કેપટાઉનઃ સાઉથ આફ્રિકાની શાસક પાર્ટી આફ્રિકન નેશનલ કોંગ્રેસ (ANC) સાથે 43 વર્ષ રહેલા અને હવે હકાલપટ્ટી કરાયેલા નેતા એશ માગાશૂલેએ 2024ની સામાન્ય ચૂંટણી પહેલા નવા પક્ષ આફ્રિકન કોંગ્રેસ ફોર ટ્રાન્સફોર્મેશન (ACT)ની જાહેરાત કરી છે. પૂર્વ પ્રેસિડેન્ટ જેકબ ઝૂમાના ગાઢ સાથી માગાશૂલેની પક્ષના બંધારણનો ભંગ કરવા બદલ બે મહિના પહેલા પક્ષમાંથી હકાલપટ્ટી કરાઈ હતી.
ઉચાપતો, ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના આક્ષેપોથી ANCની છબી ખરડાયેલી છે ત્યારે એશ માગાશૂલે સામે પણ જાહેર ભંડોળ ઘરભેગું કરવાના ભ્રષ્ટાચાર, ફ્રોડ અને મની લોન્ડરિંગના ક્રિમિનલ ચાર્જીસ લાગેલા છે. ડાબેરી મતદારોમાં લોકપ્રિય માગાશૂલે હવે જમણેરી નીતિ અપનાવી રહ્યા છે. જોકે, નવો પક્ષ ઈલેક્શન કમિશનમાં રજિસ્ટર્ડ થવા વિશે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.
સાઉથ આફ્રિકામાં ભરૂચના યુવાન પર હુમલોઃ છરીના ઘાથી મોત
જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકામાં રોજગારી માટે સ્થાયી થયેલા ભારતીય યુવાનો ઉપર હુમલાથી ઘટના વારંવાર બનતી રહે છે. આવી એક ઘટનામાં દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિઆ નજીકના એક ટાઉનમાં સામાન્ય તકરારમાં સ્થાનિક લોકો દ્વારા ભરૂચના ગુજરાતી યુવાનની હત્યા કરી દેવાઈ હતી. આ સમાચારથી વતનમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.
પ્રિટોરિઆ નજીકના એક ટાઉનમાં સ્થાનિક વ્યક્તિની કાર સાથે ગુજરાતી યુવાન આસિફ લિયાકતની કાર ટકરાઈ હતી. આ નાની ઘટનાએ મોટું સ્વરૂપ ધારણ કરી લેતા વાત મારામારી સુધી પહોંચી હતી. સ્થાનિક યુવાનોએ ભરૂચના મનુબર ગામના આસિફ ઉપર તીક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આસિફ લિયાક્તને છરીના ઘા ઝીકી દેવાતા તેઓ લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યા હતા અને ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
નાઈજિરિયામાં સજાતીય લગ્નપાર્ટી પર દરોડોઃ 200થી વધુની ધરપકડ
લાગોસઃ નાઈજિરિયાના ડેલ્ટા રાજ્યના એક્પાન ટાઉનમાં 28 ઓગસ્ટ સોમવારની મોડી રાત્રે શંકાસ્પદ સજાતીય લગ્નની પાર્ટી પર પોલીસે દરોડો પાડી 200થી વધુ લોકોની સામૂહિક ધરપકડ કરી હોવાના અહેવાલો છે. જોકે, પ્રાથમિક તપાસના આધારે 67 વ્યક્તિની અટકાયત કરાઈ હતી. નાઈજિરિયામાં સજાતીય સંબંધ ક્રિમિનલ અપરાધ છે અને સેઈમ સેક્સ મેરેજ પ્રોહિબિશન એક્ટ હેઠળ સજાતીય લગ્ન કરવામાં દોષિત ઠરેલા લોકોને 14 વર્ષની તેમજ સાથીદારોને 10 વર્ષની જેલની સજાની જોગવાઈ છે. પોલીસે જણાવ્યું હતું કે નાઈજિરિયામાં પાશ્ચાત્ય સંસ્કૃતિની નકલ કરી શકાય નહિ, આ દેશની સંસ્કૃતિનું પાલન કરવું આવશ્યક છે. આ ઘટનાને એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ અને માનવાધિકાર જૂથોએ વખોડી કાઢી ધરપકડ કરાયેલાને છોડી મૂકવા માગણી કરી છે. ધરપકડ કરાયેલા શકમંદ લોકોમાં ઘણા મોડેલ્સ અને ફેશન ડિઝાઈનર્સ હોવાનું કહેવાય છે. અગાઉ, 2018નાં લાગોસની હોટેલ પર દરોડામાં સજાતીયતાના આરોપ સાથે 57 વ્યક્તિની ધરપકડ કરાઈ હતી.
નાઇજિરિયાની મસ્જિદમાં ત્રાસવાદી હુમલોઃ 9ના મોત
અબુજાઃ નાઇજિરિયાની એક મસ્જિદમાં શુક્રવાર પહેલી સપ્ટેમ્બરની રાત્રે નમાજ પઢી રહેલા નમાજીઓ પર ત્રાસવાદી હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કરતા સાત લોકોનાં મૃત્યુ થયાં છે. હુમલાખોરોએ નાસી છૂટતી વેળાએ નજીકના વિસ્તારમાં અન્ય બે વ્યક્તિની હત્યા કરી હતી. ઉત્તર-પશ્ચિમ કાડુના રાજ્યના ઇકારા સ્થાનિક વહીવટી સત્તામંડળ હેઠળના સાયા-સાયા ગામમાં શસ્ત્રસજ્જ ત્રાસવાદીઓએ મસ્જિદ પર હુમલો કર્યો હતો. હુમલો શુક્રવારે મોડી રાત્રે કરાયો હતો. તે સમયે લોકો નમાજ પઢવા એકઠા થયા હતા. હુમલામાં ઘવાયેલા બે લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. એક રહેવાસીએ જણાવ્યા મુજબ સાત લોકોને નમાજ પઢતા સમયે મસ્જિદની અંદર ગોળી મારી દેવાઈ અને બેને ગામના સામુદાયિક ભવનની અંદર ગોળી મારવામાં આવી હતી. મિલિટરી અને અન્ય સુરક્ષા એજન્સીઓએ ત્રાસવાદીઓને શોધવા કામગીરી આરભી હતી.
