કમ્પાલાઃ યુગાન્ડામા યુએન હ્યુમન રાઈટ્સ સંસ્થાની ઓફિસે કામકાજ બંધ કરી દેવાથી માનવાધિકાર કર્મશીલો અને સંસ્થાઓએ યુગાન્ડાના પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેની પર ભારે પસ્તાળ પાડી સરકારના નિર્ણયને શરમજનક ગણાવ્યો છે. યુએન હ્યુમન રાઈટ્સ સંસ્થાએ રાજધાની કમ્પાલામાં મુખ્ય ઓફિસ બધ કરી છે. અગાઉ, યુએન એજન્સી સાથે એગ્રીમેન્ટ રીન્યુ નહિ કરવાના સરકારના નિર્ણયના પગલે ગુલુ અને મોરોટોની બે ફિલ્ડ ઓફિસોએ કામકાજ બંધ કરી દીધુ છે.
યુએન હાઈ કમિશનર ફોર હ્યુમન રાઈટ્સ વોકર તુર્કે દિલગીરી સાથે ઓફિસો બંધ કરવાની જાહેરાત કરી કહ્યુ હતુ કે એજન્સીએ યુગાન્ડામાં તમામ યુગાન્ડાવાસીઓ માટે માનવ અધિકારોના રક્ષણ અને પ્રમોશન માટે 18 વર્ષ કામ કર્યું હતું. યુગાન્ડામાં પ્રમુખ મુસેવેની ફરી ઉમેદવારી કરવાના છે તેવી 2026ની ચૂંટણીઓ પહેલા માનવ અધિકારોની પરિસ્થિતિ વિશે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. યુગાન્ડામાં કાર્યરત 54 બિનસરકારી સંસ્થાઓમાંથી મોટા ભાગની સંસ્થાનું કામકાજ મનસ્વીપણે ઓગસ્ટ 2021થી બધ કરી દેવાયું છે.
યુએન દ્વારા 26 જુલાઈના રિપોર્ટમાં યુગાન્ડામાં રાજકીય વિરોધીઓ, પત્રકારો, વકીલો, માનવાધિકાર સંરક્ષકોની મનસ્વી ધરપકડ અને અટકાયતો તેમજ જાતીય પસંદગી અને લૈંગિક ઓળખ પર આધારિત દમનના અહેવાલો વિશે ચિંતા વ્યક્ત કરાઈ છે.
સાઉથ આફ્રિકાના પૂર્વ પ્રમુખ જેકોબ ઝૂમા જેલમુક્ત
જોહાનિસબર્ગઃ ભ્રષ્ટાચારના અપરાધો બદલ જેલ કરાયેલા સાઉથ આફ્રિકાના પૂર્વ પ્રમુખ જેકોબ ઝૂમાને જેલમુક્ત કરી દેવાયા છે. ઝૂમાને એસ્ટકોર્ટ કરેક્શનલ સેન્ટરમાં દાખલ કરાયા હતા અને માત્ર બે કલાકથી ઓછાં સમયમાં મુક્ત કરાયા હતા. ઝૂમાની જેલમુક્તિ જેલો ભરચક થઈ જતા જેલસુધારણા કાર્યક્રમ હેઠળ થઈ છે. બિનહિંસક ગુનેગારોને મુક્ત કરવાના કાર્યક્રમનો તત્કાળ લાભ પૂર્વ પ્રમુખને મળ્યો છે. તાજેતરમાં દેશની સુપ્રીમ કોર્ટ ઓફ અપીલ દ્વારા ઝૂમાને 2021માં મેડિકલ પેરોલ હેઠળ જેલમુક્ત કરાયાને ગેરકાયદે અને ગેરબંધારણીય ઠેરવી જેલમાં પરત મોકલવા હુકમ કરાયો હતો. જેલસુધારણા કાર્યક્રમ હેઠળ આશરે 9,500 કેદીને મુક્ત કરાનાર છે અને તેમને કરેક્શનલ દેખરેખ હેઠળ મૂકાશે.
ઝિમ્બાબ્વેમાં 23 ઓગસ્ટે સામાન્ય ચૂંટણી
હરારેઃ ઝિમ્બાબ્વેમાં 23 ઓગસ્ટે પ્રમુખપદ, લેજિસ્લેચર અને મ્યુનિસિપલ કાઉન્સિલ્સ માટે સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. રાજકીય પક્ષો વચ્ચે ઝિમ્બાબ્વેની આર્થિક પરિસ્થિતિ, ભ્રષ્ટાચાર, ગરીબી, ફૂગાવો તેમજ યુએસ અને યુરોપિયન પ્રતિબંધોના ચાવીરૂપ મુદ્દાઓ છે.
15 મિલિયનની વસ્તી ધરાવતા દેશમાં વર્તમાન પ્રમુખ એમર્સન મ્નાનગાગ્વા (ઝિમ્બાબ્વે ઓફ્રિકન નેશનલ યુનિયન-પેટ્રિઓટિક યુનિયન) બીજી મુદત માટે સત્તા હાંસલ કરવા તત્પર છે જ્યારે નેલ્સન ચામિસા (સિટિઝન્સ કોએલિશન ફોર ચેઈન્જ) તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી છે. 2018માં પણ આ બંને નેતા વચ્ચે જ મુખ્ય હરીફાઈ હતી. મ્નાનગાગ્વાની પાર્ટી 43 વર્ષથી શાસનમાં છે.
ઝિમ્બાબ્વે ઈલેક્ટોરલ કમિશને પ્રમુખપદના ઉમેદવાર તરીકે કુલ 11 નેતાને માન્ય રાખ્યા છે જેમણે બેલેટ પર નામ માટે 20,000 ડોલરની ચૂકવણી કરવી પડી છે. પ્રમુખપદના વિજેતા બનવા ઉમેદવારે કુલ મતના 0 ટકાથી વધુ મત મેળવવાના રહે છે. જો કોઈ સ્પષ્ટ વિજેતા નહિ હોય તો પ્રથમ બે ઉમેદવાર વચ્ચે 2 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે.
કેન્યામાં નકામા વિદેશી વસ્ત્રોનું ડમ્પિંગ
નાઈરોબીઃ કેન્યામાં અન્ય દેશોમાંથી નકામા વસ્ત્રો ઠલવાઈ રહ્યા છે. કેન્યાના પર્યાવરણીય જૂથો વાઈલ્ડલાઈટ અને ક્લીન અપ કેન્યાના જણાવ્યા મુજબ કેન્યામાં નકામા સિન્થેટિક પ્લાસ્ટિક ફાઈબર્સ ધરાવતાં વસ્ત્રોનો મોટો જથ્થો મોકલાઈ રહ્યો છે. મોટા ભાગના જૂના વસ્ત્રો ઈયુ તરફથી ચેરિટીઝને મોકલાય છે અને તેનો બે કે ત્રણ વખત વપરાશ થઈ ગયેલો હોય છે. સેકન્ડહેન્ડ વસ્ત્રોના બજારમાં ચેરિટી ઓછી અને બિઝનેસ વધુ હોય છે. કેન્યા જેવા ગરીબ દેશને આવું દાન મલ્ટિ મિલિયન ડોલરની ઈન્ડસ્ટ્રી બની ગયેલ છે. પ્લાસ્ટિક ફાઈબર્સ સાથેના જૂનાં વસ્ત્રો જમીનોમાં પુરાણ તરીકે વપરાય છે જે સમયાંતરે ભૂમિ અને જળસ્રોતોને પ્રદુષિત કરી નુકસાન પહોંચાડે છે. કેન્યાના વેપારીઓ યુગાન્ડા અને સુદાન જેવા દેશો માટે ટ્રાન્ઝીટ દેશ તરીકે જૂના વસ્ત્રો આયાત કરી ત્યાં મોકલી આપે છે અને ફરી ત્યાંથી આયાત કરે છે.
રશિયન અનાજ રીલિઝ કરવા અપીલ
જોહાનિસબર્ગઃ યુક્રેન મુદ્દે શાંતિમંત્રણામાં સંકળાયેલા આફ્રિકન નેતાઓએ અટકાવાયેલાં રશિયન અનાજ અને ફર્ટિલાઈઝર સામે અવરોધો દૂર કરી ખુલ્લા કરવા અપીલ કરી બ્લેક સી મારફત અનાજની નિકાસના સોદાને પુનઃસ્થાપિત કરવા જણાવ્યું છે. નેતાઓએ યુરોપિયન યુનિયનના પોર્ટ્સ પર પડી રહેલા 200,000 ટન રશિયન ફર્ટિલાઈઝરને રીલિઝ કરવાની કાર્યવાહી માટે યુનાઈટેડ નેશન્સને હાકલ કરી છે. યુક્રેનના અનાજને બ્લેક સી મારફત જવા દેવાની સમજૂતીમાંથી રશિયા ખસી ગયા પછી અનાજના ભાવમાં જોરદાર વધારો થતાં ગરીબ દેશો મુશ્કેલીમાં મૂકાયા છે. હવે રશિયાએ તેના ખાતર સહિતની નિકાસો સંદર્ભે સમજૂતી બાબતે ગેરંટીની માગણી કરી છે. તાજેતરમાં રશિયન પ્રમુખ પુટિન સાથે ઈજિપ્ત, સાઉથ આફ્રિકા, સેનેગલ સહિત છ આફ્રિકન દેશોના નેતાઓએ વાતચીત કરી હતી.
હેઈતીમાં પોલીસ મોકલવા કેન્યાની ઓફર
નાઈરોબીઃ કેન્યાએ હેઈતીમાં પોલીસ ઓફિસર્સ મોકલવા કરેલી ઓફરનો માનવાધિકાર જૂથોએ ભારે વિરોધ કર્યો છે. જૂથોનું કહેવું છે કે કેન્યન પોલીસનો જ માનવાધિકાર રેકોર્ડ્સ નબળો છે ત્યારે આંતરિક સંઘર્ષમાં ફસાયેલા કેરેબિયન રાષ્ટ્ર હેઈતીમાં પરિસ્થિતિ વધુ વણસી શકે છે. હેઈતીમાં અપરાધી જૂથોએ શેરીયુદ્ધો થકી મોટા ભાગના વિસ્તારો પર કબજો જમાવી લેતા સમગ્ર દેશમાં અરાજકતા ફેલાવાથી પ્રાઈમ મિનિસ્ટર એરિયલ હેન્રીએ ગત વર્ષે યુએન પાસેથી ઈન્ટરનેશનલ સપોર્ટની વિનંતી કરી હતી. કેન્યાએ હેઈતીની પોલીસને તાલીમ અને મદદ આપવા 1,000 કેન્યન પોલીસ ઓફિસરોનો જથ્થો મોકલવાની ઓફર કરી છે જેને અમેરિકા, કેનેડા તેમજ યુએન દ્વારા આવકાર અપાયો છે.