કેપ ટાઉનઃ ઝાહરાના હુણામણા નામથી પ્રખ્યાત સાઉથ આફ્રિકાની આફ્રો-પોપ ગાયિકા અને ગીતલેખિકા બુલેલ્વા એમ્કુટુકાનાનું 36 વર્ષની નાની વયે લિવરની ગંભીર સમસ્યાઓના કારણે 11 ડિસેમ્બર સોમવારે જોહાનિસબર્ગની હોસ્પિટલમાં અવસાન થયું હોવાને દેશના કલ્ચર મિનિસ્ટરે સમર્થન આપ્યું છે. ઝાહરાના 2011ના આલ્બમ ‘લોલિવે’એ સમગ્ર આફ્રિકામાં ધૂમ મચાવી હતી.
ઝાહરાએ 2019માં તેની શરાબની લત સામે આદરેલા ભારે સંઘર્ષને જાહેર કર્યો હતો. તેના મોતથી સોશિયલ મીડિયા અને પ્રસંસકોમાં ભારે ગમગીની ફેલાઈ હતી અને શ્રદ્ધાંજલિઓનો ધોધ વરસ્યો છે. ઝાહરા અને તેની ગિટારે સાઉથ આફ્રિકન મ્યુઝિક પર મજબૂત અસર સર્જી હતી. ઝાહરાએ તેની કારકિર્દીમાં પાંચ આલ્બમ્સ રીલિઝ કરવા ઉપરાંત, સંખ્યાબંધ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સન્માનો પ્રાપ્ત કર્યા હતા. તેણે પોતાના પ્લેટફોર્મ થકી સાઉથ આફ્રિકામાં સ્ત્રીઓ વિરુદ્ધ હિંસા સામે અવાજ ઉઠાવ્યો હતો.
આફ્રિકાના 5 દેશોમાં એન્થ્રેક્સનો રોગચાળોઃ 20ના મોત
નાઈરોબી, કમ્પાલાઃ પૂર્વીય અને દક્ષિણ આફ્રિકન દેશો કેન્યા, યુગાન્ડા, માલાવી, ઝામ્બીઆ અને ઝિમ્બાબ્વેમાં એન્થ્રેક્સનો રોગચાળો ફેલાયો છે. આ વર્ષે 1166 શંકાસ્પદ કેસીસ નોંધાયા છે જેમાંથી 37 કેસ લેબ પરીક્ષણોમાં નિશ્ચિત થયા છે અને 20 પેશન્ટ્સના મોત નીપજ્યા હોવાનું વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના રિપોર્ટમાં જણાવાયું છે.
એન્થ્રેક્સના બેક્ટેરિયા કુદરતી રીતે જમીનમાં પેદા થાય છે. આ રોગ મુખ્યત્વે પશુધન, ઘેટાં અને બકરાંમાં ફેલાતો હોય છે પરંતુ, પશુઓ અને ચેપગ્રસ્ત પશુ ઉત્પાદનોના સંસર્ગ થકી તે માનવીમાં પણ પ્રસરે છે. પાંચ દેશોમાં દર વર્ષે સીઝનલ રોગચાળો ફેલાય છે પરંતુ, ઝામ્બીઆમાં 2011 પછી 684 શંકાસ્પદ કેસ અને 4 મોત સાથે સૌથી ખરાબ પરિસ્થિતિ છે. એન્થ્રેક્સના ચેપથી યુગાન્ડામાં 13 વ્યક્તિના મોત થયા છે.
