કિગાલીઃ રવાન્ડામાં મુખ્યત્વે ટૂટ્સી જાતિ સહિત 800,000થી વધુ લોકોના 1994ના નરસંહારને સાંકળતા ચાર મેમોરિયલ્સને UNESCO ના વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં મૂકાયા હોવાની જાહેરાત સંસ્થાએ કરી હતી. UNESCO એ જણાવ્યું હતું કે ન્યામાટા, મુરામ્બી, ગિસોઝી અને બિસેસેરો સાઈટ્સને વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં મૂકાઈ છે.
આ ચાર સ્મારકસ્થળોએ એપ્રિલથી જુલાઈ 1994ના ગાળામાં નરસંહારમાં મુખ્યત્વે લઘુમતી ટૂટ્સી જાતિને નિશાન બનાવાઈ હતી એટલું જ નહિ, હુટુઝ કટ્ટરવાદીઓ દ્વારા મધ્યમમાર્ગી હુટુઝનો પણ ખાતમો બોલાવાયો હતો. ગિસોઝીમાં કિગાલી જેનોસાઈડ મેમોરિયલ આશરે 250,000 લોકોનું અંતિમધામ છે જ્યાં મુલાકાતીઓને ખોપરીઓ, અસ્થિઓ, ફાટેલા વસ્ત્રો અને મૃતદેહોના ઢગલાની છબીઓ જોવા મળે છે. દર વર્ષે દેશમાં નવી કબરો શોધાય છે અને વધુ લોકોને દફનાવાય છે. ન્યામાટાના પૂર્વ કેથોલિક ચર્ચ, મુરામ્બીના સ્કૂલ કોમ્પ્લેક્સ અને બિસેસેરોમાં 1998માં મૃત અવશેષો રખાયા છે.
કેન્યા, યુગાન્ડા અને ટાન્ઝાનિયા 2027 AFCONના સંયુક્ત યજમાન
નાઈરોબી / કમ્પાલાઃ દર બે વર્ષે યોજાતા આફ્રિકા કપ ઓફ નેશન્સ 2027નું સંયુક્ત આયોજન કેન્યા, યુગાન્ડા અને ટાન્ઝાનિયા દ્વારા કરવામાં આવશે જ્યારે મોરોક્કો 2025 કપનું આયોજન કરશે તેવી જાહેરાત કોન્ફેડરેશન ઓફ આફ્રિકન ફૂટબોલ (CAF) દ્વારા કરવામાં આવી છે. અગાઉ, મોરોક્કોએ 1988માં કપનું યજમાનપદ સંભાળ્યું હતું અને 2015માં પણ તેની પસંદગી થઈ હતી પરંતુ, ઈબોલા વાઈરસનો રોગ ફાટી નીકળવાથી ટુર્નામેન્ટ મુલતવી રાખવા માગણી કરી હતી. જોકે, CAF દ્વારા મોરોક્કોના યજમાનપદના અધિકાર પાછા ખેંચી લેવાયા હતા. અલ્જિરિયા છેલ્લી ઘડીએ 2027ના યજમાનપદથી સ્પર્ધામાંથી ખસી જવાથી ઈસ્ટ આફ્રિકાના કેન્યા, યુગાન્ડા અને ટાન્ઝાનિયાને આ ટુર્નામેન્ટ યોજવા મળી છે. અગાઉ, 1976માં ઈથિયોપિયાને ફાઈનલ યોજવા મળી હતી.
