નાઈરોબીઃ કેન્યાની રાજધાનીના નાઈરોબી નેશનલ પાર્ક ખાતેના આકાશમાં બે વિમાન વચ્ચે ટક્કર થવાથી બે વ્યક્તિના મોત નીપજ્યા હતા. જોકે, અન્ય 44 પ્રવાસીનો બચાવ થયો હતો. 5 માર્ચની સવારે સફારી લિન્કની માલિકીનું ડેશ 8 વિમાન 39 પ્રવાસી અને 5 ક્રુ સાથે ડિઆની જઈ રહ્યું હતું. બીજી તરફ, સેશના તાલિમી વિમાન બે લોકોને લઈ તાલિમી ઉડાણ કરી રહ્યું હતું ત્યારે અથડામણ થઈ હતી. બંને વિમાને વિલ્સન એરપોર્ટ પરથી ઉડ્ડયન આરંભ્યું હતું. ડેશ 8 વિમાને સલામત ઉતરાણ કર્યું હતું પરંતુ, સેશના નાઈરોબી નેશનલ પાર્ક ખાતે તૂટી પડ્યું હતું અને તેમાં બેઠેલી બે વ્યક્તિ મોતને ભેટી હતી.
કેન્યાના વિપક્ષી નેતા હેઈતી સાથેનો કરાર પડકારશે
નાઈરોબીઃ કેન્યાના વિપક્ષી નેતા એકુરુ ઔકટે ગેંગહિંસાથી ત્રસ્ત હેઈતીમાં કેન્યાના પોલીસ અધિકારીઓ મોકલવાના કરારને કોર્ટમાં પડકારવાની જાહેરાત કરી છે. ગત ઓક્ટોબરમાં કેન્યાએ યુએનની સત્તા હેઠળ આંતરરાષ્ટ્રીય પોલીસ દળનું નેતૃત્વ કરવા સંમતિ આપી હતી. જોકે, જાન્યુઆરીમાં કોર્ટે બે દેશો વચ્ચે પારસ્પરિક કરારના અભાવે આવી ગોઠવણ ગેરબંધારણીય ઠરાવી હતી.
દરમિયાન, કેન્યાના પ્રેસિડેન્ટ વિલિયમ રુટો અને હેઈતીના પ્રાઈમ મિનિસ્ટર એરિયલ હેન્ન્રીએ કેન્યાની પોલીસને ઝડપથી હેઈતી મોકલવા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.એગ્રીમેન્ટની ટાઈમલાઈન અસ્પષ્ટ છે ત્યારે થર્ડવે એલાયન્સ કેન્યાના નેતા અને ધારાશાસ્ત્રી એકુરુ ઔકટે સમગ્ર કરારને ગૂપચૂપ ગણાવી કહ્યું હતું કે કરાર અમાન્ય છે અને કોર્ટ દ્વારા કરાયેલા વાંધાઓનું નિરાકરણ લાવવામાં સક્ષમ નથી. કેન્યા ખુદ સુરક્ષાના પડકારોનો સામનો કરી રહ્યું છે ત્યારે ભારે સશસ્ત્ર ગેંગસ્ટર્સ સામે લડવા કેન્યાના પોલીસ અધિકારીઓને મોકલવામાં શું શાણપણ છે તેવા પ્રશ્નો પણ કરાઈ રહ્યા છે.