આફ્રિકામાં ત્રણ વર્ષમાં સાત લશ્કરી બળવા
નાઈરોબીઃ આફ્રિકાના ગેબોનમાં બળવાની સ્થિતિ છે ત્યારે સમગ્ર ખંડના દેશોએ ઓગસ્ટ 2020 પછી સાત લશ્કરી બળવાનો સામનો કર્યો છે. આફ્રિકાના નાઈજરમાં 26 જુલાઈએ પ્રમુખ મોહમદ બાઝૌમની સરકારનેમ ઉથલાવી લશ્કરે સત્તા હસ્તગત કરી હતી. જ્યારે બુર્કિના ફાસોમાં 2022ના માત્ર આઠ મહિનાના ગાળામાં જાન્યુઆરી અને સપ્ટેમ્બરમાં બે બળવા થયા હતા. હવે ત્યાં જુલાઈ 2024માં ચૂંટણીની શક્યતા છે. સુદાનમાં 2021ના ઓક્ટોબરમાં લશ્કરી બળવો થયો તે પછી 2023ના એપ્રિલમાં બે જનરલ્સ વચ્ચે સત્તા હાંસલ કરવાની સાઠમારી ચાલી રહી છે. ગિનીમાં પ્રમુખ આલ્ફા કોન્ડેને લશ્કરી બળવામાં ઉથલાવી દેવાયા હતા અને લશ્કરે 2024ના અંતે ચૂંટણી કરાવવાનું વચન આપ્યું છે. માલી દેશમાં ઓગસ્ટ 2020 અને મે 2021સુધીના 9 મહિનામાં બે લશ્કરી બળવા થયા હતા. વર્તમાન લશ્કરી શાસકે ફેબ્રુઆરી 2024માં સિવિલિયન્સને સત્તા સોંપવા ચૂંટણીનું વચન આપ્યું છે.
કેન્યામાં ભ્રષ્ટાચારીઓ માટે વિકલ્પઃ જેલ, દેશનિકાલ કે સ્વર્ગ
નાઈરોબીઃ કેન્યાના પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ દેશમાં ભ્રષ્ટાચાર સામે જંગ ચાલુ રાખવાનો નિર્ધાર જાહેર કરતા જણાવ્યું છે કે કેન્યામાં ભ્રષ્ટાચારીઓ માટે જેલમાં જવાનું, કેન્યા છોડી દેશનિકાલ થવાનું કે સ્વર્ગમાં પહોંચવાના માત્ર ત્રણ વિકલ્પ છે. આ કોઈ ધમકી નથી પરંતુ, સત્ય છે અને વિકલ્પ છે તેમજ એક્શન લેવા માટેની હાકલ છે.. તેમણે કહ્યું હતું કે કેન્યાએ ભ્રષ્ટાચારના કારણે ઘણું સહન કર્યું છે, બાળકોનું ભવિષ્ય છીનવાઈ ગયું છે. આથી, તેનો અંત આવશ્યક છે. ચોરોને છાવરવા કે રક્ષવા રાજકારણ અને કોર્ટ્સનો દુરુપયોગ કરે છે તેમનો સમય પૂરો થઈ ગયો હોવાની ચેતવણી પણ રુટોએ આપી હતી. કેન્યાને પીછેહઠ કરાવનારા લોકોને રક્ષણ આપી શકાય નહિ તેમ કહેતા પ્રમુખ રુટોએ વિરોધપક્ષોને ચોરોને છાવરવાનું બંધ કરી દેવા જણાવ્યું હતું.
સુદાન સંઘર્ષથી 20 લાખથી વધુ બાળકો વિસ્થાપિત
ખાર્ટુમઃ સુદાનમાં લશ્કરી દળો અને લશ્કરી હરીફ રેપીડ સપોર્ટ ફોર્સીસ (RSF) વચ્ચે એપ્રિલ મહિનાથી ચાલી રહેલી સત્તાની સાઠમારીમાં 1.7 મિલિયન બાળકો દેશમાં જ વિસ્થાપિત થયા છે થી વધુ બાળકો દેશની બહાર સલામત સ્થળોએ નાસી છૂટ્યાં છે તેમ યુએન ચિલ્ડ્રન્સ ફંડ (UNICEF)ના 24 ઓગસ્ટના અહેવાલમાં જણાવાયું છે. યુએન સંસ્થાના જણાવ્યા મુજબ દર કલાકે સરેરાશ નવાં 700થી વધુ બાળકો વિસ્થાપિત થતાં રહે છે. આ સંઘર્ષના વધુ ગંભીર પરિણામ તરીકે સુદાનની રેવન્યુમાં 70 ટકાના ઘટાડાની ચેતવણી પણ અપાઈ છે. દેશનામ અર્થતંત્રમાં 21 ટકાનો હિસ્સો ધરાવતા ઈન્ડસ્ટ્રીઅલ સેક્ટરમાં 85 ટકા ફેક્ટરીઓ યુદ્ધગ્રસ્ત રાજધાની ખાર્ટુમમાં આવેલી છે અને સંપૂર્ણપણે બંધ પડેલ છે.