ચોખાના ખેતરો બચાવવાં 50 લાખ પક્ષીની હત્યા
ડોડોમાઃ ટાન્ઝાનિયા પ્લાન્ટ પ્રોટેક્શન એન્ડ પેસ્ટિસાઈડ્ઝ ઓથોરિટીએ દેશના ઉત્તરમાં માન્યારા વિસ્તારમાં 400થી વધુ હેક્ટરમાં ચોખાનો પાક જોખમમાં જણાતા ક્વેલીઆ ક્વેલીઆ નામના લાલ ચાંચવાળા નાના 50 લાખ પક્ષીઓની ડ્રોનના ઉપયોગ થકી હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. એક સાથે મોટી સંખ્યામાં ઉડતા આ પક્ષીઓ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાઓની સૂકી સીઝનમાં આફ્રિકાના ઉભા પાકનો ખાત્મો બોલાવે છે. એજન્સીના જણાવ્યા મુજબ આ પક્ષીઓ એક દિવસમાં 50 ટનથી વધુ અનાજના પાકનો ખાત્મો બોલાવે છે. ક્વેલીઆ ક્વેલીઆ પક્ષીઓ ચોખાના ખેતરોને નુકસાન પહોંચાડે તે પહેલા ચાર દિવસના ગાળામાં તેના પર એરિયલ સ્પ્રે કરાયો હતો. યુગાન્ડાએ પણ 2013માં ચોખાનો પાક બચાવવા 1.8 મિલિયન ક્વેલીઆ ક્વેલીઆ પક્ષીઓનો નાશ કર્યોં હતો.
કેન્યા અને યુએસ વચ્ચે સંરક્ષણ સમજૂતી
નાઈરોબીઃ કેન્યા હેઈતીમાં ગેંગ વાયોલન્સનો સામનો કરવા બહુરાષ્ટ્રીય શાંતિરક્ષક મિશનની આગેવાની સંભાળવા સજ્જ થઈ રહેલ છે ત્યારે સુરક્ષા ગોઠવણો માટે ઈસ્ટ આફ્રિકન દેશને પૂરતાં સ્રોતો અને સપોર્ટ મળી શકે તે માટે કેન્યા અને યુએસ વચ્ચે સંરક્ષણ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. કેન્યાના ડિફેન્સ મિનિસ્ટર એડન ડુઆલે અને યુએસના ડિફેન્સ સેક્રેટરી લોઈડ ઓસ્ટિને 25 સપ્ટેમ્બર સોમવારે નાઈરોબીમાં સમજૂતી પર સહીઓ કરી હતી. ઈસ્ટ આફ્રિકામાં અલ-કાયદા સાથે સંકળાયેલા ઉગ્રવાદી સંગઠન અલ-શાબાબ સામે લડાઈ ચાલી રહી છે ત્યારે આ સમજૂતી આગામી પાંચ વર્ષ માટે દેશોના સંરક્ષણ સંબંધોને સંભાળશે. ઓસ્ટિને હેઈતી મલ્ટિનેશનલ ફોર્સની સ્વેચ્છાએ નેતાગીરી સંભાળવા બદલ કેન્યાનો આભાર માન્યો હતો અને 100 મિલિયન ડોલરનું ફંડ આપવા અમેરિકી કોંગ્રેસ સાથે કામ કરવાની ખાતરી ઉચ્ચારી હતી.
રાજાશાહી દેશ એસ્વાટિનીમાં પાર્લામેન્ટની ચૂંટણી યોજાઈ
મ્બાબાનેઃ દક્ષિણ આફ્રિકામાં અગાઉ સ્વાઝીલેન્ડ નામે ઓળખાતા રાજાશાહી દેશ એસ્વાટિનીમાં શુક્રવાર 29 સપ્ટેમ્બરે પાર્લામેન્ટની ચૂંટણી યોજાઈ હતી જેમાં 51 પુરુષ અને આઠ મહિલા ચૂંટાઈ આવ્યાં હતાં જેઓ 1986થી શાસન કરતા કિંગ મસ્વાટી તૃતીયના સલાહકાર તરીકે કામ કરશે. આ સલાહકારોને કોઈ વહીવટી સત્તાઓ નહિ હોય. આ દેશની વસ્તી 1.2 મિલિયન છે અને રાજકીય પક્ષો પ્રતિબંધિત છે પરંતુ, વ્યક્તિગત ઉમેદવાર પાંચ વર્ષ માટે પાર્લામેન્ટની બેઠક માટે ચૂંટણી લડી શકે છે. આ ચૂંટણીમાં 500,000થી વધુ મતદાર નોંધાયેલા હતા. પાર્લામેન્ટમાં ચૂંટાયેલા 59 સભ્ય ઉપરાંત, 55 વર્ષીય કિંગ પોતાની મરજી અનુસાર પાંચ મહિલા સહિત વધુ 10 સભ્યને પાર્લામેન્ટમાં ગોઠવી શકે છે. કિંગ સર્વસત્તાધીશ છે અને પાર્લામેન્ટના કાયદાના અમલ માટે તેની મંજૂરી આવશ્યક ગણાય છે. કિંગ વડા પ્રધાન અને કેબિનેટની નિયુક્તિ કરે છે તેમજ સરકાર અને પાર્લામેન્ટને બરખાસ્ત પણ કરી શકે છે. પોલીસ અને લશ્કર પર તેમનો અંકુશ રહે છે.
