યુગાન્ડામાં LGBTQના અધિકારોના કર્મશીલ પર હુમલો

Tuesday 09th January 2024 12:43 EST
 

કમ્પાલાઃ યુગાન્ડામાં સજાતીય (LGBTQ) કોમ્યુનિટીના અધિકારો માટે લડત ચલાવી રહેલા અગ્રણી કર્મશીલ સ્ટીવન કાબુયેની મોટરબાઈક પર આવેલા બે અજાણ્યા હુમલાખોરોએ 3 જાન્યુઆરી બુધવારની સવારે હુમલો કરી પેટ અને હાથમાં ચાકુના ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. કાબુયેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવાયા હતા. સારવાર લઈ રહેલા કાબુયેએ કહ્યું હતું કે હુમલાખોરો તેમની હત્યાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તેમની પર ફરી હુમલો કરાશે તેવી આશંકા પણ વ્યક્ત કરી હતી.

LGBTQ કોમ્યુનિટીના અધિકારો માટે લડી રહેલી સંસ્થાઓ અને કર્મશીલોએ કાબુયે પરના હુમલાને રોષ સાથે વખોડી કાઢતા કહ્યું હતું કે યુગાન્ડામાં હેટ ક્રાઈમ્સ માટે કોઈ સ્થાન નથી. ઉલ્લેખનીય છે કે યુગાન્ડામાં સજાતીયતા ગેરકાયદે છે અને તાજેતરમાં જ પસાર કરાયેલા નવા કાયદા હેઠળ તેના માટે આજીવન કેદ અને ગંભીર ગુના માટે મૃત્યુદંડની કઠોર જોગવાઈ રખાઈ છે.

જેકોબ ઝૂમા ANCને મત નહિ આપે

જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકાના પૂર્વ પ્રેસિડેન્ટ (2009થી 2018) અને આફ્રિકન નેશનલ કોંગ્રેસ (ANC)ના અગ્રનેતા જેકોબ ઝૂમાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આગામી સામાન્ય ચૂંટણીમાં ANCને મત નહિ આપે કે પ્રચાર નહિ કરે પરંતુ, નવી પાર્ટી ‘ઉમખોન્ટો વી સિઝ્વે (MK)’ને સમર્થન આપશે. ઝૂમાએ કહ્યું હતું કે ANCઅને વર્તમાન પ્રમુખ સીરિલ રામફોસા શ્વેત મોનોપોલી કેપિટલના પ્રોક્સી બની ગયા છે. તાજેતરના પોલ્સમાં જણાયું છે કે ANCને ચૂંટણીમાં 50 ટકાથી ઓછાં મત મળશે અને તેણે ગઠબંધન સરકાર રચવી પડશે. સાઉથ આફ્રિકાની રંગભેદ નીતિને પડકારવાની ચળવળમાં ANC સૌથી આગળ હતી અને રંગભેદના અંત પછી 1994માં નેલ્સન મંડેલાના પ્રમુખપદે શાસન હસ્તગત કર્યું હતું.

કોંગોના પ્રમુખ ત્શીસેકેડી પુનઃ ચૂંટાયા

કિન્હાસાઃ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોની વિવાદાસ્પદ ચૂંટણીમાં પ્રમુખ ફેલિક્સ ત્શીસેકેડી પુનઃ બીજી ટર્મ માટે ચૂંટાઈ આવ્યા છે. તેમણે 20 ડિસેમ્બરની ચૂંટણીમાં 73.34 ટકા મત હાંસલ કર્યા હોવાનું દેશના ઈલેક્શન કમિશન CENI દ્વારા જણાવાયું હતું. કમિશને જણાવ્યું હતું કે મતદાન 43 ટકાથી વધુ થયું હતું અને ત્શીસેકેડીએ 18 મિલિયન મતમાંથી 13 મિલિયનથી વધુ મત મેળવ્યા હતા. બીજા સ્થાને મોઈઝે કાટુમ્બીને માત્ર 18 ટકા મત મળ્યા હતા. ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપો છતાં મુખ્ય રાજકીય પક્ષોએ સત્તાવાર જાહેરાત કરી હતી કે તેઓ ચૂંટણી પરિણામોને બંધારણીય કોર્ટમાં પડકારશે નહિ. આના પરિણામે, ફેલિક્સ ત્શીસેકેડીને પ્રમુખપદે બેસાડવાનો સમારંભ 20 જાન્યુઆરીએ યોજવાનું નિશ્ચિત કરાયું છે.

આફ્રિકામાં જંગલોના નાશથી લુપ્ત થતાં શિકારી પક્ષીઓ

કેપ ટાઉનઃ આફ્રિકામાં પર્યાવરણીય સંતુલન ખોરવાઈ રહ્યું છે. ખેતી હેઠળનો વિસ્તાર વધી રહ્યો હોવાથી જ જંગલો કપાઈ રહ્યાં છે અને ઘણી પ્રજાતિના પક્ષીઓની સંખ્યા પણ ઘટી રહી છે. નેચર ઈકોલોજી એન્ડ ઇવોલ્યુશનમાં પ્રકાશિત એક સંશોધન રિપોર્ટ મુજબ આફ્રિકન મહાદ્વીપના જે દેશોમાં છેલ્લાં 40 વર્ષમાં ખેતીની જમીનમાં વધારો થયો છે ત્યાં ગીધ અને બાજ જેવાં પાંચ મોટાં શિકારી પક્ષીઓ લુપ્ત થવાના આરે છે.

આ પક્ષીઓ કાં તો મરી રહ્યાં છે અથવા હજુ ગાઢ જંગલો હોય તેવા અન્ય દેશોના વિસ્તારોમાં સ્થળાંતર કરી રહ્યાં છે. સંશોધન મુજબ આફ્રિકન ખંડમાં 42 શિકારી પક્ષીઓની સંખ્યામાં 90 ટકાનો ઘટાડો થઈ રહ્યો છે. સેન્ટ એન્ડ્રુઝ યુનિવર્સિટીના ડો. ફિલ શોના કહેવા અનુસાર શિકારી પક્ષીઓનું લુપ્ત થવું માનવજાત માટે ખતરો બની શકે છે. ગીધની સંખ્યામાં ઘટાડો થવાને કારણે 1990માં ભારતમાં હડકવાનો રોગચાળો ફેલાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter