઓએ કલ્પના કરી ન હતી કે 50 ચીફ એડમિનિસ્ટ્રેટિવ સેક્રેટરીઝ 22 કેબિનેટ સેક્રેટરીના પ્રતિનિધિ બની રહેશે.
નેશનલ એસેમ્બલીએ ચીફ એડમિનિસ્ટ્રેટિવ સેક્રેટરીઝની ચકાસણી કરવાની બંધારણીય સત્તા પોતાની પાસે નહિ હોવાનું જણાવ્યા પછી પ્રેસિડેન્ટ રુટોએ 23 માર્ચ 2023ના રોજ CSAs ને હોદ્દાના શપથ લેવડાવ્યા હતા. શોર્ટલિસ્ટ કરાયેલા 240 ઉમેદવારમાંથી 50ની પસંદગી કરાઈ હતી. લો સોસાયટી ઓફ કેન્યા અને કાટિબા ઈન્સ્ટિટ્યૂટે પ્રેસિડેન્ટના પગલાને પડકારતા જણાવ્યું હતું કે કાયદા અનુસાર તેમને 50 નહિ પરંતુ, 23 CSAની નિયુક્તિનો જ અધિકાર છે. પબ્લિક સર્વિસ કમિશને 23 જગ્યા ખાલી હોવાની જાહેરાત કરી હતી. જોકે, એક જજ લેડી જસ્ટિસ હેડવિગ ઓન્ગુડી અન્ય બે જજ જસ્ટિસ કાન્યી કિમોન્ડો અને જસ્ટિસ અલી વિસરામના નિયુક્તિઓ ગેરબંધારણીય ઠરાવતા ચુકાદા સાથે સહમત થયાં ન હતાં.
યુગાન્ડાના પોલીસ ડોગ્સે 6800 અપરાધી પકડાવ્યા
કમ્પાલાઃ યુગાન્ડાના પોલીસ સ્નિફર શ્વાનોએ જાન્યુઆરીથી મે 2023 સુધીના 6 મહિનાના ગાળામાં 6843 અપરાધીને પકડાવવામાં મદદ કરી છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું છે કે પાંચ મહિના પહેલા તમામ ડિસ્ટ્રિક્ટસ અને પ્રદેશોમાં સ્નિફર શ્વાનોની ગોઠવણી પછી ભારે સફળતા મળી છે. આ ગાળામાં પોલીસે 8,563 ગુનાની શોધ શરૂ કરી હતી. શ્વાનોએ પકડાવેલા અપરાધીઓમાં 5,686 પુરુષ, 717 સ્ત્રી, 88 સગીર છોકરીઓ અને 352 સગીર છોકરાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 2,883 એક્ઝિબિટ્સ મળ્યા હતા અને 2,463 શકમંદો કોર્ટમાં રજૂ કરી શકાયા હતા. યુગાન્ડાના પોલીસદળોએ નાર્કોટિક્સ અને વિસ્ફોટકો શોધવા માટે પણ સ્નિફર ડોગ્સનો ઉપયોગ કર્યો હતો.
સુદાનના ઓમડુરમેનમાં એર રેડમાં 22 ના મોત
ખાર્તૂમઃ નોર્થ આફ્રિકાના દેશ સુદાનની રાજધાની ખાર્તૂમની પાસે ઓમડુરમેન શહેરમાં 8 જુલાઈ, શનિવારે હવાઈ હુમલો કરવામાં આવ્યો, જેમાં 22 લોકોનાં મોત નીપજ્યાં છે અને અનેક લોકો ઘાયલ થયા છે. આ હુમલો શહેરી વિસ્તારમાં થયેલા હુમલામાં સૌથી ખતરનાક મનાય આવે છે. પેરામિલિટરી ફોર્સ આરએસએફ દ્વારા સુદાન મિલિટરી ફોર્સને આ હુમલાની જવાબદાર ગણાવાય છે. આરએસએફના જણાવ્યા મુજબ આ હુમલામાં 31 નાગરિકોનાં મોત થયાં છે. સેનાએ રેસિડેન્શિયલ વિસ્તારને નિશાન બનાવ્યો હતો. સુદાનના આર્મી જનરલ અબ્દેલ ફતેહ અલ બુરહાન આતંકી હુમલા કરાવીને દેશની જનતાને નિશાન બનાવી રહ્યા છે. સુદાનમાં છેલ્લા 3 મહિનાથી મિલિટરી અને પેરામિલિટરી ફોર્સ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે.
