નાઈરોબીઃ હિન્દ મહાસાગર નજીકના શાકાહોલા જંગલમાંથી ભૂખના કારણે મોતને ભેટેલા સેંકડો લોકોની કબર મળી આવ્યાના પગલે કેન્યાની મોમ્બાસા કોર્ટે બની બેઠેલા પાદરી પોલ મેકેન્ઝી અને તેની પત્ની સહિત 94 સાથીઓ વિરુદ્ધ 238 લોકોના માનવવધનો આરોપ લગાવાયો છે. ગત સપ્તાહે જ તેમની સામે ટેરરિઝમનો ચાર્જ લગાવાયો હતો. જોકે, મેકેન્ઝીએ નિર્દોષ હોવાનું રટણ કર્યું હતું. મેકેન્ઝી હત્યાની ટ્રાયલનો સામનો કરવા સક્ષમ છે કે કેમ તેનો નિર્ણય કરવા તેની માનસિક હાલતનું મૂલ્યાંકન કરાનાર છે. 13 ફેબ્રુઆરીએ જામીન અને બોન્ડની શરતો વિશે ચુકાદો અપાશે તેમ કોર્ટે જાહેર કર્યું છે.
ગૂડ ન્યૂઝ ઈન્ટરનેશનલ ચર્ચના પાદરી મેકેન્ઝીએ પોતાના અનુયાયીઓને જણાવ્યું હતું કે ભૂખ્યા રહીને મોતને વહાલું કરશો તો સ્વર્ગમાં જિસસ ક્રાઈસ્ટ સાથે મુલાકાત થશે. આના પરિણામે, બાળકો અને સ્ત્રીઓ સહિત 429થી વધુ લોકોના ભૂખના કારણે મોત નીપજ્યા હતા. ઘણા બાળકોનાં ગળાં દબાવીને મારી નખાયાના પણ આક્ષેપ થયા છે. જંગલમાંથી મૃતદેહો મળી આવ્યા પછી મેકેન્ઝીની ગત એપ્રિલ મહિનામાં ધરપકડ કરાઈ હતી.
ટાન્ઝાનિયામાં ચૂંટણીસુધારાની માગ સાથે દેખાવો
દારેસ્સલામઃ ટાન્ઝાનિયામાં સરકારના સૂચિત ચૂંટણીલક્ષી વિવાદાસ્પદ સુધારાઓમાં પણ સુધારાની વિપક્ષી માગ સાથે હજારો લોકોએ રાજધાની દારેસ્સલામમાં 24 જાન્યુઆરીએ દેખાવો કર્યા હતા. ટાન્ઝાનિયા સરકારે જાન્યુઆરી 2023માં લિપક્ષી રાજકીય રેલીઓ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધા પછી આ સૌથી મોટું જાહેર પ્રદર્શન હતું. ટાન્ઝાનિયાના મુખ્ય વિરોધપક્ષ ચાડેમાએ ચૂંટણીમાં મતદાન અગાઉ ઈલેક્ટોરલ કમિશનને વધુ સ્વતંત્રતા આપવા, જીવનનિર્વાહ ખર્ચમાં રાહતની માગણી ઉઠાવી છે. આગામી મહિને સરકારી સુધારાઓ પર ચર્ચા થવાની છે. ચાડેમાના નેતા ફ્રીમેન મ્બોવેએ સરકાર તેમની માગણીનો પ્રતિસાદ ન આપે ત્યાં સુધી દેશના અન્ય વિસ્તારોમાં પણ દેખાવો યોજવાની જાહેરાત કરી છે. ટાન્ઝાનિયામાં પ્રેસિડેન્ટ જ્હોન માગુફૂલીના માર્ચ 2021માં અવસાન પછી તેમના ડેપ્યુટી સામીઆ સુલુહુ હાસને સત્તા સંભાળી હતી. હવે 2025માં પ્રમુખપદની પ્રથમ ચૂંટણી યોજાવાની છે.
કેન્યાએ ઓઈલ સપ્લાય સોદો રદ કર્યો
નાઈરોબીઃ કેન્યા સરકારે એપ્રિલ 2023ના ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ (G2G) ઓઈલ સપ્લાય સોદાના અંતની જાહેરાત કરી છે. વિદેશી કરન્સીઓ સામે કેન્યન શિલિંગના પતનને અટકાવવા પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ કેન્યા અને ગલ્ફના ત્રણ નેશનલ ઓઈલ એક્સપોર્ટર્સ વચ્ચે G2G ઓઈલ સપ્લાય સોદો લોન્ચ કર્યો હતો. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના રિપોર્ટમાં ટ્રેઝરીએ જણાવ્યું હતું કે આ યોજના આશા મુજબ સફળ થઈ ન હતી. G2G ઓઈલ સપ્લાય યોજના શરૂઆતમાં 9 મહિના માટે હતી પરંતુ, તેને ડિસેમ્બર 2024 સુધી લંબાવાઈ હતી. આ તારીખ પછી યોજના પાછી ખેંચાશે. અગાઉ, ઓપન ટેન્ડર સિસ્ટમ હતી જેમાં સ્થાનિક કંપનીઓ દર મહિને ઓઈલની આયાત માટે બોલી લગાવતી હતી.
સબ-સહારાન આફ્રિકામાં 47 જર્નાલિસ્ટ જેલમાં કેદ
નાઈરોબીઃ કમિટી ટુ પ્રોટેક્ટ જર્નાલિસ્ટ્સ (CPJ)ના તાજેતરના અહેવાલમાં અખબારી સ્વાતંત્ર્યની અવદશાનું ચિત્ર રજૂ કરાયું છે અને 1 ડિસેમ્બર, 2023 સુધીમાં સબ-સહારાન આફ્રિકામાં 47 જર્નાલિસ્ટ જેલમાં કેદ હોવાનો ઘટસ્ફોટ કરાયો છે. 2022માં આ સંખ્યા 31ની હતી. એરીટ્રીઆમાં સૌથી વધુ 16 જર્નાલિસ્ટ જેલમાં સબડે છે. આના પછી ઈથિયોપીયા (8) અને કેમરૂન (6) આવે છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોની કિન્હાસાની કુખ્યાત જેલના કોમ્યુનલ સેલમાં સ્ટાનિસ બુજાકેરા ત્શીઆમાલાને રખાયા છે