કેન્યન અધિકારીઓ પર પ્રવાસ પ્રતિબંધ
નાઈરોબીઃ કેન્યાની સરકારે ખર્ચા ઘટાડવા અને કરદાતાના નાણા વેડફાતા બચાવવા તેના અધિકારીઓ દ્વારા બિનજરૂરી પ્રવાસ પર પ્રતિબંધ લાદી દીધો છે. દેશના પ્રેસિડેન્ટ, ડેપ્યુટી પ્રેસિડેન્ટ, ફર્સ્ટ લેડી અને પ્રાઈમ કેબિનેટ સેક્રેટરીઓ સહિત ઉચ્ચ પદાધિકારીઓની સાથે પ્રવાસમાં જોડાતા પ્રતિનિધિમંડળોની સંખ્યા પર પણ મર્યાદા લાદી દેવાઈ છે. બિનજરૂરી પ્રવાસોમાં સ્ટડી વિઝિટ્સ, બેન્ચમાર્કિંગ, ટ્રેનિંગ પ્રોગ્રામ્સ, સંશોધન પ્રવૃત્તિઓ, એકેડેમિક મીટિંગ્સ, કોન્ફરન્સીસ, અધિવેશનો, સામાન્ય બેઠકો, પ્રદર્શનો, શોકેસ ઈવેન્ટ્સ, એસોસિયેશન મીટિંગ્સ સહિતનો સમાવેશ થાય છે. કેન્યાની સત્તાવાર જવાબદારીઓ નિભાવવા માટે જ વિદેશ પ્રવાસને મંજૂરી અપાશે. સત્તાવાર પ્રવાસ માટે પ્રવાસના દિવસો સહિત વધુમાં વધુ સાત દિવસની મર્યાદા રખાઈ છે.
યુગાન્ડામાં શરણાર્થીઓ ભારે મુશ્કેલીમાં
કમ્પાલાઃ યુએન વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ અનુસાર માનવતાવાદી સહાયમાં મૂકાયેલા કાપના કારણે યુગાન્ડાની શરણાર્થી વસ્તીને અસ્તિત્વ જાળવી રાખવાનું મુશ્કેલ બની રહ્યું છે. વૈશ્વિક જરૂરિયાતના ભંડોળમાં 60 ટકાથી વધુ ઘટ પડવાના કારણે યુએન ફૂડ એજન્સીએ જુલાઈ મહિનાથી યુગાન્ડામાં તેના ફૂડ રેશન્સને 70 ટકાથી ઘટાડી 30 ટકા કરી નાખી સૌથી જરૂરિયાતમંદોને પ્રાથમિકતા આપવા સાથે ડીઆર કોન્ગો અને સાઉથ સુદાનમાંથી નાસી છૂટી યુગાન્ડામાં આશરો લઈ રહેલી શરણાર્થી વસ્તી મુશ્કેલી અનુભવી રહી છે. સહાયમાં હજુ પણ કાપ મૂકાવાની શક્યતા હોવાથી વધુ મુશ્કેલી સર્જાવાનો ભય છે. આફ્રિકાના કોઈ પણ દેશ કરતાં યુગાન્ડામાં સૌથી વધારે શરણાર્થી છે. આશરે 1.5 મિલિયન શરણાર્થી અને 32,000 એસાઈલમ સીકર્સ છેક 2022થી યુગાન્ડામાં રહે છે.
સાઉથ આફ્રિકામાં નવી HIVવિરોધી પદ્ધતિ
કેપટાઉનઃ વિશ્વમાં મુખ્ય એઈડ્ઝગ્રસ્ત દેશોમાં એક સાઉથ આફ્રિકામાં હ્યુમન ઈમ્યુનોડેફિશિયન્સી વાઈરસ- HIVને અટકાવવાની નવી પદ્ધતિ ટુંક સમયમાં લોન્ચ કરાશે. ગ્લોબલ ફંડ ટુ ફાઈટ એઈડ્ઝ, ટ્યુબરક્લોસિસ એન્ડ મેલેરિયા અનુસાર સાઉથ આફ્રિકામાં એઈડ્ઝ વિરુદ્ધ લડતમાં સંકળાયેલી ત્રણ સંસ્થાએ એન્ટિરેટ્રોવાઈરલ ડ્રગને શોષતી 16,000 વજાઈનલ રિંગ્સનો ઓર્ડર આપ્યો છે. મહિલાઓમાં ગર્ભનિરોધક તરીકે ઉપયોગમાં લેવાતી આ નવતર સિલિકોન વજાઈનલ રિંગ્સ ધીમે ધીમે એન્ટિરેટ્રોવાઈરલ ડ્રગ ડેપિવિરાઈનને ઓગાળે છે અને દર મહિને તેને બદલવી પડે છે. ગ્લોબલ ફંડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પીટર સેન્ડ્સના જણાવ્યા મુજબ આ નવી રિંગ શરીરની રોગપ્રતિકારક સિસ્ટમને ખતમ કરતા HIVને અટકાવવામાં ક્રાંતિકારી અસર ઉભી કરશે. વિશ્વભરમાં 2023 સુધીમાં HIVચેપગ્રસ્ત લોકોમાં 53 ટકા સ્ત્રીઓ અને છોકરીઓનો સમાવેશ થશે. હાલ સાઉથ આફ્રિકામાં 13.7 ટકા એઈડ્ઝગ્રસ્ત લોકો છે. આ રિંગ સાઉથ આફ્રિકા ઉપરાંત, યુગાન્ડા, કેન્યા અને ઝિમ્બાબ્વે સહિતના અન્ય આફ્રિકન દેશોમાં પણ લોન્ચ કરાનાર છે.
કેન્યામાં કેબિનેટ રીશફલિંગ
નાઈરોબીઃ કેન્યાના પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ તેમની કેબિનેટના આઠ સભ્યોની કામગીરીમાં ફેરફાર કર્યો હતો અને ફોરેન મિનિસ્ટ્રીને ચીફ મિનિસ્ટરના કાર્યાલયમાં ભેળવી દીધીન હતી. ફોરેન મિનિસ્ટર આલ્ફ્રેડ મુટુઆને ટુરિઝમ અને વાઈલ્ડ લાઈફ વિભાગ સોંપાયો હતો જ્યારે ટ્રેડ મિનિસ્ટર મોસેઝ કીઆરી કુરિઆને પબ્લિક સર્વિસ મિનિસ્ટ્રીમાં ખસેડાયા હતા. ફોરેન મિનિસ્ટ્રીને પ્રાઈમ કેબિનેટ સેક્રેટરી મુસાલીઆ મુડાવાડીના પોર્ટફોલીઓ હેઠળ મૂકાઈ હતી. પ્રેસિડેન્ટ રુટોએ ઓગસ્ટ 2022માં સત્તા સંભાળી ત્યારથી ટેક્સવધારા અને ઊંચા જીવનનિર્વાહ ખર્ચના મુદ્દે રાષ્ટ્રવ્યાપી વિરોધોનો સામનો કરી રહ્યા છે.