નાઈરોબીઃ કેન્યાનું લોન્સનું ભારણ ઘટાડવાની પ્રેસિડેન્ટ વિલિયમ રુટોની ખાતરી છતાં કેન્યાનું જાહેર દેવું વધીને 70.75 બિલિયન ડોલરના વિક્રમી આંકે પહોંચ્યું છે. 30 જૂને પૂર્ણ થયેલા નાણાવર્ષમાં કુલ જાહેર દેવું વિક્રમજનક 1.56 ટ્રિલિયન શિલિંગ્સ (10.8 બિલિયન ડોલર)ના વધારા સાથે 10.1 ટ્રિલિયન શિલિંગ્સ (70.75 બિલિયન ડોલર) થયું છે.
આમ જાહેર દેવાંએ 10 ટ્રિલિયન શિલિંગ્સની સીમારેખા પાર કરી દીધી છે. મુખ્યત્વે ચીન માટે લોન રીપેમેન્ટ કોસ્ટમાં પણ ભારે વધારો થયો છે. જૂનમાં પૂર્ણ થયેલાં નાણાવર્ષ માટે કુલ વ્યાજ ચૂકવણી ખર્ચ 391 બિલિયન શિલિંગ્સ (2.7 બિલિયન ડોલર) થયો છે જેમાંથી ચીનને કરાયેલી ચૂકવણી 107 બિલિયન શિલિંગ્સ (743 મિલિયન ડોલર)ની છે. દેવાંના ભારણનાં પગલે ગ્લોબલ ક્રેડિટ રેટિંગ એજન્સીઓ દ્વારા કેન્યાની આર્થિક ક્ષમતા મુદ્દે ચેતવણીઓ અપાઈ છે. દેવું ઘટાડવા ટેક્સીસમાં વધારો જાહેર કરાયો છે અને સબસીડીમાં કાપ મૂકાયો હતો. જોકે, સબસીડી પુનઃસ્થાપિત કરી દેવાઈ છે.
સાઉથ આફ્રિકામાં સાત વિપક્ષનો નવો મોરચો
કેપટાઉનઃ સાઉથ આફ્રિકામાં 2024માં યોજાનારી સામાન્ય ચૂંટણી સંદર્ભે મહિનાઓની વાટાઘાટો અને બે દિવસની બેઠકના પગલે દેશના સાત વિરોધપક્ષોએ શાસક આફ્રિકન નેશનલ કોંગ્રેસ (ANC)ને હરાવવા સાથે મળી કામ કરવાનો નિર્ણય લીધો છે. મલ્ટિ-પાર્ટી કન્વેન્શનમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ મલ્ટિ-પાર્ટી ચાર્ટર પર સહીઓ કરી હતી. વિપક્ષી નેતાઓએ જણાવ્યું હતું કે વિપક્ષી એકતાથી પ્રેસિડેન્ટ સીરિલ રામફોસાની આગેવાની હેઠળની ANCને પરાજિત કરવાનો માર્ગ મોકળો બનશે. નવા ગઠબંધનનો હિસ્સો નહિ બનેલા અન્ય પક્ષોને પણ એકતામાં સામેલ થવાની હાકલ કરવામાં આવી છે. આ મોરચામાં દેશની ત્રીજા ક્રમની સૌથી મોટી ડાબેરી પાર્ટી ઈકોનોમિક ફ્રીડમ ફાઈટર્સ (EFF) સામેલ થઈ નથી. દેશમાં ભ્રષ્ટાચાર, અભૂતપૂર્વ વીજ કટોકટી અને બેરોજગારી સાથે અર્થતંત્રની વણસેલી હાલત મુદ્દે લોકોમાં અસંતોષ વધી રહ્યો છે ત્યારે સાઉથ આફ્રિકામાં 1994માં લોકશાહી સાથે સત્તા પર આવેલી ANCસામે 2024માં સંસદીય બહુમતી અને પ્રમુખપદ ગુમાવવાનું જોખમ ઉભું થયું છે.
