હરારેઃ ઝિમ્બાબ્વેમાં દર મહિને ઓછામાં ઓછાં 300 શિક્ષકો નોકરીઓ છોડી વિદેશ જઈ રહ્યા છે અને શિક્ષકોની તંગી સર્જાઈ રહી છે જેના માટે તેમને હાલ મળી રહેલું ઓછું વેતન જવાબદાર છે. ઝિમ્બાબ્વે ટીચર્સ એસોસિયેશનના જણાવ્યા મુજબ અન્ય દક્ષિણ આફ્રિકન દેશોની સરખામણીએ ઝિમ્બાબ્વેમાં શિક્ષકો ઘણું ઓછું વેતન મેળવે છે.
ઝિમ્બાબ્વેમાં શિક્ષકને દર મહિને સરેરાશ મહત્તમ 350 ડોલરનું વેતન મળે છે. આર્થિક સ્થિતિનાં નિયંત્રણોના લીધે શિક્ષકોના પગાર વધારી શકાય તેમ નથી કે દેશના વિદ્યાર્થીઓને શીખવવા વધારાના નવા શિક્ષકોની ભરતી થઈ શકે તેમ નથી. દાયકાઓથી ઝિમ્બાબ્વેની એજ્યુકેશન સિસ્ટમ આફ્રિકા ખંડમાં શ્રેષ્ઠ શિક્ષણ વ્યવસ્થામાં એક રહી હતી જે પૂર્વ પ્રેસિડેન્ટ રોબર્ટ મુગાબેના શાસનની સિદ્ધિઓમાં એક મનાય છે પરંતુ, હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે.
કેન્યાના ચલણનું સતત ધોવાણ
નાઈરોબીઃ કેન્યાની કરન્સી શિલિંગ્સનું ડોલર સામેનું મૂલ્ય ઐતિહાસિક તળિીયે પહોંચી ગયું છે. ઈસ્ટ આફ્રિકન દેશની મધ્યસ્થ બેન્કના ગવર્નર કામાઉ થુગેએ પાર્લામેન્ટરી કમિટી સમક્ષ ખુલાસો કર્યો છે કે કેન્યાની કરન્સીનો વિનિમય દર સાચી રીતે સબળો ન હતો અને તેનું ઉર્ધ્વમૂલ્યન થયેલું હતું. સોમવાર 23 ઓક્ટોબરે એક ડોલર સામે વિનિમય દર150 કેન્યન શિલિંગનો હતો જ્યારે 2018ના ઓક્ટોબરમાં તે 100 કેન્યન શિલિંગનો હતો. જોકે, યુએસ ડોલર વધુ મજબૂત બન્યો હોવાથી આમ થયાનું જણાવતા ગવર્નર થુગેએ કહ્યું હતું કે આશરે પાંચ વર્ષ પહેલા પણ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેન્કે પણ શિલિંગનો વિનિમય દર 20થી 25 ટકા જેટલો વધારે હોવાનું જણાવ્યું હતું. ગવર્નર થુગે અનુસાર કેન્યાની ફોરેન એક્સચેન્જ અનામતો ચાર મહિનાથી પણ ઓછા સમય માટેની આયાતોને આવરી શકે તેમ છે. જોકે, કોઈ પણ ઈમર્જન્સીનો સામનો કરવા તે પૂરતાં પ્રમાણમાં છે. જૂન મહિનાના અંત સુધીમાં કેન્યાનું દેવું 10,100 બિલિયન શિલિંગ્સ (64.4 બિલિયન યુરો)થી પણ વધુ હતું.
જોહાનિસબર્ગમાં યુગાન્ડાના સજાતીયોના સમર્થનમાં સરઘસ
જોહાનિસબર્ગઃ આફ્રિકામાં પોતાના સજાતીય સંબંધોને છુપાવી રાખવા પડે છે અને યુગાન્ડામાં આવા સંબંધોને ગુનાઈત ઠરાવાયા છે ત્યારે જોહાનિસબર્ગમાં શનિવાર 28 ઓક્ટોબરે LGBTQ+ સમૂહના 20,000થી વધુ લોકોએ તેમના અધિકારોની પ્રાઈડ ઉજવણી માટે સરઘસ કાઢ્યું હતું. પ્રાઈડ કૂચની આગેવાની 2021માં યુગાન્ડાથી નાસી આવેલા 25 વર્ષીય સજાતીય પુરુષ મન્ડેલા સ્વાલીએ સંભાળી હતી. યુગાન્ડાએ વિશ્વમાં સજાતીયતાવિરોધી સૌથી કઠોર કાયદા દાખલ કર્યા છે જેમાં કાયદાના ઉલ્લંઘન બદલ મૃત્યુદંડ પણ થઈ શકે છે. આફ્રિકાના 30થી વધુ દેશમાં સજાતીયતાવિરોધી કાયદાઓ અમલી છે પરંતુ, એક માત્ર સાઉથ આફ્રિકાએ 2006માં સજાતીય લગ્નોને કાયદેસરતા બક્ષી હતી.