સાઉથ સુદાનમાં 2024ના ડિસેમ્બરમાં ચૂંટણી
જોહાનિસબર્ગઃ સાઉથ સુદાનના પ્રેસિડેન્ટ સાલ્વા કિરે 2024ના ડિસેમ્બરમાં ચૂંટણી યોજવાનું નિશ્ચિત હોવાની જાહેરાત કરી હતી અને તેની સાથે તેઓ પ્રમુખપદ માટે ઉમેદવારી કરવાના છે તેમ પણ જણાવ્યું હતું. સાઉથ સુદાનમાં ફેબ્રુઆરી 2023માં સામાન્ય ચૂંટણી યોજાવાની હતી પરંતુ, પ્રેસિડેન્ટ કિર અને વાઈસ પ્રેસિડેન્ટ રિક માચર વચ્ચે સમજૂતીની મહત્ત્વની શરતો પૂર્ણ થઈ શકી ન હતી. પ્રમુખ કિર સાઉથ સુદાન 2011માં સુદાનથી આઝાદ થયું ત્યારથી પ્રમુખપદ સંભાળે છે. કિર અને માહેરે 2018માં સંયુક્ત સરકાર રચવા સમજૂતી કરી હતી અને 2020ના ફેબ્રુઆરીમાં સરકાર રચના કરાઈ હતી. જોકે, નેશનલ ઈલેક્શન્સ એક્ટ સહિત નવા બંધારણની રચના થઈ શકી નહોવાથી સરકારની મુદત ડિસેમ્બર2024 સુધી લંબાવાઈ છે.
જોહાનિસબર્ગમાં ઝેરી ગેસ લીક થતાં 16ના મોત
જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગના પૂર્વ વિસ્તારના બોક્સબર્ગ ટાઉનની એન્જેલો વસાહતમાં બુધવાર 5 જુલાઈની રાત્રે ઝેરી નાઈટ્રેટ ગેસ લીક થવાના પરિણામે ત્રણ બાળકો સહિત 16 વ્યક્તિના મોત નીપજ્યા હતા. આ ઘટના શંકાસ્પદ ગેરકાયદે ખાણકામ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી હોઈ શકે છે. આ વસાહતમાં ગેરકાયદે ખાણકામ કરનારાઓ નાઈટ્રેટ ગેસની મદદથી સોનાનાં શુદ્ધિકરણની પ્રોસેસ કરે છે. એન્જેલો સ્ક્વોટર કેમ્પના યાર્ડમાં એક ગેસ સિલિન્ડરમાં લીકેજ થયું હોવાનુ રાત્રે 8 વાગ્યે જણાયું હતું. અગાઉ, બાળકો અને મહિલાઓ સહિત ઓછામાં ઓછા 24 લોકોના મોત થયાના અહેવાલ હતા પરંતુ, મૃતદેહોની ગણતરીમાં 16નો આંકડો હોવાનું પોલીસે જાહેર કર્યું હતું.
કેન્યા સોમાલિયા સાથેની સરહદો નહિ ખોલે
નાઈરોબીઃ સોમાલિયાની ધરતી પરથી અલ-શાબાબ ઈસ્લામિસ્ટ્સ ત્રાસવાદી સંગઠન દ્વારા કરાઈ રહેલા હુમલાઓના કારણે તેની સાથેની સરહદો ખોલવાના મે મહિનાના નિર્ણયને કેન્યાએ મુલતવી રાખવાની જાહેરાત કરી છે. ઈન્ટિરિયર મિનિસ્ટર કિથુરે કિન્ડિકીએ જણાવ્યું હતું કે માન્ડેરા, લામુ અને ગેરિસ્સા બોર્ડર તબક્કાવાર ખોલવાના નિર્ણયનો હાલ અમલ કરી શકાય તેમ નથી. ગયા મહિને સરહદ નજીક અલ-કાયદા સાથે સંકળાયેલા ત્રાસવાદી સંગઠન અલ-શાબાબ દ્વારા હુમલાની અલગ અલગ ઘટનામાં પાંચ નાગરિક અને આઠ પોલીસ અધિકારી માર્યા ગયા હતા. અગાઉ, અલ-શાબાબના હુમલાઓના કારણે જ ઓક્ટોબર 2011થી સરહદો સત્તાવારપણે બંધ કરાઈ હતી. બંને દેશોએ જુલાઈ 2022માં સરહદો ખોલવાના ઈરાદાને જાહેર કર્યો હતો અને 15 મેએ સરહદો તબક્કાવાર ખોલવાની જાહેરાત કરી હતી.
