અક્કરાઃ ઘાનાની પાર્લામેન્ટે ત્રણ વર્ષની વિચારણાના અંતે LGBTQ+ વિરોધી બિલને ત્રીજા વાચન પછી પસાર કર્યું છે. સ્પીકરે આ બિલના સુધારાઓને ફગાવી દીધા હતા. નવા બિલમાં સજાતીયતાની ઓળખ કરાયા બદલ કોઈને પણ ત્રણ વર્ષ સુધીની જેલની સજા થઈ શકશે તેમજ LGBTQ+ જૂથની રચના અથવા તેને ફંડ આપવા બદલ મહત્તમ પાંચ વર્ષના જેલવાસની સજા કરી શકાશે. બાળકઓને લક્ષમાં રાખી સજાતીયતા હિમાયત અભિયાનમાં સંડોવાયેલા કોઈ પણને 10 વર્ષ સુધી જેલની સજા કરવાની બિલમાં જોગવાઈ છે. આ બિલ પ્રેસિડેન્ટની મંજૂરી માટે મોકલી અપાયું છે. અગાઉ પ્રેસિડેન્ટ આકુફો-એડ્ડોએ કહ્યું હતું કે બહુમતી ઘાનાવાસી ઈચ્છશે તો તેઓ બિલ પર સહી કરશે.
ટાન્ઝાનિયાના હાઈડ્રોપાવર પ્લાન્ટનું પ્રથમ ટર્બાઈન શરૂ
દારેસ્સલામઃ ટાન્ઝાનિયાએ વીજ ઉત્પાદન ક્ષમતા બમણી કરવા માટે 2,115 મેગાવોટના નવા જુલિયસ ન્યેરેરે હાઈડ્રોપાવર પ્લાન્ટના પ્રથમ ટર્બાઈનને કાર્યાન્વિત કર્યું છે. જોકે, આ પ્લાન્ટ યુએન દ્વારા નિશ્ચિત કરાયેલી વર્લ્ડ હેરિટેજ સાઈટ પાસે હોવાથી તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે.
આ હાઈડ્રો પ્રોજેક્ટનું બાંધકામ 2019માં શરૂ કરાયું ત્યારે પણ પર્યાવરણ અને સંરક્ષણવાદીઓએ ચેતવણી આપી હતી કે આફ્રિકાના સૌથી સંરક્ષિત વિસ્તારોમાં એક સેલોસ ગેમ રિઝર્વમાંથી પસાર થતી મુખ્ય નદી પર બંધ બાંધવાથી વાઈલ્ડલાઈફ અને હેઠવાસના વિસ્તારોને અસર થઈ શકે છે. આ ગેમ રિઝર્વમાં હાથી, ચિત્તા, કાળા ગેંડા સહિત અનેક પ્રકારના જંગલી પ્રાણીઓની વસ્તી છે.
દેશના એનર્જી મિનિસ્ટર અને ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર ડોટો બિટેકોએ આ પ્લાન્ટની મુલાકાત વેળાએ જણાવ્યું હતું કે નવ ટર્બાઈન પ્લાન્ટનું બીજું ટર્બાઈન આગામી મહિને શરૂ કરાઈ ગ્રીડમાં જોડાશે ત્યારે દેશમાં વીજળીના રેશનિંગનો અંત આવશે.
હેઈતીમાં કેન્યન પોલીસની તહેનાતી કરવા સમજૂતી
પોર્ટ-ઔ-પ્રિન્સ,નાઈરોબીઃ ગેંગ્સ વચ્ચે હિંસક લડાઈઓથી ત્રસ્ત કેરેબિયન દેશ હેઈતીમાં યુએન સમર્થિત લો એન્ડ ઓર્ડર મિશન હેઠળ કેન્યન પોલીસદળ તહેનાત કરવા કેન્યા અને હેઈતી વચ્ચે પારસ્પરિક સમજૂતી થઈ છે. નાઈરોબીમાં પ્રેસિડેન્ટ વિલિયમ રુટો અને હેઈતીના પ્રાઈમ મિનિસ્ટર એરિયલ હેન્રીએ પોલીસની ગોઠવણી સત્વરે કરી શકાય તેના પગલાંની ચર્ચા કરી હતી. કેન્યાએ અગાઉ 1000 પોલીસ તહેનાત કરવાની તૈયારી દર્શાવી હતી. યુએન સિક્યુરિટી કાઉન્સિલે મિશનને ગત ઓક્ટોબરમાં જ બહાલી આપી હતી. જોકે, ગત જાન્યુઆરી મહિનામાં નાઈરોબીની કોર્ટે આ મુદ્દે પારસ્પરિક કરારના અભાવે આવી વ્યવસ્થાને ગેરબંધારણીય ઠરાવી હતી પરંતુ, નવા કરારથી તેને કોઈ અસર થશે કે કેમ તેની કોઈ સ્પષ્ટતા થઈ નથી.