વિશ્વબેન્કના ફંડની કેન્યાની શાળાઓમાં યૌનશોષણ
નાઈરોબીઃ કેન્યામાં વિશ્વ બેન્ક દ્વારા ફંડિંગ કરાયેલી શાળાઓમાં થતાં યૌનશોષણને નજરઅંદાજ કરાયાનો આક્ષેપ થઈ રહ્યો છે. વિશ્વ બેન્કના આંતરિક વોચડોગ કોમ્પ્લાયન્સ એડવાઈઝર ઓમ્બુડ્ઝમેન (CAO)ને જણાયું હતું કે બેન્કની ઈન્ટરનેશનલ ફાઈનાન્સ કોર્પોરેશને (IFC) 2014માં બ્રિજ ઈન્ટરનેશનલ એકેડેમીઝને ભંડોળ આપવાની શરૂઆત કરી ત્યારે તેમજ ગત વર્ષે પ્રોજેક્ટની તપાસ કરાઈ ત્યારે તે પોતાની પર્યાવરણીય અને સામાજિક જરૂરિયાતોને સંતોષવામાં નિષ્ફળ રહી હતી. CAOએ રિપોર્ટમાં જણાવ્યું હતું કે 2014થી 2021ના ગાળામાં બ્રિજ સ્કૂલ્સના શિક્ષણ સ્ટાફ દ્વારા બાળ યૌનશોષણના 21 કેસ બહાર આવ્યા હતા. બ્રિજ દ્વારા સ્વીકાર્યું હતું કે 2016માં તેની એક શાળામાં બાળ યૌનશોષણના 10 કેસનો રિપોર્ટ કરાયો હતો. આના પગલે કસુરવાર શિક્ષકોના કોન્ટ્રાક્ટ્સનો અંત લાવી દેવાયો હતો. ખાનગી ક્ષેત્રના પ્રોજેક્ટમાં રોકાણ કરતી IFCએ
2014થી 2022 દરમિયાન નફો કરતી 200 શાળાઓને 13.5 મિલિયન ડોલર ( 10.7) મિલિયન પાઉન્ડ)નું ફંડિંગ કર્યું હતું.
યુગાન્ડાના સીરિયલ કિલરને 105 વર્ષની જેલ
કમ્પાલાઃ યુગાન્ડાના 25 વર્ષીય સીરિયલ કિલર મુસા મુસાસિઝિને કમ્પાલા હાઈ કોર્ટે 105 વર્ષની જેલની સજા ફરમાવી છે. મુસાએ તેની ત્રણ ગર્લફ્રેન્ડ અને નવજાત બાળકની ક્રુર હત્યા કરી હતી. મુસાએ ગુનાની કબૂલાત કરી હતી. મુસાએ આ સ્ત્રીઓ સાથે રોમાન્ટિક સંબંધો બાંધ્યા હતા અને તેમની પર સેક્સ્યુઅલ હુમલા કરી આખરે તેમને ખતમ કરી હતી. એટલું જ નહિ, તેમના મૃતદેહોને જલાવી નિકાલ કર્યો હતો. પાંચ મહિલા અને એક નવજાત બાળકની હત્યાના શક પરથી મુસાની માર્ચ 2021માં ધરપકડ કરાઈ હતી. તેણે જુલાઈમાં એક હત્યાની કબૂલાત કરી હતી.
સાઉથ આફ્રિકન મહિલાને ચોરી માટે 50 વર્ષની જેલ
કેપ ટાઉનઃ સાઉથ આફ્રિકાના ગાભટેન્ગ પ્રોવિન્સની હેલ્થકેર કંપનીમાં પૂર્વ એકાઉન્ટન્ટ હિલ્ડેગાર્ડ સ્ટીનકેમ્પને 13 વર્ષના સમયગાળામાં 28 મિલિયન ડોલર (23 મિલિયન પાઉન્ડ)ની ઉચાપત બદલ 50 વર્ષની જેલની સજા ફરમાવાઈ હતી. સ્ટીનકેમ્પે અગાઉ પ્રોડના 336 કાઉન્ટના ગુનાની કબૂલાત કરતાં કહ્યું હતું કે તેના શોષણખોર પતિએ તેની પાસે મબળજબરીથી ઉચાપતો કરાવી હતી. જોકે, મેજિસ્ટ્રેટ ફિલિપ વેન્ટરે તેના આ બચાવને ફગાવી દીધો હતો.
ફોરેન્સિક તપાસકારોએ શોધી કાઢ્યું હતું કે સ્ટીનકેમ્પે ચોરેલા નાણાનો ઉપયોગ ખર્ચાળ જુગાર સાહસો, જ્વેલરીની ખરીદી અને વારંવાર વિદેશી પ્રવાસો સહિત વૈભવી જીવન જીવવામાં કર્યો હતો. તેણે એક વખત કેસિનોમાં જુગારની રમતમાં 263,000 ડોલર ગુમાવ્યા હતા. તેણે દુબઈ સહિત વિદેશ પ્રવાસોમાં આશરપે 1.6 મિલિયન ડોલર ખર્ચ્યાં હતાં. સ્ટીનકેમ્પે 2017માં પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું અને કંપનીના ડેટાબેઝની સત્તાની સુવિધા થકી ક્રેડિટર્સની માહિતીઓ મેળવી હતી. તેણે 2018માં સત્તાવાળા સમક્ષ શરણાગતિ સ્વીકારી લીધી હતી.