ઝિમ્બાબ્વેમાં ચાઈનીઝ લિથિયમ પ્રોસેસિંગ પ્લાન્ટ
હરારેઃ વિશ્વભરમાં ઈલેક્ટ્રિક કાર બેટરીઝમાં લિથિયમનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે ચાઈનીઝ માઈનિંગ કંપની જેઝિયાંગ હુઆયુહ કોબાલ્ટની ગૌણ કંપની પ્રોસ્પેક્ટ લિથિયમ ઝિમ્બાબ્વે દ્વારા 300 મિલિયન ડોલરનો લિથિયમ પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરાયો છે. ગોરોમોન્ઝી ખાતે બુધવાર પાંચ જુલાઈએ પ્લાન્ટનું સત્તાવાર ઉદ્ઘાટન કરાયું ત્યારે ઝિમ્બાબ્વેના પ્રેસિડેન્ટ એમર્સન મ્નાન્ગાગ્વા પણ ઉપસ્થિત રહ્યા હતા. સાઉથ આફ્રિકન દેશ ઝિમ્બાબ્વે વિશ્વમાં લિથિયમ ધાતુની સૌથી મોટી અનામતો ધરાવતા દેશોમાં એક છે અને આફ્રિકામાં સૌથી મોટી લિથિયમ અનામત ધરાવે છે. આ પ્લાન્ટ દર વર્ષે 4.5 મિલિયન મેટ્રિક ટન હાર્ડ રોક લિથિયમનું પ્રોસેસિંગ કરવાની ક્ષમતા સાથે લિથિયમની નિકાસ કરશે. તેમાંથી ઝિમ્બાબ્વેની બહાર બેટરી ગ્રેડ લિથિયમનું પ્રોસેસિંગ કરાશે.
યુગાન્ડા 200 મિલિયન લોકોને ખવડાવી શકે છેઃ મુસેવેની
કમ્પાલાઃ યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેનીએ જણાવ્યું છે કે યુગાન્ડાનું કૃષિક્ષેત્ર ઘણું સમૃદ્ધ બની રહ્યું છે. તે ફળફળાદિ અને વેજિટેબલ્સથી માંડી માંસ, ડેરી ઉત્પાદનો, અનાજ, નટ્સ અને જરૂરી વેજિટેબલ ઓઈલ્સ સહિત કોઈ પણ કૃષિપેદાશનું ઉત્પાદન કરી શકે છે. તેમણે કહ્યું હતું કે દેશનું પ્રાઈવેટ સેક્ટર પ્રાદેશિક અને વિશ્વના લોકોને ખવડાવવા સુગઠિત કોમર્શિયલ ફાર્મિંગને વધારી રહ્યું છે. યુગાન્ડાની વસ્તી માત્ર 45 મિલિયનની છે પરંતુ, ફળદ્રૂપ જમીનો અને અમારા યુવાવર્ગમાં વધી રહેલી ટેકનિક્લ જાણકારી સાથે 200 મિલિયન અને તેથી વધુ લોકોને ખવડાવી શકવાની ક્ષમતા ધરાવીએ છીએ.
ટાન્ઝાનિયામાં દાયકાઓ પછી રાત્રિ બસપ્રવાસ ફરી શરૂ
દારેસલામઃ ટાન્ઝાનિયામાં 1990ના દાયકામાં રાત્રિ બસપ્રવાસ પર લગાવાયેલો પ્રતિબંધ ઉઠાવી લેવાયો છે. પ્રાઈમ મિનિસ્ટર કાસિમ માજાલિવાએ નાગરિકો માટે સલામત અને વધુ કાર્યક્ષમ પ્રવાસ વિકલ્પો આપવાની પ્રતિબદ્ધતા સાથે આ નિર્ણયની જાહેરાત કરી હતી. માર્ગ અકસ્માતો અને બસ હાઈજેકિંગ ઘટનાઓમાં વધારો થવાના કારણોસર આ પ્રતિબંધ લદાયો હતો. સુરક્ષા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા તેમજ ટ્રાન્સપોર્ટ સેક્ટરના વિવિધ હિસ્સેદારો તરફની સૂચનો પર વિચારણા બાદ આ પગલું લેવાયું છે.