અબુજાઃ નાઈજિરિયાની ફેડરલ કેપિટલ અબુજામાં 10 મહિનાની શાંતિ પછી સામૂહિક અપહરણો અને હત્યાઓનો દોર નવેસરથી શરૂ થયો છે. ગત સપ્તાહે ડાકુઓએ અબુજા-કાડુના હાઈવે પર પ્રવાસીઓ પર હુમલો કરી 30 લોકોનું અપહરણ કર્યું હતું. કાડુના સ્ટેટના કાચીઆ લોકલ ગવર્મેન્ટ એરિયામાં કાડુના-અબુજા હાઈવે પર કાટારી નજીક ડોગોન-ફિલિ ખાતે આ ઘટના ઘટી હતી. આ ઉપરાંત, અબુજાના ફેડરલ કેપિટલ ટેરિટરીના ડુટ્સે-અલ્હાજી એરિયામાં લશ્કરી ગણવેશમાં આવેલા બંદૂકધારીઓએ 10 વ્યક્તિનું અપહરણ કર્યું હતું.
એકે-47 રાઈફલોથી સજ્જ લૂંટારુઓએ કાટારી નજીક હાઈવેને 45 મિનિટ સુધી બ્લોક કરી દઈ ગોળીબારો કર્યા હતા અને રાઈફલની અણીએ પ્રવાસીઓને વાહનોમાંથી ઉતાર્યા હતા. આ હાઈવે પર સલામતીનો ભંગ થયાની 10 મહિનામાં પ્રથમ ઘટના છે. જાન્યુઆરી 2021થી જૂન 30,2023ના ગાળામાં અબુજાની ફેડરલ કેપિટલ ટેરિટરીમાં અહરણની 40 ઘટનામાં 236 લોકોને શિકાર બનાવાયા હતા.
ઝામ્બીઆમાં કોલેરા પ્રકોપમાં 412ના મોત, વેક્સિનેશન શરૂ
લુસાકાઃ ઝામ્બીઆમાં મોટા ભાગના વિસ્તારોમાં ઓક્ટોબર 2023થી શરૂ થયેલા કોલેરાના પ્રકોપમાં 412ના મોત થયા છે અને રાજધાની લુસાકામાં સૌથી વધુ સહિત 10,423 કેસ નોંધાયા છે. કોલેરા રોગચાળાના પગલે ઝામ્બીઆમાં 1.7 મિલિયન ડોઝ સાથે ઓરલ કોલેરા વેક્સિનેશન શરૂ કરાયું છે. કોલેરાના મૃતકોમાં 30 ટકાથી વધુ બાળકોનો સમાવેશ થયો છે.
કોલેરા રોગચાળાના પગલે લુસાકાના હીરોઝ સ્ટેડિયમ ખાતે મુખ્ય ટ્રીટમેન્ટ સેન્ટર ખોલાયું હતું અને સરકારે દેશમાં શાળાઓને 8 જાન્યુઆરીથી નહિ ખોલવા નિર્ણય જાહેર કર્યો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થાની એજન્સીએ ઝામ્બીઆમાં 1.7 મિલિયન ઓરલ કોલેરા વેક્સિન ડોઝના ઉપયોગને બહાલી આપી છે જેમાંથી આશરે 1.4 મિલિયન ડોઝના શિપમેન્ટ મળી ગયા છે. ઝામ્બીઆ સરકારે કોલેરાગ્રસ્ત વિસ્તારોમાં રોજ 2.4 મિલિયન લિટર ચોખ્ખું પાણી પુરું પાડવાનું પણ જાહેર કર્યું છે.
નાઈજિરિયામાં બોટ અકસ્માતઃ 20ના મોત, 100થી વધુ લાપતા
માઈડુગુરીઃ નોર્થ-સેન્ટ્રલ નાઈજિરિયામાં તટવર્તી રિવર્સ સ્ટેટમાં અન્ડોનીથી બોની આઈલેન્ડ જઈ રહેલી બે પેસેન્જર બોટ્સ વચ્ચે અકસ્માતમાં બોટ ઉંધી વળતાં ઓછામાં ઓછી 20 વ્યક્તિના મોત થયા છે અને મોટી સંખ્યામાં મહિલાઓ સહિત 100થી વધુ લોકો લાપતા હોવાના અહેવાલ છે.
અન્ય અહેવાલ મુજબ એક બોટ ઉંધી વળી હતી જેમાં, અનાજની બોરીઓ ઉપરાંત, 100ની ક્ષમતાથી વધુ લોકો બેઠા હતા. ગામવાસીઓ અને સ્થાનિક ડાઈવર્સની સહાયથી લાપતા લોકોની શોધખોળ ચલાવાઈ હતી. નાઈજિરિયામાં આ વર્ષનો આ પહેલો બોટ અકસ્માત છે. ગયા વર્ષે નાઈજિરિયામાં બોટ અકસ્માતોમાં ઓછામાં ઓછાં 200 લોકોના મોત થયા હતા. જૂન મહિનામાં વધુ પ્રવાસીઓ ભરેલી બોટ ઉંધી વળી જતાં 100થી વધુ લોકોના મોત નીપજ્યા હતા.