ડકારઃ બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને આફ્રિકામાં કોવિડ વેક્સિન વિકસાવવા 40 મિલિયનડોલરની સહાય આપવાની જાહેરાત કરી છે. સેનેગાલના ડકારસ્થિત ઈન્સ્ટિટ્યૂટ પાશ્ચર અને સાઉથ આફ્રિકાની બાયોવાક બેલ્જિયમના ક્વાન્ટુમ બાયોસાયન્સીસ દ્વારા વિકસાવાયેલા mRNA સંશોધન અને ઉત્પાદન પ્લેટફોર્મનો ઉપયોગ કરશે. બંને વેક્સિન ઉત્પાદકોને પાંચ-પાંચ મિલિયન ડોલરનું ભંડોળ અને અનામી કંપનીઓને વધારાના 10 મિલિયન ડોલરનું ભંડોળ ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા મળશે. બાકીના 20 મિલિયન ડોલર ક્વાન્ટુમ બાયોસાયન્સીસને ટેકનોલોજીના વિકાસ અને ખર્ચ ઘટાડવા માટે સહાયમાં અપાશે.
યુકે રાજકારણીએ લૂંટેલો માલ નાઈજિરિયાને પરત કરે
લંડન, અબુજાઃ નાઈજિરિયાના ભ્રષ્ટ રાજકારણી જેમ્સ ઈબોરી પાસેથી જપ્ત કરાયેલું ભંડોળ નાઈજિરિીયાને પરત કરવાની માગણી બ્રિટિશ અને નાઈજિરિયન સિવિલ સોસાયટી ગ્રૂપ્સ દ્વારા કરાઈ છે. આશરે 50 NGO દ્વારા બ્રિટિશ હોમ સેક્રેટરી અને ફોરેન એફેર્સ મિનિસ્ટર્સને લખાયેલા પત્રમાં જણાવાયું છે કે લગભગ એક દાયકા અગાઉ ઈબોરીને સજા કરાયા પછી જપ્તીપ્રક્રિયામાં ભારે વિલંબથી ભ્રષ્ટાચારવિરોધી સંદેશાને કોટી અસર પહોંચી છે. દક્ષિણ નાઈજિરિયાના તેલઉત્પાદક ડેલ્ટા રાજ્યના પૂર્વ ગવર્નર ઈબોરીએ 2012માં લંડનની કોર્ટમાં ફ્રોડ અને મનીલોન્ડરિંગના 10 ગુનાની કબૂલાત કરી હતી. તેને 13 વર્ષની જેલની સજા ફરમાવાઈ હતી જેમાંથી અડધી સજા વતન જતા પહેલા તેણે ભોગવી હતી. તેની પાસેથી 101.5 મિલિયન પાઉન્ડ (123.9 મિલિયન ડોલર) જપ્ત કરવા આદેશ અપાયેલો છે. શક્તિશાળી હોદ્દાઓ પર મિત્રો ધરાવતો જેમ્સ ઈબોરી આજે પણ નાઈજિરિયામાં ભારે વગદાર રાજકારણી છે.
કેન્યામાં સ્કૂલની 95 વિદ્યાર્થિની રહસ્યમય બીમારીનો શિકાર
નાઈરોબીઃ કેન્યામાં રાજધાની નાઈરોબીથી 374 કિ.મી. ઉત્તરપશ્ચિમમાં કાકામેગા કાઉન્ટીમાં મુસોલી ટાઉનની સેન્ટ થેરેસા એરંગી ગર્લ્સ હાઈ સ્કૂલની 95 વિદ્યાર્થિની રહસ્યમય બીમારીનો શિકાર બનતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાવા સાથે શાળાને અનિશ્ચિત મુદત સુધી બંધ કરી દેવાયાના અહેવાલો છે. જોકે, શિક્ષણ મંત્રાલયે સ્કૂલ ચાલુ હોવાની સ્પષ્ટતા કરી હતી પરંતુ, પેરન્ટ્સ બાળકોને શાળામાંથી લઈ ગયા હતા. વિદ્યાર્થિનીઓએ પગમાં લકવાની અસર અને આંચકીની ફરિયાદ કરી હતી. ડોક્ટર્સ પણ આ પ્રકારની બીમારીથી મૂંઝાઈ ગયેલા જણાય છે. બીમાર વિદ્યાર્થિનીઓના બ્લડ અને યુરિન સેમ્પલ્સ કેન્યા મેડિકલ રિસર્ચ સંસ્થાની લેબોરેટરીમાં મોકલી દેવાયા છે. આ બીમારી ચેપી હોય તો તેના પરિણામો ગંભીર હોઈ શકે તેવી ચર્ચા પણ થઈ રહી છે. નિષ્ણાતોએ માસ હિસ્ટિરિયા હોઈ શકે તેમ પણ જણાવ્યું હતું. કેટલીક વિદ્યાર્થિનીઓ બીમારીનો ઢોંગ કરતી હોઈ શકે તેમ પણ જણાવાયું છે. કેન્યાના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં છોકરીઓને લંગડાતી ચાલતી જોઈ શકાય છે.
