કમ્પાલાઃ યુગાન્ડા રેલવેઝ કોર્પોરેશન (URC)ને Sh 146 મિલિયનનાં જંગી નુકસાનના મામલામાં નાકાસેરુસ્થિત એન્ટિ કરપ્શન કોર્ટે URC ના પૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર સ્ટેન્લી સેન્ડેગેયા તથા સહકર્મી એન્જિનીઅર્સ નિકોલસ કાકૂઝા અને પીટર ક્રીસ કાટ્વેબાઝે સામે 22 માર્ચ ગુરુવારે આરોપ લગાવ્યા હતા.
સીનિયર પ્રિસિપાલ ગ્રેડ વન મેજિસ્ટ્રેટ આલ્બર્ટ આસિમ્વેએ ચીફ સ્ટેટ એટર્નીની વિનંતી અનુસાર સરકારને નાણાકીય ખોટ કરાવવાના આરોપમાં જવાબ આપવા સ્ટેનલી સેન્ડેગેયાને સમન્સ પાઠવ્યા હતા. એન્જિનીઅર્સ નિકોલસ કાકૂઝા અને પીટર ક્રીસ કાટ્વેબાઝે પૂરતી જામીનગીરી રજૂ ન કરી શકવાથી તેમને લુઝિરા પ્રિઝનમાં રિમાન્ડ પર મોકલી અપાયા હતા. કાકૂઝા અને કાટ્વેબાઝે URC દ્વારા મેળવાયેલા ચાર લોકોમોટિવ્ઝની સિક્યુરિટી અને ટ્રાન્સપોર્ટેશન માટે ઓગસ્ટ 2021માં કેન્યા રેલવેઝ કોર્પોરેશનને 38,200 ડોલર (Sh146 મિલિયન) વધારાનું પેમેન્ટ કરાવી દીધું હતું. આ બંને કર્મચારીએ આરોપને નકારી કાઢ્યા હતા.
કેન્યાની દોડવીર જેનેથ ચેપેન્ગેટિચેને ગોલ્ડ મેડલ
અક્રા, નાઈરોબીઃ ઘાનાના અક્રા ખાતે આયોજિત આફ્રિકન ગેમ્સ 2024માં કેન્યાની દોડવીર જેનેથ ચેપેન્ગેટિચે 33:37.00ના સમય સાથે વિમેન્સ 10,000 મીટર દોડમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. ગુરુવાર 21 માર્ચની સ્પર્ધામાં ઈથિયોપિયાની દોડવીર બેલેવ કેફાલે (33:38.37) અને આમારે તેખાન બેર્હે (33:51.50) સમય સાથે અનુક્રમે દ્વિતીય અને તૃતીય સ્થાને રહ્યાં હતાં. 25 લેપની સ્પર્ધામાં જેનેટે આખરી લેપમાં ભારે દોડ લગાવી તેનાથી સતત સરસાઈ ભોગવી રહેલી કેફાલેને પાછળ પાડી હતી. ચેપેન્ગેટિચેના ગોલ્ડ સાથે કેન્યાને ગુરુવાર સુધીમાં કુલ 22 મેડલ્સ પ્રાપ્ત થયા હતા.
સેનેગલના પ્રમુખપદની હોડમાં પ્રથમ મહિલા ઉમેદવાર
ડકારઃ સેનેગલમાં પ્રમુખપદની ચૂંટણીમાં રવિવાર 24 માર્ચે મતદાન થવાનું હતું ત્યારે પ્રમુખપદની હોડમાં ઘણા વર્ષો પછી પ્રથમ મહિલા ઉમેદવાર આન્તા બાબાકાર ન્ગોમે ભારે આકર્ષણ જમાવ્યું હતું. પ્રમુખ મેકી સોલેને મતદાન મુલતવી રહે તેના ઘણા પ્રયાસ કર્યા પછી નમતું જોખવું પડ્યું હતું. આ ચૂંટણીમાં પારિવારિક ફૂડ કંપની ચલાવનાર 40 વર્ષીય બિઝનેસ એક્ઝિક્યુટિવ ન્ગોમેના જીતવાની કોઈ શક્યતા નથી પરંતુ, સ્પર્ધામાં તેની હાજરીથી સેનેગલમાં લૈંગિક સમાનતાના અભિયાનને ભારે તાકાત મળી છે. ન્ગોમે સ્ત્રીઓ અને યુવા વર્ગના અવાજ તરીકે ઉભરી આવેલ છે અને તેમના ચૂંટણી પ્રચારમાં દેશના અર્થતંત્ર, કુદરતી સ્રોતોના વિકાસ પર ભાર મૂકાયો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ, 2012માં બે મહિલા ઉમેદવારે પ્રમુખપદની સ્પર્ધામાં ઝૂકાવ્યું હતું પરંતુ, તેમને એક ટકાથી પણ ઓછાં મત મળ્યાં હતાં.