નાઈરોબીઃ કેન્યામાં ફેમિલી પ્રોટેક્શન બિલ 2023 પર વિચારણા થઈ રહી છે જેમાં સંમતિ વિના સજાતીય સંબંધ માટે ઓછામાં ઓછાં 10 વર્ષ અને મહત્તમ50 વર્ષ સુધી જેલની સજાની જોગવાઈ છે. હોમા બે ટાઉનના વિધાયક પીટર કાલુમા દ્વારા પ્રાયોજિત આ બિલમાં સજાતીયતા, સજાતીય લગ્નો, LGTBQ પ્રવૃત્તિઓ અને કેમ્પેઈન્સ તેમજ ગે પરેડ્સ, સરઘસો અને જાહેરમાં ક્રોસ ડ્રેસિંગ પર પ્રતિબંધોના પણ પ્રસ્તાવો છે. જો આ બિલ પસાર થશે તો સજાતીય સંબંધો માટે ઉપયોગમાં લેવાયેલા પ્રીમાઈસીસના માલિકોને 14,000 ડોલર (11,000 પાઉન્ડ)ના દંડ અથવા સાત વર્ષની જેલ પણ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે મધ્ય સપ્ટેમ્બરમાં કેન્યાની સુપ્રીમ કોર્ટે બિનસરકારી LGTBQ સંગઠનોના રજિસ્ટ્રેશનને પરવાનગી આપતા ચુકાદાને માન્ય ઠરાવ્યો છે. કેન્યાના NGO કો-ઓર્ડિનેટિંગ બોર્ડ દ્વારા નેશનલ ગે એન્ડ લેસ્બિયન રાઈટ્સ કમિશનની નોંધણી નહિ કરવાના દાયકા જૂના વિવાદનો આ સાથે અંત આવ્યો છે. સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે આવો ભેદભાવ ગેરબંધારણીય છે જેના પરિણામે કેન્યામાં LGTBQ સંગઠનો માટે માર્ગ મોકળો બન્યો છે.
કેન્યા અને યુકે વચ્ચે બજાર પહોંચનો સમજૂતીપત્ર
નાઈરોબીઃ કેન્યા અને યુકે વચ્ચે બજારની પહોંચ અને બિઝનેસ ઈન્ટિગ્રિટી વિશેના સમજૂતીપત્ર (મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ -MOU) પર 20 સપ્ટેમ્બરે સહીસિક્કા કરાયા છે. યુકેના વડા પ્રધાનના વેપારદૂત થીઓ ક્લાર્કની હાજરીમાં કેન્યાની મિનિસ્ટ્રી ઓફ ઈન્વેસ્ટમેન્ટ, ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી અને બ્રિટિશ ચેમ્બર ઓફ કોમર્સ કેન્યા વચ્ચે આ સહીસિક્કા થયા હતા. આ સમજૂતીપત્રથી કેન્યાના બિઝનેસ નિયમન વાતાવરણમાં સુધારણાના ક્ષેત્રોની ઓળખ અને ભલામણો તેમજ ઈન્ડસ્ટ્રીના અગ્રણીઓ વચ્ચે જાહેર અને ખાનગી ઉચ્ચસ્ચરીય વાર્ષિક વાટાઘાટો શક્ય બનશે. કેન્યાની ત્રણ દિવસની મુલાકાતે આવેલા થીઓ ક્લાર્કે કેન્યા રેલવેઝના મેનેજિંગ ડાઈરેક્ટર ફિલિપ માઈન્ગાની સાથે નાઈરોબી રેલવે સિટીની પણ મુલાકાત લીધી હતી. આ પ્રોજેક્ટ 500 બિલિયન શિલિંગ્સના ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો હિસ્સો છે જેને ઝડપી બનાવવા પ્રેસિડન્ટ રુટો અને પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાક વચ્ચે નવેમ્બર 2022માં સમજૂતી થઈ હતી.
