ડોડોમાઃ ઇસ્ટ આફ્રિકન દેશ ટાન્ઝાનિયામાં ભારે વરસાદ બાદ પૂરનો આતંક પ્રવર્તી રહ્યો છે. આ દેશના ઉત્તર ભાગમાં આવેલા ભયાનક પૂરમાં તણાઈને અથવા જમીન ધસી પડવાથી ઓછામાં ઓછાં 68 લોકોનાં મોત થયાં છે અને અન્ય 116 લોકો ઘવાયા છે. મૃત્યુઆંક વધવાની આશંકા સેવાય છે. પૂરના કારણે ઓછામાં ઓછાં 1150 પરિવાર અને 5600 લોકોને અસર પહોંચી છે તથા ખેતીની 750 એકર જમીનને ભારે નુકસાન પહોંચ્યું છે.
અતિ વિષમ આબોહવાના લીધે ઈથિયોપિયા, કેન્યા, સોમાલિયા અને સાઉથ સુદાન જેવાં ઈસ્ટ આફ્રિકન દેશોમાં ભારે પૂરની સ્થિતિ પ્રવર્તે છે તેમજ ઓક્ટોબરથી શરૂ થયેલી ચોમાસાની ઋતુમાં સેંકડો લોકોના મોત નીપજ્યા છે. અહેવાલો અનુસાર ઉત્તર ટાન્ઝાનિયામાં ભારે પૂરના કારણે અનેક ગામોમાં પાણી ભરાયા છે અને રસ્તાઓ પર પણ પાણી ફરી વળવાના કારણે માણસો સાથે વાહનો તણાયા હતાં. હજુ પણ ઠેરઠેર પાણી ભરાયેલાં છે.
યુએસ દ્વારા LGBT એજન્ડાનું દબાણઃ યુગાન્ડાનો આક્ષેપ
કમ્પાલાઃ યુએસ દ્વારા યુગાન્ડાના અધિકારીઓ સામે વિઝા નિયંત્રણો વિસ્તારવામાં આવ્યા છે ત્યારે યુગાન્ડાએ આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે આફ્રિકામાં પોતાનો LGBT એજન્ડા લાગુ કરવા વોશિંગ્ટન પ્રયાસ કરી રહેલ છે. યુગાન્ડાના અધિકારીઓ લોકશાહીની અવગણના અને LGBTQ કોમ્યુનિટી સહિત સીમાંત જૂથો પર દમન ચલાવવા માટે જવાબદાર હોવાના કારણોસર અમેરિકાએ ગત સપ્તાહે નવા વિઝા પ્રતિબંધો જાહેર કર્યા હતા. ફોરેન એફેર્સના સ્ટેટ મિનિસ્ટર હેન્રી ઓકેલો ઓરીયોમે કહ્યું હતું કે તેમનો દેશ LGBTQ બિલ મુદ્દે જરા પણ પીછેહઠ નહિ કરે. અમેરિકા અને પશ્ચિમના દેશો સહાય અને લોન્સના સાધનોનો દબાણ તરીકે ઉપયોગ કરી આફ્રિકન્સ અને યુગાન્ડન્સને સજાતીય સંબંધોનો સ્વીકાર કરાવવા માગે છે. તેમણે પ્રશ્ન કર્યો હતો કે LGBTવિરુદ્ધ વધુ કઠોર કાયદા ધરાવતા મિડલ ઈસ્ટ દેશો શા માટે આવા પ્રતિબંધો લગાવાતા નથી.
કેન્યા ઈઝરાયેલને 1500 ખેતમજૂરો મોકલશે
નાઈરોબીઃ કેન્યાની લેબર મિનિસ્ટ્રીએ ઈઝરાયેલને 1500 ખેતમજૂરો મોકલવા નિર્ણય કર્યો છે. અગાઉ, માલાવીએ 221 ખેતમજૂરો ઈઝરાયેલ મોકલ્યા હતા. ખેતમજૂરોની તીવ્ર અછતનો સામનો કરી રહેલા ઈઝરાયેલે મદદ માટે આફ્રિકા તરફ હાથ લંબાવ્યો છે. ટાન્ઝાનિયામાં ભરતી ચાલી રહી છે ત્યારે યુગાન્ડામાંથી પણ મજૂરો મેળવવાની કાર્યવાહી નશરૂ કરાઈ છે.આ હંગામી વર્કર્સ ત્રણ વર્ષના કોન્ટ્રેક્ટ પર માસિક 1500 ડોલર (1195 પાઉન્ડ)ના વેતન પર કામ કરશે. ઓક્ટોબરમાં હમાસ સાથે યુદ્ધના પગલે મુખ્યત્વે થાઈલેન્ડ સહિત 10,000થી વધુ માઈગ્રેન્ટ વર્કર્સ ઈઝરાયેલ છોડી ગયા છે તેમજ ઈઝરાયેલી રિઝર્વિસ્ટ જંગમાં જોડાયા હોવાથી ખેતમજૂરોની અછત સર્જાઈ છે. ઈઝરાયેલને 30થી 40,000 ખેતમજૂરની જરૂર છે.