કેન્યાનો પાસપોર્ટ આફ્રિકામાં છઠ્ઠા અને વિશ્વમાં 67મા ક્રમે

Tuesday 16th January 2024 11:04 EST
 

નાઈરોબીઃ કેન્યાનો પાસપોર્ટ આફ્રિકા ખંડમાં છઠ્ઠા શક્તિશાળી સ્થાને રહેવા સાથે વિશ્વભરમાં માલાવીની સાથે જ 67મા ક્રમે હોવાનું હેન્લી પાસપોર્ટ ઈન્ડેક્સનો ડેટા જણાવે છે. કેન્યાના પાસપોર્ટધારકો 76 દેશોમાં વિઝામુક્ત પ્રવાસ કરી શકે છે. અન્ય આફ્રિકન દેશોના પાસપોર્ટની તાકાત અને સ્થાનમાં બેથી ત્રણ ક્રમનો ફેરફાર થયો છે પરંતુ, કેન્યાના વૈશ્વિક ક્રમમાં ફેરફાર થયો નથી.

આફ્રિકા ખંડમાં મોરેશિયસ પ્રથમ સ્થાને છે જ્યારે વૈશ્વિક ક્રમ 30 થી ઘટી 29 થયો છે અને તેના પાસપોર્ટધારકો 148 દેશોમાં વિઝામુક્ત પ્રવાસ કરી શકે છે. સાઉથ આફ્રિકા પાસપોર્ટ 51મા સ્થાનેથી 53મા ક્રમે, લીસોથો 64મા સ્થાનેથી 65મા ક્રમે, નામિબીઆ 62મા સ્થાનેથી 65મા ક્રમે જ્યારે માલાવી 68મા સ્થાનેથી 67મા ક્રમે, પહોંચ્યા છે. વિશ્વમાં ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન, સિંગાપોર અને સ્પેનના પાસપોર્ટ સૌથી મજબૂત છે અને તેમના નાગરિકો વિઝાઅરજી કર્યા વિના 194 દેશની મુલાકાતે જઈ શકે છે.

રવાન્ડામાં માનવાધિકારની સમસ્યાઃ યુકે

કિગાલી, લંડનઃ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને રવાન્ડા મોકલી આપવાની યુકેની ડિપોર્ટેશન યોજના સંદર્ભે ભારે વિવાદ સર્જાયો છે ત્યારે આફ્રિકન દેશમાં માનવાધિકારની સમસ્યાએ નવો મુદ્દો ઉભો કર્યો છે. યુકેના હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવર્લીએ આ યોજના મુદ્દે સમર્થન હાંસલ કરવા રવાન્ડા ‘સલામત’ દેશ હોવાના પુરાવાઓ સાથેના દસ્તાવેજો સાંસદો અને લોર્ડ્સને મોકલી આપ્યા છે. જોકે, એક દસ્તાવેજમાં એમ સ્વીકારાયું છે કે રવાન્ડા પ્રમાણમાં કાયદાના શાસન અંગે શાંતિપૂર્ણ દેશ હોવાં છતાં, વર્તમાન શાસનના રાજકીય વિરોધીઓ સાથે વ્યવહાર, વિચારભેદ અને વાણી સ્વાતંત્ર્ય બાબતે માનવ અધિકાર રેકોર્ડની સમસ્યા રહેલી છે. ઈયુ, કેનેડા, યુએસ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડ દ્વારા ઉપયોગમાં લેવાતા નિષ્પક્ષ મૂલ્યાંકનોની માફક રવાન્ડા વિશે સરકારે નવી નોંધો જાહેર કરી છે. યુકે સાથેની સંધિને અમલી બનાવવા રવાન્ડાએ નવા એસાઈલમ કાયદા પસાર કરવા પડશે તેમાં મહિનાઓ લાગી જાય તેમ છે. હકીકત એ છે કે વડા પ્રધાન રિશિ સુનાકના મહત્ત્વના રવાન્ડા બિલને નવેમ્બરમાં ગેરકાયદે જાહેર કરાયું હતું.

ગાઝામાં નરસંહાર મુદ્દે ICJમાં સુનાવણીનો આરંભ

હેગ, કેપ ટાઉનઃ સાઉથ આફ્રિકાએ હેગસ્થિત ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) સમક્ષ ગાઝામાં ઈઝરાયેલ દ્વારા આચરાતા નરસંહારનો કેસ દાખલ કર્યો છે તેમાં સુનાવણીનો આરંભ થયો છે. પેલેસ્ટિની વસાહતમાં ઈઝરાયેલના વિનાશક મિલિટરી કેમ્પેઈનને તત્કાળ બંધ કરી દેવાનો ઈઝરાયેલને આદેશ આપવા સાઉથ આફ્રિકાએ માગણી કરી છે. સાઉથ આફ્રિકાએ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે ગાઝાની વસ્તીના નાશ કરવાના ઈરાદા સાથેના ઈઝરાયેલી હુમલાઓમાં તટવર્તી વસાહતનો મોટો વિસ્તાર નાશ પામ્યો છે અને ગાઝા હેલ્થ ઓથોરિટીઝના જણાવ્યા મુજબ 23,000થી વધુ લોકો મોતને ભેટ્યા છે. બીજી તરફ, ઈઝરાયેલે નરસંહારના આક્ષેપોને પાયાવિહોણા અને જૂઠા ગણાવી જણાવ્યું હતું કે સાઉથ આફ્રિકા હમાસ વતી બોલી રહ્યું છે જેનો પ્રીટોરિઆને ઈનકાર કર્યો હતો. આ સુનાવણી 11 અને 12 જાન્યુઆરીએ ચાલી હતી.