કેન્યામાં ફ્યૂલ સબસિડી પુનઃ લાગુ કરાઈ
નાઈરોબીઃ કેન્યામાં જીવનનિર્વાહ કટોકટી, ટેક્સમાં વધારા અને સબસિડીમાં કાપના પગલે મહિનાઓના ઉગ્ર વિરોધ અને દેખાવો પછી પ્રેસિડેન્ટ વિલિયમ રુટોની સરકારે રીટેઈલ ફયૂલ ભાવો સ્થિર રહે તે માટે 30 દિવસ સુધી સબસિડીને પુનઃસ્થાપિત કરી છે. એનર્જી અને પેટ્રોલિયમ રેગ્યુલેટરી ઓથોરિટીએ જણાવ્યું હતું કે પેટ્રોલની મહત્તમ પ્રતિ લિટર કિંમત 194.68 શિલિંગ્સ પર સ્થિર રહેશે અને ગ્રાહકોએ 7.33 શિલિંસની ભાવવૃદ્ધિ સહન કરવી નહિ પડે. રીટેઈલ ફયૂલ પ્રાઈસ દરેક મહિનાની મધ્યમાં જાહેર કરાય છે. પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ સપ્ટેમ્બરમાં શાસન સંભાળ્યા પછી ફ્યૂલ અને મકાઈના લોટ પરની સબસિડીઓ દૂર કરી હતી.
યુગાન્ડાને ડેરીપેદાશોના નવા બજારોની તલાશ
કમ્પાલાઃ કેન્યા સરકારે તાજેતરમાં યુગાન્ડાની દૂધ સહિતની ડેરીપેદાશો પર પ્રતિબંધ લાદ્યા પછી યુગાન્ડાએ નવા બજારોની શોધ આદરી છે. યુગાન્ડાના મિનિસ્ટર બ્રાઈટ વામિરામાએ જણાવ્યું હતું કે કેન્યાની વેપારનીતિમાં સાતત્ય રહ્યું નથી આથી યુગાન્ડાને નવા સ્થિર બજારોની વધુ જરૂર છે. મિનિસ્ટરે યુગાન્ડા દ્વારા સબસ્ટાન્ડર્ડ દૂધની નિકાસ કેન્યાના બજારોમાં કરાતી હોવાના આક્ષેપને ફગાવી દેતા કહ્યું હતું કે આ તો બંને દેશ વચ્ચે વેપાર ઘટાડવાની કેન્યાની ઈરાદાપૂર્વકની ચાલ છે. યુગાન્ડામાં આગામી મહિનામાં પાંચ દિવસીય 16મી આફ્રિકન કોન્ફરન્સ યોજાઈ રહી છે ત્યારે યુગાન્ડા ડેરી ઈન્ડસ્ટ્રીમાં ટેકનોલોજીકલ વિકાસ વધારવાના હેતુસર તૈયારી કરી રહેલ છે.
કેન્યામાં સ્કોલરશિપ ફંડનું કૌભાંડ
નાઈરોબીઃ ઓવરસીઝ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા કેન્યાના વિદ્યાર્થીઓ માટેના સ્કોલરશિપ ભંડોળમાંથી નાણાકીય ઉચાપત કરવા બદલ ઉઆસિન ગિશુ કન્ટ્રીના સેનેટર જેક્સન માન્ડાગો અને બે અધિકારીઓ જોશુઆ લેલેઈ અને મેશાક રોનોની ધરપકડ કરી લેવાઈ છે. ઉઆસિન ગિશુ એજ્યુકેશન ટ્રસ્ટ ફંડ એકાઉન્ટમાં ફિનલેન્ડ સ્કોલરશિપ પ્રોગ્રામ હેઠળ 7 મિલિયન ડોલરનું ભંડોળ પણ હતું જેમાંથી મોટા પાયે ઉચાપત કરવામાં આવતી હતી. ઓવરસીઝ સ્કોલરશિપ પ્રોગ્રામ માટે પેરન્ટ્સ દ્વારા એક્સચેન્જ તરીકે 1 મિલિયન પાઉન્ડ ચૂકવાયા હોવાનું બહાર આવતાં તપાસ શરૂ થઈ હતી. પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ જણાવ્યું છે કે આ કૌભાંડથી અસર પામેલા વિદ્યાર્થીઓને સ્થાનિક સ્કોલરશિય અપાશે અને કૌભાંડીઓએ કૌભાંડના નાણા ચૂકવી આપવા પડશે.
ઘાનામાં લોટરી, બેટિંગ્સમાં જીતેલા નાણા પર 10 ટકા ટેક્સ
આક્રાઃ ઘાનાની રેવન્યુ ઓથોરિટીએ તમામ બેટિંગ્સ, ગેઈમ્સ અને લોટરીમાં જીતેલી રકમ પર 10 ટકા ટેક્સ નાખી 22 ઓગસ્ટથી અમલી થવાની જાહેરાત કરી છે. આ ટેક્સ જીતેલી રકમની ચૂકવણીના પોઈન્ટ પર જ કાપી લેવાશે. જોકે, જીતેલી રકમ લગાવેલી રકમની સમાન અથવા ઓછી હશે તો ટેક્સ લાગુ નહિ થાય. લોટરી ઓપરેટર્સે તેમના સોફ્ટવેર્સ અપડેટ કરવા પડશે તેમજ નવા નિયમનું પાલન ન કરવા બદલ લાયસન્સ જપ્ત કરી લેવાશે. યુવા પેઢી નવા ટેક્સનો વિરોધ કરી રહી છે કારણકે આ રીતે જીતેલી રકમ બેરોજગારોની આવકનો સ્રોત બની રહે છે.
કેન્યામાં પાંચ ચર્ચ પર પ્રતિબંધ
નાઈરોબીઃ કેન્યા સત્તાવાળાઓએ શ્રદ્ધાળુઓને ભૂખ્યા રાખી તેમની હત્યાનો આરોપ ધરાવતા પાંચ ચર્ચ પર પ્રતિબંધ લાદ્યો છે જેમાં, 19 મેથી લાઈસન્સ રદ કરાયેલા પાદરી પૌલ ન્થેન્ગેના ગૂડ ન્યૂઝ ઈન્ટરનેશનલ ચર્ચનો પણ સમાવેશ થયો છે. એસોસિયેશન્સ રજિસ્ટ્રેશન ઓફિસના જણાવ્યા મુજબ જિસસને મળવા માટે આમરણ ઉપવાસ રાખવાના ઉપદેશના પગલે સંખ્યાબંધ લોકોએ ઉપવાસ આદરતા તેમના મોત નીપજ્યા હતા અને તટવર્તી માલિન્ડી ટાઉન નજીક શાકાહોલા જંગલમાંથી અત્યાર સુધી 425 મૃતદેહ શોધી કઢાયા છે. મોટા ભાગના શ્રદ્ધાળુઓ ભૂખથી મોતને ભેટ્યા હતા પરંતુ, ઓટોપ્સીઓ કરાતાં જણાયું હતું કે બાળકો સહિત ઘણા લોકોનાં ગળાં દબાવાયાં હતાં, માર મરાયો હતો. સરકારી આંકડા મુજબ કેન્યાની 53 મિલિયનની વસ્તીમાં 4000 રજિસ્ટર્ડ ચર્ચ છે.
મોંઘવારીથી ત્રાસી એક કેન્યનનો આત્મવિલોપન પ્રયાસ
નાઈરોબીઃ લાખો કેન્યાવાસીઓ જીવનનિર્વાહની કટોકટીનો સામનો કરી રહ્યા છે ત્યારે મોમ્બાસામાં એક અજાણી વ્યક્તિએ ગુરુવાર 17 ઓગસ્ટે મોંઘવારી સામે વિરોધ કરવા આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક લોકોએ દાવો કર્યો હતો કે આ વ્યક્તિ પાસે ચોરીનો સામાન હતો. આ વ્યક્તિએ પોતાના શરીર પર સળગી ઉઠે તેવું પ્રવાહી ઠાલવ્યું હતું અને એક પૂતળા પર ચડી ગયો હતો. સળગતી વ્યક્તિને બચાવી લઈને નજીકની હોસ્પિટલમાં મોકલાઈ હતી જ્યાં તેની સારવાર કરાઈ હતી. આ ઘટનાનો વીડિયો ફરતો થયો હતો અને મોમ્બાસા પોલીસે પણ આ ઘટના બન્યાનું સમર્થન આપ્યું છે.