નાઈરોબીઃ કેન્યા નાણાકીય તરલતા અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે ત્યારે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા તેને એક બિલિયન ડોલર (0.93 બિલિયન યુરો)ની લોન આપવા જાહેરાત કરાઈ છે. કેન્યાના અર્થતંત્ર પર 70 બિલિયન ડોલર (આશરે 65બિલિયન યુરો)નું ઋણ છે અને ડોલર સામે તેના ચલણ શિલિંગ્સનું ભારે અવમૂલ્યન થયું છે.
પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ આ દેવું ઘટાડવા 289 બિલિયન શિલિંગ્સના નવા ટેક્સીસ સાથેનું 3.6 ટ્રિલિયન શિલિંગ્સનું 2023/24નું બજેટ તૈયાર કર્યું છે. કેન્યાને અપાનારી લોન વિશે IMF એક્ઝિક્યુટિવ બોર્ડની જુલાઈ બેઠકમાં બહાલી મળવાની સાથે જ કેન્યાને 410 મિલિયન ડોલર મળવાપાત્ર થશે. IMF દ્વારા જણાવાયું હતું કે કેન્યાને નાણાસહાય માટે તેની કટિબદ્ધતા વધીને કુલ 3. 52 બિલિયન ડોલર (આશરે 3.2બિલિયન યુરો) થશે. નાણાસંસ્થાએ કેન્યા સત્તાવાળાઓને ખોટ ખાતાં જાહેર ક્ષેત્રના એકમો અને ખાસ કરીને નેશનલ ઈલેક્ટ્રિસિટી પ્રોવાઈડર કેન્યા પાવર અને કેન્યા એરવેઝના વહીવટને સુધારવા અનુરોધ કર્યો છે.
કેન્યામાં ચીનના સાઈબર હુમલાથી ચિંતા
નાઈરોબીઃ કેન્યાના સૌથી મોટા લેણદાર ચીન દ્વારા સરકારી નેટવર્ક્સ પર કથિત સાઈબર હુમલાના અહેવાલોના પગલે દેશની સિસ્ટમ્સની સુરક્ષા બાબતે ચર્ચા જાગી છે. કેન્યાના સંખ્યાબંધ પ્રોજેક્ટ્સમાં ચીને ફાઈનાન્સ કર્યું છે. ચીન પોતાના દેવાંદારો પર જાસૂસી કરી રહ્યું હોવાના અહેવાલોએ દેશની સિસ્ટમ્સની સાઈબરસિક્યુરિટીની ક્ષમતા અને આવા હુમલાઓનો જવાબ વાળવાની તૈયારી વિશે કેન્યાવાસીઓમાં આશંકા સર્જાઈ છે. જોકે, કેન્યાસ્થિત ચીનની એમ્બેસીએ અહેવાલોને વાહિયાત ગણાવી નકારી કાઢતા જણાવ્યું હતું કે હેકિંગ દરેક દેશ માટે સમાન ધમકી છે અને ચીન પણ સાયબરએટેકનો શિકાર બન્યું છે. ચીન અને કેન્યાના સંબંધો પારસ્પરિક આદરના ધોરણસરનાં છે
રોઈટર્સના અહેવાલ મુજબ દેવું વધી રહ્યું છે ત્યારે છેક 2019થી ચાઈનીઝ હેકર્સે કેન્યા સરકારના ચાવીરુપ મંત્રાલયો અને સરકારી સંસ્થાઓને નિશાન બનાવી છે. પ્રેસિડેન્ટ વિલિય રુટોએ શાસન સંભાળ્યા પછી કેન્યાએ ચીન પાસેથી કરજ ઘટાડવાનું શરૂ કર્યું છે. બીજી તરફ, કોવિડ -19 પછી આફ્રિકન દેશોનાં વધતાં દેવાંના કારણે લેણદાર ચીન પણ ધીરાણમાં સાવધાની રાખે છે. કેન્યા માટે વર્લ્ડ બેન્ક પછી ચીન સૌથી મોટું લેણદાર છે. જાન્યુઆરીના અંત સુધીમાં કેન્યાનું બાહ્ય દેવું 34 બિલિયન ડોલરનું હતું જેનો છઠ્ઠો ભાગ એટલે કે 6.31બિલિયન ડોલર (5.8બિલિયન પાઉન્ડ) ચીનના કરજનો છે.
ટેક્સ એજન્સીમાં ભ્રષ્ટાચારઃ પ્રેસિડેન્ટ રુટોનો આક્ષેપ
નાઈરોબીઃ પ્રેસિડેન્ટ વિલિયમ રુટોના શાસનમાં દેવાંની પુનઃ ચૂકવણીમાં વધારો, રેવન્યુ વસુલાતમાં ઘટાડો તેમજ પાયારુપ ચીજવસ્તુઓના આસમાને ગયેલા ભાવના લીધે કેન્યાનું અર્થતંત્ર લગભગ ભાંગી પડ્યું છે. આ સંદર્ભે પ્રેસિડેન્ટ રુટોએ તેમના સોશિયલ મીડિયા પેજ પર આક્ષેપ કર્યો છે કે કેન્યા રેવન્યુ ઓથોરિટીમાં બેફામ લાંચ અને ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ આચરાય છે. ટેક્સ નહિ ભરનારા સાથે સ્ટાફનું મેળાપીપણું દેખાઈ આવે છે. આની સીધી અસર ટેક્સની વસૂલાત પર થાય છે. મે 2019માં ટેક્સચોરીમાં મદદ અને લાંચની શંકાએ ટેક્સ ઓથોરિટીના 75 કર્મચારીની ધરપકડ કરાઈ હતી. ટેક્સ એજન્સીએ આક્ષેપનો કોઈ જવાબ વાળ્યો ન હતો.