યુગાન્ડામાં ડાયાબિટીસ પાછળ Shs 2.2 ટ્રિલિયનનો વાર્ષિક ખર્ચ

કમ્પાલાઃ યુગાન્ડા આરોગ્યની કટોકટી તરફ ધસી રહ્યું છે જેની નાણાકીય અસરો પણ નોંધપાત્ર છે. ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન (IDF)ના જણાવ્યા મુજબ ડાયાબિટીસ સંબંધિત આરોગ્ય સમસ્યા ધરાનતા 48 દેશોમાં યુગાન્ડા એક છે. યુગાન્ડાના 1.69 મિલિયન લોકો ટાઈપ2 ડાયાબિટીસ મેલિટસ (T2DM)થી પીડાય છે જેના પરિણામે, પરિવારો અને સરકાર પર ભારે આર્થિક બોજો આવે છે. T2DMની દેખરેખ અને સારવાર પાછળ દેશની સરકાર અને પરિવારો વાર્ષિક 2.2 ટ્રિલિયન શિલિંગ્સનો ખર્ચ કરે છે. T2DMના સામાન્ય કેસીસ પાછળ પણ આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટ-ઓપીડી અને મોં વાટે લેવાતી દવાઓનો ખર્ચ મુખ્ય છે. આ સિવાય, T2DMની ડાયાબિટીક આઈ, મોતિયા, હેમોડાયાલિસીસ, અને સ્ટ્રોક્સ જેવી ગંભીર સમસ્યાઓની સારવાર પણ ભારે ખર્ચાળ બની રહે છે.

કેન્યામાં ન્યાયતંત્ર અને સરકાર વચ્ચે સંઘર્ષ

નાઈરોબીઃ કેન્યામાં ન્યાયતંત્ર અને સરકાર વચ્ચે સંઘર્ષની સ્થિતિ સર્જાઈ છે. દેશનું ન્યાયતંત્ર કોર્ટના આદેશો થકી કેટલાક અનામી લોકોને તેમની સરકારની નીતિઓને ખોરંભે પાડવામાં મદદ કરતું હોવાની પ્રેસિડેન્ટ વિલિયમ રુટોની ટીપ્પણીઓથી વિવાદ સર્જાયો છે. દેશમાં વકીલોના એક વર્ગે આવા જજીસના નામ જાહેર કરવા પ્રમુખને પડકાર આપ્યો છે. લો સોસાયટી ઓફ કેન્યાએ પ્રમુખ સામે શાંતિપૂર્ણ દેખાવો શરૂ કર્યા હતા. લો સોસાયટી ઓફ કેન્યાએ જણાવ્યું હતું કે પ્રમુખ રુટોની ટીપ્પણીઓ દેશને અરાજકતામાં ધકેલી શકે છે. વિપક્ષના નેતાઓનો આક્ષેપ છે કે પ્રેસિડેન્ટ તેમની સરકારની તરફેણ કરે તેવા ચુકાદા આપવા જજીસને ધમકી આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચીફ જસ્ટિસ માર્થા કૂમેએ અગાઉ કહ્યું હતું કે ન્યાયતંત્ર અને વહીવટીતંત્ર સરકારના સમાન હાથ છે અને જજીસ ડર કે તરફેણ વિના જ પોતાની ફરજ નિભાવશે.

સોનાની દાણચોરીઃ કેન્યાના પૂર્વ મિનિસ્ટરની અટકાયત

કમ્પાલા, નાઈરોબીઃ યુગાન્ડામાં બનાવટી દસ્તાવેજોની મદદથી સોનાનું સ્મગલિંગ કરવાના આરોપસર કેન્યાના 57 વર્ષીય પૂર્વ સહાયક ઈન્ટરનલ સિક્યુરિટી મિનિસ્ટર સ્ટિફન ટારુસની અટકાયત કરાઈ હતી. યુગાન્ડા નરેવન્યુ ઓથોરિટીએ ટારુસને 10 જાન્યુઆરી બુધવારે યુગાન્ડાની એન્ટિ-કરપ્શન કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. ટારુસ વિરુદ્ધના આરોપ30,000 ડોલર (24,000 પાઉન્ડ)ની કિંમતના 13 કિલોગ્રામ સોના માટે નકલી એક્સપોર્ટ ડોક્યુમેન્ટ્સ બાબતે લગાવાયા છે. આ ઘટનાની તપાસ ચાલી રહી છે ત્યારે ટારુસને 18 જાન્યુઆરી સુધી લુઝિરા જેલમાં રિમાન્ડ પર રાખવાનો આદેશ કરાયો હતો. ટારુસે સહાયક મિનિસ્ટર ઉપરાંત, ઓસ્ટ્રેલિયામાં કેન્યાના હાઈ કમિશનર તેમજ સાંસદ તરીકેની કામગીરી પણ સંભાળેલી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter