નાઈરોબીઃ કેન્યાની રાજધાનીના એમ્બાકાસી વિસ્તારની ઈન્ડસ્ટ્રીઅલ બિલ્ડિંગમાં ગેસ વિસ્ફોટો થતા ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા હતા અને સંખ્યાબંધને ઈજા પહોંચી હતી. કેન્યાના રેડ ક્રોસે જણાવ્યું હતું કે 271 ઈજાગ્રસ્ત લોકોને બચાવી લેવાયા હતા અને જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ સ્થળે ગેસ સીલિન્ડર્સ ભરવાની કામગીરી ચાલતી હતી ત્યારે આગ લાગી હતી. આગ થોડી જ વારમાં નજીકના ટેક્સટાઈલ્સ અને ગારમેન્ટ વેરહાઉસમાં પ્રસરી હતી. અનેક વાહનો તેમજ કોમર્શિયલ અને રહેઠાણની પ્રોપર્ટીઝને નુકસાન પહોંચ્યું હતું. આગને પાછળથી ઓલવી દેવાઈ હતી પરંતુ, તેનું કારણ જાણી શકાયું નથી.
પાદરી પૌલનો સંપ્રદાય ક્રિમિનલ ગ્રૂપ જાહેર
નાઈરોબીઃ ધાર્મિક સંપ્રદાયના નેતા તરીકે પોતાને જાહેર કરનારા પાદરી પૌલ ન્થેન્ગે નેકેન્ઝીને હત્યા, બાળકો પર જુલ્મ અને આતંકવાદના આરોપો લગાવાયા પછી કેન્યા સરકારે તેના સંપ્રદાયને જ ‘ઓર્ગેનાઈઝ્ડ ક્રિમિનલ ગ્રૂપ’ જાહેર કર્યું છે.આના પરિણામે પાદરીને મદદ કરનારા લોકો સામે તપાસ અને કાનૂી કાર્યવાહી શક્ય બનશે. ધ ગૂડ ન્યૂઝ ઈન્ટરનેશનલ ચર્ચના વડા પૌલ મેકેન્ઝીએ તેના અનુયાયીઓને જિસસ ક્રાઈસ્ટ સાથે મેળાપ કરવો હોય તો આમરણ ઉપવાસ કરવાની સૂચના આપી હતી. સ્ત્રીઓ અને બાળકો સહિત સેંકડો અનુયાયી ભૂખના કારણે મોતને શરણ થયા હતા જેમાંથી, 429થી વધુ મૃતદેહ શાકાહોલા જંગલી જમીનમાં દટાયેલા શોધી કઢાયા હતા. મોમ્બાસાના પૂર્વ ટેક્સી ડ્રાઈવરે તેના સંપ્રદાયના સભ્યોને તેમના બાળકોને શાળાએ નહિ મોકલવા તેમજ બીમારીના સમયે હોસ્પિટલમાં જવા સામે પ્રતિબંધ ફરમાવ્યો હતો.
જેકોબ ઝૂમા ANCમાંથી સસ્પેન્ડ
જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકાની શાસક પાર્ટી આફ્રિકન નેશનલ કોંગ્રેસે (ANC) પૂર્વ પ્રેસિડેન્ટ જેકબ ઝૂમા (2009થી 2018)ને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. દેશમાં આ વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં અન્ય પક્ષના નેતાને સમર્થન જાહેર કર્યા પછી ઝૂમા સામે આ પગલું લેવાયું છે. આના પગલે પાર્ટીની એકતાને અવળી અસર થવાની શક્યતા વધી છે. ભ્રષ્ટાચારના આક્ષેપોના પગલે ઝુમાએ પ્રમુખપદ છોડવું પડ્યું હતું અને તેઓ પક્ષથી દૂર થતા ગયા હતા. તેમણે ડિસેમ્બરમાં નવી પાર્ટી ઉમ્ખોન્ટો વી સિઝવે (MK) માટે પ્રચાર કરવાની જાહેરાત કરી હતી.
ઈટાલીના આફ્રિકા પ્લાનને કેન્યાનો ટેકો
રોમ, નાઈરોબીઃ કેન્યાના પ્રમુખ વિલિયમ રુટોએ આફ્રિકા સાથે ગાઢ સહકાર રાખવાી ઈટાલીની યોજનાને સમર્થન આપ્યું હતું. રોમમાં 29 જા્યુઆરીએ ઈટાલી-આફ્રિકા શિખર પરિષદ યોજાઈ હતી. ઈયાલીના વડા પ્રધાન જ્યોર્જીઆ મેલોનીએ પ્રમુખ વિલિયમ રુટો સાથે મુલાકાત યોજી હતી. આફ્રિકન દેશો ગેરકાયદે ઈમિગ્રેશન અટકાવે તેની સામે તેમને સમૃદ્ધ બનાવવાની પહેલમાં પ્રાથમિક રીતે 5.5બિલિયન યુરો (5.96 બિલિયન પાઉન્ડ)નું ભંડોળ જાહેર કરાયું હતું. ભંડોળ ઓછું હોવાં છતાં, યુરોપીય દેશો આફ્રિકા ખંડને ગંભીરપણે લઈ રહ્યા હોવાનું પ્રમુખ રુટોએ જણાવ્યું હતું. જોકે, આફ્રિકન યુનિયન કમિશનના ચેરમેન મુસા ફાકી મુહમતે પ્રાથમિકતાઓ નક્કી કરતા પહેલા વ્યાપક મસલતો કરાઈ ન હોવાનું જણાવી માત્ર વાયદાઓ ચાલે નહિ તેમ કહ્યું હતું.