કેન્યામાં ગયા વર્ષે 860 મિલિયન સાઈબર હુમલાઓ
નાઈરોબીઃ કેન્યામાં સાઈબર હુમલાઓમાં ભારે ઉછાળો જોવાં મળ્યો છે. કેન્યાના કોમ્યુનિકેશન્સ રેગ્યુલેટરના જણાવ્યા મુજબ ગયા વર્ષે સાઈબર હુમલાઓની અભૂતપૂર્વ 860 મિલિયન ઘટનાઓ નોંધાઈ હતી. રેગ્યુલેટરે કેન્યાના મહત્ત્વપૂર્ણ ઈન્ફોર્મેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લક્ષ્ય બનાવતી સાઈબર ધમકીઓનાં પ્રમાણ, સોફિસ્ટિકેશન બાબતે ચિંતા વ્યક્ત કરી છે. છેક 2017માં કેન્યાએ 7.7 મિલિયન સાઈબર હુમલાઓનો સામનો કર્યો હતો અને દર વર્ષે તેમાં સતત વધારો થતો રહ્યો છે. જુલાઈ મહિનામાં રશિયાતરફી હેકિંગ ગ્રૂપ એનોનિમસ સુદાન દ્વારા સાઈબર એટેકથી વિઝા, પાસપોર્ટ, ડ્રાઈવર્સ લાયસન્સ સર્વિસીસ સહિત 5000થી વધુ ઓનલાઈન સરકારી સેવા તેમજ ઓનલાઈન ટ્રેઈન બૂકિંગ સિસ્ટમ અને મોબાઈલ નાણાકીય વ્યવહારો સહિતની સેવા ખોરવાઈ ગઈ હતી. કોમ્યુનિકેશન્સ ઓથોરિટી ઓફ કેન્યાના જણાવ્યા મુજબ 79 ટકા સાઈબર હુમલાઓ અપરાધીઓ દ્વારા વિવિધ સંસ્થાઓની કોમ્પ્યુટર સિસ્ટમ્સમાં ઘૂસણખોરીના પરિણામે થાય છે.
કેન્યા ચીન પાસે $1 બિલિયન લોન માગશે
નાઈરોબીઃ કેન્યાના પ્રેસિડેન્ટ વિલિયમ રુટો ઓક્ટોબરના ઉત્તરાર્ધમાં ચીનની મુલાકાતે જવાના છે ત્યારે અટવાઈ પડેલા રોડ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા ચીન પાસે 1 બિલિયન ડોલરની લોન માગશે. ડેપ્યુટી પ્રેસિડેન્ટ રિગાઠી ગાચાહુઆએ જણાવ્યું હતું કે ચીન દ્વારા લેણી નીકળતી રકમોની ચૂકવણી કરવા વધુ સમય મળે તેવી માગણી પણ પ્રેસિડેન્ટ રુટો કરવાના છે. કેન્યાએ હાલ 8 બિલિયન ડોલરથી વધુ રકમની લોન્સ ચીનને ચૂકવવાની થાય છે. અગાઉ, રુટોએ પૂર્વ પ્રમુખ ઉહુરુ કેન્યાટાએ ચીન પાસેથી લીધેલી લોન્સની ભારે ટીકા કરી હતી અને હવે તેઓ પણ આ માર્ગે જ જઈ રહ્યા છે. કેન્યાટાએ ચીન પાસેથી મેળવેલી લોન્સનો ઉપયોગ નાઈરોબી એક્સપ્રેસવે સહિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પાછળ કર્યો હતો. જોકે, કોન્ટ્રાક્ટર્સને પૂરતા નાણા નહિ ચૂકવાતા ઘણા રોડ પ્રોજેક્ટ્સ અધૂરા રહ્યા છે.