સુદાનની શરણાર્થી શિબિરોમાં 1200થી વધુ બાળકોનાં મોત
જીનિવા, ખાર્ટુમઃ યુનાઇટેડ નેશન્સની રેફ્યુજી એજન્સી UNHCRના રિપોર્ટ મુજબ સુદાનની શરણાર્થી શિબિરોમાં મેડિકલ સ્ટાફ અને દવાઓની અછતના લીધે મે મહિનાથી અત્યાર સુધીમાં પાંચ વર્ષથી નીચેની વયના 1200થી વધુ બાળકોનાં મોત થયા છે અને વર્ષના અંત સુધીમાં હજારો બાળકોનાં મોત થઈ શકે તેવી ચેતવણી પણ અપાઈ છે. સુદાનના લશ્કર અને પેરામિલિટરી ગ્રૂપ રેપિડ સપોર્ટ ફોર્સીસ (RSF) વચ્ચે એપ્રિલ મહિનાથી ચાલી રહેલા યુદ્ધના કારણે ૭૦થી ૮૦ ટકા હોસ્પિટલો બંધ છે અને દર મહિને 55,000 કુપોષિત બાળકોને સારવારની જરૂર પડે છે. બીજી તરફ, વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે સુદાનમાં અત્યાર સુધીમાં હેલ્થકેર સેક્ટર પર ૫૬ હુમલા કરાયા છે.
રાજધાની ખાર્ટુમમાં ભારે યુદ્ધ ચાલી રહ્યું છે તેમજ ગ્રેટર નાઈલ પેટ્રોલિયમ ઓઈલ કંપનીનું ટાવર અને મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસ સહિતની ઈમારતો ભડકે બળી રહી છે. લશ્કરે RSFના થાણાઓ પર ભારે તોપમારો કર્યો હતો. બીજી તરફ, પેરામિલિટરી ફોર્સીસે પણ આર્મી હેટક્વાર્ટ્સ પર હુમલાઓ કર્યા હતા. આ યુદ્ધમાં આશરે 7,500 લોકોએ જાન ગુમાવ્યા છે. જોકે, સાચો આંકડો વધુ હોવાનો ભય છે. પાણી, ખોરાક અને વીજળીનું રેશનિંગ કરાયું છે તેવાં ખાર્ટુમથી નાસી છૂટેલા 2.8 મિલિયન લોકો સહિત પાંચ મિલિયનથી વધુ લોકો વિસ્થાપિત થયા છે.
કોંગોમાં લશ્કરી બળવાનો દાવો ફગાવાયો
કિન્હાસાઃ કોન્ગો-બ્રાઝિવેલેની સરકારે 39 વર્ષથી વિના અવરોધે શાસન કરી રહેલા પ્રેસિડેન્ટ ડેનિસ ન્ગુએસ્સો વિરુદ્ધ બળવાના પ્રયાસની અફવાઓને નકારી કાઢી છે. પ્રેસિડેન્ટ ન્ગુએસ્સો યુનાઈટેડ નેશન્સની 78મી મહાસભામાં હાજરી આપવા ન્યૂ યોર્ક ગયા હતા ત્યારે બળવાના અહેવાલો સોશિયલ મીડિયા પર પ્રસારિત થયા હતા જે મુજબ 79 વર્ષીય પ્રમુખને સત્તા પરથી ઉથલાવી દેવા મિલિટરી દ્વારા સઘન પ્રયાસ કરાયાનું જણાવાયું હતું. તાજેતરમાં આફ્રિકા ખંડમાં લશ્કરી બળવા વધી રહ્યા છે. ઓગસ્ટમાં કોંગોના પડોશી ગાબોનમાં લશ્કરી દળોએ સત્તા હસ્તગત કરી હતી. ન્ગુએસ્સો ખુદ 1979માં લશ્કરી બળવા મારફતે ઓઈલ સમુદ્ધ કોન્ગોના પ્રમુખપદે આવ્યા હતા. તેમણે 1992માં દેશની પ્રારંભિક મલ્ટિ પાર્ટી ચૂંટણીઓમાં હાર્યા પછી 1997માં આંતરિક યુદ્ધના પગલે ફરી સત્તા હાંસલ કરી હતી.